કહાનીમાં ટ્વિસ્ટ…કિડનેપર જ નીકળ્યો બાળકનો પિતા ! પ્રેમમાં ભિખારી બની ગયો હતો હેડ કોન્સ્ટેબલ
એક વર્ષ પહેલા જયપુરમાં એક બાળકના અપહરણના કેસમાં પોલીસે અપહરણકર્તાની ધરપકડ કરી છે અને 14 મહિના બાદ બાળકને તેની માતાને સોંપ્યો. જો કે, જ્યારે પોલીસે આરોપી તનુજ ચાહરની ધરપકડ કરી અને તેને આગ્રાથી જયપુર લાવી ત્યારે પોલીસ સ્ટેશનની અંદર કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. માસૂમ બાળક માતાને બદલે કિડનેપર પાસે જવાની જીદ કરવા લાગ્યો. આટલું જ નહીં બાળકે અપહરણકર્તાને ગળે પણ લગાડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર અપહરણકર્તા અને પોલીસકર્મી બંનેની આંખોમાં આંસુ આવી ગયા.
આ પછી દરેકના મનમાં એ સવાલ ઊભો થયો કે બાળકનો અપહરણકર્તા સાથે એવો કેવો સંબંધ છે કે તે માતાને બદલે અપહરણકર્તા સાથે આટલો લાગણીશીલ છે. તો તમને જણાવી દઇએ કે, આ આખો મામલો પ્રેમ સંબંધ સાથે જોડાયેલો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કહાનીમાં જે વ્યક્તિનું અપહરણ કરનાર તરીકે વર્ણન કરવામાં આવી રહ્યું છે તે બાળકનો પિતા છે આ ખુદ આરોપીએ જણાવ્યું છે. અપહરણ કરનારનું નામ તનુજ ચાહર છે, જે યુપી પોલીસનો સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ છે.
હાલમાં જયપુર પોલીસની નજરમાં તેના પર બાળકનું અપહરણ કરવાનો આરોપ છે. પરંતુ આ કથિત અપહરણકર્તા દાવો કરી રહ્યો છે કે તે બાળકનો પિતા છે અને બાળક તેને આપવું જોઈએ. તેનું કહેવું છે કે પોલીસ ઇચ્છે તો તેનો ડીએનએ ટેસ્ટ કરાવી લે પણ આ બાળક તેનું જ છે. રીપોર્ટ અનુસાર, બાળકની માતા અપહરણકર્તા તનુજની ફોઇની છોકરી છે, જેને તે ઘણા વર્ષોથી પ્રેમ કરતો હતો. પરંતુ જ્યારે છોકરીના પરિવારને આની ભનક લાગી તો ગામમાં ખાપ પંચાયત યોજાઈ.
આ પછી પરિવારના સભ્યોએ માન-સન્માનથી જયપુરમાં યુવતીના ગુપચુપ લગ્ન કરાવી દીધા. પ્રેમમાં છૂટા પડ્યા બાદ તનુજે પોલીસની નોકરી છોડી અને પ્રેમિકાને પામવા ભિખારી બની ગયો. એટલું જ નહીં, તેની શોધમાં તેણે એક વર્ષ સુધી જયપુરમાં ફૂટપાથ પર રાતો વિતાવી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. જ્યારે તેની ગર્લફ્રેન્ડની શોધ પૂરી થઈ, ત્યારે તનુજે તેના પ્રેમને ફરી પરવાન આપ્યો.. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી તનુજે ધીમે ધીમે તેની પ્રેમિકાના પતિ સાથે સંબંધો બનાવ્યા અને પછી તે તેના ઘરે જવા લાગ્યો.
આ દરમિયાન યુવતીએ તેના પતિને પણ તેના પ્રેમ વિશે જણાવ્યું હતું. ત્યારપછી થોડા મહિના પછી તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. આ પછી અચાનક તેણે તનુજ સાથેના સંબંધો તોડી નાખ્યા. મતભેદના કારણે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. તનુજે તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું અને તેને બાળક સાથે તેની સાથે આવવા કહ્યું. આ પછી જ્યારે વાત ન બની તો 14 જૂન 2023ના રોજ તેણે તેની ગર્લફ્રેન્ડના 11 મહિનાના બાળકને તેના ઘરેથી બળજબરીથી ઉપાડી તેનું અપહરણ કર્યું. હવે જ્યારે પોલીસે બાળકને રિકવર કર્યો ત્યારે તેની ઉંમર 2 વર્ષથી વધુ હતી. આ દરમિયાન આરોપીએ ઘણા રાજ્યોમાં પ્રવાસ કર્યો પરંતુ બાળકનો વાળ પણ વાંકો ન થયો.
જ્યારે અવારનવાર અપહરણના કેસમાં આરોપીઓ ખંડણી માગે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે, ત્યાં આ કેસમાં આવું ના બન્યું. એવું નથી કે બાળકના પરિવારને અપહરણકર્તાનો ફોન આવ્યો નહોતો. ફોન આવ્યો પણ ખંડણી માટે નહીં પરંતુ બાળકની માતાની ખબર પૂછવા માટે. આ દરમિયાન આરોપી પોતે સંત બની ગયો પરંતુ બાળકની નવા કપડાં અને રમકડાંની ઈચ્છા પૂરી કરતો રહ્યો. એવું નથી કે આરોપી તનુજ પરિણીત નથી, તેનો 21 વર્ષનો દીકરો પણ છે પરંતુ તેણે તેની ગર્લફ્રેન્ડના કારણે પત્નીને છોડી દીધી હતી, જેણે હવે આરોપી તનુજ વિરુદ્ધ ભરણપોષણનો કેસ દાખલ કર્યો છે.
View this post on Instagram