સુરત : સંયમના માર્ગે બિઝનેસમેનની 12 વર્ષની દીકરી, દીક્ષાનું મુહૂર્ત લેવા ઓડીમાં નીકળી

દીક્ષાનું મુહૂર્ત લેવા ઓડીમાં નીકળી:સુરતમાં વૈભવી જીવનશૈલીનો ત્યાગ કરી 12 વર્ષની પ્રિશા દીક્ષા અંગીકાર કરશે, વાજતે ગાજતે મુહૂર્ત મેળવ્યું, ધો. 4 સુધી કર્યો છે અભ્યાસ

એવુ લાગી રહ્યુ છે કે સુરતમાં દીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે હાલમાં સુરતના અડાજણ વિસ્તારના બિઝનેસમેનની 12 વર્ષિય દીકરી દીક્ષા ધારણ કરી સંયમના માર્ગ તરફ પ્રયાણ કરવાની છે. મુમુક્ષુ પ્રિશા શાહ તેની દીક્ષાનું મુહૂર્ત લેવા ઓડી કારમાં ઘરેથી પહોંચી હતી. પ્રિશાને આચાર્ય રશ્મિરત્નસૂરીએ 17 જાન્યુઆરીનું મુહૂર્ત પ્રદાન કર્યું છે. (તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

17 વર્ષીય મુમુક્ષુ જાન્યા શાહ, 10 વર્ષીય ઝોહી શાહ, મુમુક્ષુ ધ્રુવી શાહ અને મુમુક્ષુ શ્રુતિ શાહ પણ સંયમ મુહૂર્તની તૈયારી કરી રહ્યા છે ત્યારે હવે પ્રિશા કે જેની ઉંમર 12 વર્ષની છે અને તેણે માત્ર ધોરણ 4 સુધીનું શિક્ષણ મેળવ્યું તેણે પણ હવે સંયમનો માર્ગ અપનાવ્યો છે.

વૈભવી જીવનશૈલી છોડી પ્રિશા સંયમના માર્ગે પ્રયાણ કરશે. પ્રિશાને સંયમ ધર્મનો રંગ લાગતા હવે તે દીક્ષા લેવાની છે. પ્રિશાએ કહ્યું હતું કે, ગુરુદેવ, માનવજીવન મુનિ બની મોક્ષમાં જવા માટે મળ્યું છે. મારે માનવજન્મને સાર્થક કરવું છે. તે માટે ચરિત્ર સ્વીકારના લાઇસન્સરૂપી ચારિત્ર્યનું મંગલ મુહૂર્ત પ્રદાન કરો.

ત્યારે આના જવાબમાં આચાર્ય રશ્મિરત્નસૂરીએ કહ્યું કે, આ બધા મુમુક્ષુઓ સંયમ પાળતા હોય છે. તેમની સક્રિય અનુમોદના ત્યારે જ થશે કે જ્યારે જીવનમાં નાના-મોટા ત્યાગ અને વિરતિની સાધનામાં આગળ વધીએ. પ્રિશાને 17 જાન્યુઆરી-2024નું મુહૂર્ત પ્રદાન કરાયું છે.

Shah Jina