એક કૂવો, પાંચ લાશ : ત્રણ બહેનોએ એકસાથે કર્યો આપઘાત, એક જ ઘરમાં થયા હતા લગ્ન

જયપુરમાં 5 લાશો બાદ એ જ કુવામાં મળી વધુ એક બાળકની લાશ, બાળકોના મર્ડર કરીને કૂવામાં છલાંગ લગાવી, જાણો સમગ્ર મામલો

ગુજરાત સહિત રાજસ્થાનમાં અનેક વાર આત્મહત્યા અને હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ માનસિક કે શારીરિક હેરાનગતિ કે પ્રતાડનાને કારણે મહિલાએ આપઘાત કરી લેતી હોય છે અને તેઓ આપઘાત પહેલા બાળકોની પણ હત્યા કરી લેતી હોય છે. હાલમાં જ એક હત્યા અને આત્મહત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં શનિવારના રોજ જે કૂવામાંથી 5 લાશો નીકાળવામાં આવી હતી, ત્યાં જ રવિવારના રોજ બપોરે એક નવજાતની લાશ મળવાથી હડકંપ મચી ગયો હતો. સૂચના મળતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એસડીઆરએફની ટીમે પહોચી લાશને બહાર નીકાળી હતી.

પોલિસનું કહેવુ છે કે મરનાર એક ગર્ભવતી મહિલાની ડિલીવરી એક બે દિવસમાં થવાની હતી અને તે તેના જ બાળકની લાશ છે.પોલીસનું કહેવું છે કે રવિવારે ડોક્ટરે સગર્ભાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું, ત્યારબાદ અનુમાન લગાવ્યું કે મૃતકનું કસુવાવડ થયું હશે. જો કે કૂવાના પાણીમાં જે મૃતદેહો ફૂલી ગયા હતા તે શનિવારે જ સામે આવ્યા હતા, પરંતુ શોધનારે લાંબા સમય સુધી કૂવામાં શોધખોળ કરતાં નવજાતનો મૃતદેહ ક્યાંય જોવા મળ્યો ન હતો. કૂવા પાસે જવાનોની ડ્યુટી રાખવામાં આવી હતી. આ સાથે જ અધિકારીઓએ કૂવામાં પાણી ઉતારીને ઢાંકી દેવાના આદેશ આપ્યા.

બીજી તરફ મીણા સમાજના આગેવાન ફૂલચંદ મીણાનું કહેવું છે કે કુવામાં નવજાત શિશુની આ લાશ તેમના સમાજના કેટલાક છોકરાઓએ જોઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હવે પોલીસની આ ઘોર બેદરકારી સામે મીણા સમાજ ઉગ્ર વિરોધ કરશે. ઘટનાસ્થળે હાજર રહેલા પોલીસ અધિકારીઓની સાથે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં સુધી સસ્પેન્શનની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.જયપુર પાસે દુદુ વિસ્તારમાં એક કૂવામાંથી ત્રણ પરણિત સગી બહેનો અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.

મૃતકોમાં એક જ પરિવારમાં પરિણીત ત્રણ બહેનો અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે. મૃત્યુ પામનાર બે બહેનો પણ ગર્ભવતી હતી. મૃતકો સભ્યો 25 મેથી ગુમ હતા. મૃતકોની ઓળખ ત્રણ બહેનો કાલી દેવી, મમતા મીણા અને કમલેશ મીણા સાથે હર્ષિત અને 20 દિવસના બાળક તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, એક જ ઘરમાં લગ્ન કરનાર ત્રણ બહેનોમાં મોટી કાલી દેવી બે બાળકોની માતા હતી. જ્યારે તેની નાની બહેન મમતા આઠ માસની ગર્ભવતી હતી અને સૌથી નાની કમલેશને છેલ્લો નવમો મહિનો ચાલી રહ્યો હતો.

ત્રણેય બહેનોના લગ્ન વર્ષ 2005માં એક જ પરિવારમાં થયા હતા. પોલીસે જણાવ્યું કે પતિ ખેતરમાં કામ કરે છે. આરોપ છે કે સાસરિયાઓ પરણીત મહિલાઓને હેરાન કરતા હતા. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, સાસરિયાંથી કંટાળીને ત્રણેયે સાથે મળીને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો અને ઘરથી એક કિલોમીટર દૂર નરૈના રોડ પર આવેલા કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

Shah Jina