જીવનશૈલી

ગુજરાતનું આ ગામ સાકાર કરે છે ગાંધીના ગુજરાતની વ્યાખ્યા, દારૂ પીને આવતા લોકોના અહીં થાય છે આવા હાલ

આપણું રાજ્ય ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, જ્યા પહેલેથી જ દારૂબંધીનો કાયદો છે, પણ તેમ છતાં આપણા રાજ્યમાં ઘણી જગ્યાઓ પર ચોરીછૂપીથી દારૂનું વેચાણ થાય છે અને ઘણા લોકો તો એવા છે કે જેમને દારૂની આદત પડી ગઈ છે. દારૂને કારણે કેટલાય અકસ્માતો થયા છે, લોકો મૃત્યુ પામ્યા છે, ઘરો ભાંગ્યા છે, કેટલીય મહિલાઓ વિધવા થઇ છે અને કેટલાય બાળકો અનાથ થયા છે. દારૂબંધી હોવા છતાં આપણા રાજ્યમાં દારૂને કારણે બનતા ઘણા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આટલું બનતું હોવા છતાં પણ દારૂનું વેચાણ આપણા રાજ્યમાં ચાલુ તો રહે જ છે, અને લોકો દારૂનું સેવન પણ કરે જ છે.

સરકારે પણ દારૂબંધીને લઈને ઘણા કડક કાયદાઓ અને નિયમો બનાવ્યા, ઘણા અભિયાનો ચલાવ્યા પણ આ એક એવું દુષણ છે કે જે જવાનું નામ નથી લેતું. ત્યારે આવા સમયે રાજ્યમાં એક એવું ગામ પણ છે કે જ્યાના લોકોએ દારૂબંધીના ચુસ્તપણે અમલ માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આ ગામના લોકો દારૂ પીને ગામમાં નીકળતા લોકોને જાતે જ સજા કરે છે અને જેલમાં નાખે છે.

સાણંદ તાલુકામાં આવેલા મોતીપુરા ગામમાં દારૂડિયાઓને સીધા કરવાનો આ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને કારણે ગામમાંથી દારુનું દુષણ સંપૂર્ણપણે દુર તો નથી થયું પણ કેટલાય લોકોએ દારુ છોડ્યું છે. 3500 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં પુરુષોને દારૂની ખૂબ જ ખરાબ આદત લાગી હતી. આ ગામના 80 ટકા પુરુષો દારૂ પીવા લાગ્યા હતા. જેને કારણે ગામની 200 જેટલી મહિલાઓ વિધવા પણ બની હતી.

Image Source

આ પછી વર્ષ 2016માં ગામના વડીલોએ મળીને દારૂના દુષણને ડામવા માટે એક બેઠક યોજી અને તેમાં નક્કી કર્યું કે દારૂ પીને પકડાયેલા લોકોને એક જેલમાં પુરવા. ગામના લોકોએ મળીને એક પાંજરું બનાવ્યું અને આ પાંજરાને ગામના ચોકમાં રાખ્યું. ગામના લોકોએ આ પાંજરાને મોતીપુરા જેલ નામ આપ્યું છે. જે પણ વ્યક્તિ દારૂ પીને પકડાય તેને આ પાંજરામાં પુરવામાં આવે છે અને તેને 1200 રૂપિયા દંડ ભરે પછી જ છોડવામાં આવે છે. ભેગી થયેલી દંડની રકમને ધાર્મિક, સામાજિક કાર્યમાં અથવા તો ગામના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

Image Source

આ ગામમાં એક કમિટી બનાવવામાં આવી છે જે રોજ રાતે ઘરે-ઘરે જઈને દારૂ પીધેલા લોકોને પકડે છે. આ કામમાં ગામની મહિલાઓનો પણ ઘણો સહયોગ મળે છે. જો કોઈએ દારૂ પીધો હોય તો મહિલાઓ આ સમિતિને જાણ કરી દે છે. જેથી દારૂડિયાને આ કમિટી લઈને જેલમાં પુરી દે છે. આ જેલમાંથી ત્યારે જ મુક્તિ મળે છે, જ્યારે તે વ્યક્તિ 1200 રુપિયાનો દંડ ભરે. દંડ ભર્યા પછી જ આ લોકોને છોડવામાં આવે છે.

આ જેલના પૈંડા છે, જેથી જેલમાં કોઈ દારુડિયો હોય તો તે રાતે ગામવાળાને અવાજ કરી હેરાન ન કરે અને ગામલોકોને શાંતિની ઊંઘ મળે, એ માટે તેને પાંજરામાં રાખી ગામની સીમમાં ફેરવવામાં આવે છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ 5થી વધુ વખત દારૂ પીધેલો પકડાય તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે છે. જો આ બહિષ્કૃત વ્યક્તિને સમાજમાં પાછું આવવું હોય તો દારુ છોડીને સમાજનો મસમોટો દંડ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે.

Image Source

ગામમાં આ જેલના ઉપાય પછી પરિણામ સારા મળ્યા છે. જેલમાં દિવસો સુધી રહેવાના કારણે, બદનામીનાં ડરથી શરમનાં કારણે ઘણા લોકોએ દારૂ પીવાનું બંધ કરી દીધું છે. ગામની મહિલાઓ અને યુવાનો આગળ આવ્યાં છે. છેલ્લા 3 વર્ષોમાં મોતીપુરા જેલમાં આવનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.