Jaideep Agarwal’s success story : આજે ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું, જેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પરિવારમાં ખુશીઓનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો જે બાળકોએ ટોપ કર્યું છે તેમના પરિવારજનો પણ ભાવુક થયા હોવા તેવા ઘણા દૃશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન ઘણા બાળકોની સફળતાની કહાનીઓ પણ સામે આવી છે, જેમાંથી એક છે વડોદરાનો જયદીપ અગ્રવાલ. જેને 12 કોમર્સમાં 99.84 પર્સન્ટાઇલ રેન્ક અને 94 ટકા માર્ક્સ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે.
જયદીપ એક ખુબ જ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે, અને તેનો પરિવાર ગોત્રીમાં એક રૂમ રસોડાના મકાનમાં રહે છે. તેના પિતા પગરખાંની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જયદીપ પણ ઘણીવાર તેના પિતા સાથે પગરખાંની લારી પર મદદ કરવા માટે જાય છે. જયદીપ ઉત્કર્ષ સ્કૂલમાં અભયઉએ કરી છે, જયદીપે બોર્ડની ધો.12ની કોમર્સની પરીક્ષામાં એકાઉન્ટ અને બીએ બે વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.
આ ઉપરાંત અન્ય બે વિષય સ્ટેટેસ્ટિક્સ અને ઈકોનોમિક્સમાં 100માંથી 99 માર્ક્સ મેળવ્યા છે. આમ જયદીપ કુલ 700 માર્ક્સમાંથી 658 માર્ક્સ મેળવતા પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જયદીપ ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. દીકરાની આ સફળતા પર પગરખાંની લારી ચલાવતા પિતાની આંખોમાંથી પણ આંસુઓ આવી ગયા હતા. તેમને પોતાના દીકરાની મહેનત પર ખુબ જ ગર્વ થયો છે.
પોતાની સફળતા પર જયદીપનું કહેવું છે કે, “પરિસ્થિતિ ગમે તેવી હોય આપણે હાર ન માનવી જોઈએ. હું પિતાને પગરખાંની લારી ચલાવવામાં મદદ પણ કરતો અને સાથે સાથે ભણવામાં પણ વધુ સમય આપતો. જેને કારણે આજે મારો શાળામાં પ્રથમ ક્રમાંક આવ્યો છે.” ત્યારે જયદીપની આ સફળતાને લઈને હવે લોકો તેને શુભકામનાઓ પણ આપી રહ્યા છે.