અજબગજબ કૌશલ બારડ લેખકની કલમે

ઔરંગઝેબનાં હુકમ છતાં જગન્નાથ મંદિરની કાંકરી પણ ન ખરી!વાંચો રોચક ઇતિહાસ

ભારતના પૂર્વીય કાંઠે ઓરિસ્સા રાજ્યમાં આવેલ જગન્નાથ ભગવાનનું મંદિર જગપ્રસિદ્ધ છે. ભગવાન કૃષ્ણ અહીં ‘જગતના નાથ’રૂપે બિરાજે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં અહીં યાત્રાળુઓની હાજરી નોંધાય છે. અષાઢી બીજના દિવસે અહીઁ ભગવાન જગન્નાથની ‘રથયાત્રા’ નીકળે છે, જેનું અનુકરણ કરીને ભારતમાં અનેક ઠેકાણે પણ આ દિવસે રથયાત્રાનું પર્વ ઉજવાય છે. અમદાવાદમાં નીકળતી રથયાત્રા જાણીતી છે.

જગન્નાથ મંદિર ઘણું ઐતિહાસિક છે. મંદિરનો પાયો કોણે નાખ્યો એની માહિતી આજે મળતી નથી. બ્રહ્મપુરાણમાં આ મંદિરને ‘સર્વે તીર્થોમાં શ્રેષ્ઠ’ કહેવાયું છે. ઓરિસ્સાના પૂરીમાં આવેલ આ મંદિર પ્રસિદ્ધ હોવાને લીધે ભૂતકાળમાં અનેક વાર વિધર્મી બાદશાહોના આક્રમણોનું ભોગ પણ બની ચૂક્યું છે.

Image Source

 

ઔરંગઝેબે આપ્યો મંદિરને ધરાશાયી કરવાનો હુકમ:
ભારત પર સૌથી લાંબા વખત સુધી શાસન કરનાર વિદેશી હકુમત મુગલોની હતી. મુગલવંશમાં થયેલા બાદશાહ ઔરંગઝેબની ક્રુરતા અને ધર્માંધતાના તો અનેક દાખલા આજે પણ ટાંકવામાં આવે છે. ભારતભરમાં રહેલાં અનેક પ્રસિદ્ધ અને પૌરાણિક મંદિરોને ઔરંગઝેબે ધરાશાયી કરાવ્યાં હતાં.

ઇ.સ.૧૬૮૧માં ઔરંગઝેબ ધર્માંધતાની ચરમસીમાએ હતો. એ વખતે એને જગન્નાથપૂરીનું મંદિર આંખમાં કણાની જેમ ખૂંચ્યું. પૂર્વકાંઠાના હિન્દુઓની આસ્થાનું પરમ સ્થાન આ મંદિર હતું. હિન્દુ ધર્મને મૂળ સહિત ઉખેડી નાખવા માટે સૌપ્રથમ એના ધાર્મિક સ્થાનોને તોડી પાડવા – ઔરંગઝેબની આ મોનોપોલી હતી. એણે બંગાળના સૂબા અમીર-ઉલ-ઉમારાને મંદિર તોડી પાડવા માટેનું ફરમાન મોકલ્યું. (અહીં જે તસ્વીર આપી છે, તેમાં મુગલોની રાજભાષા ફારસીમાં એ ફરમાન રહેલું છે.)

Image Source

 

આ રીતે મંદિર બચી ગયું:
ઔરંગઝેબના ફરમાનનો અમલ કરવા માટે થઈને મુગલ સૂબેદાર સેના સાથે જગન્નાથપૂરી પહોંચ્યો. ઓરિસ્સા ત્યારે મુગલોના હાથમાં જ હતું. પણ અમુક હિન્દુ રાજવીઓ હજુ અમુક પ્રાંતો પૂરતા શાસન કરતા હતા. ખોર્ધાનો રાજા ગજપતિ તેમાંનો એક હતો. ગજપતિને ખબર પડી એટલે તે મંદિરનું રક્ષણ કરવા પહોંચી ગયો.

પણ સ્થિતી ‘પારધી સામે પારેવડાં’ જેવી હતી. ઔરંગઝેબનું મોકલેલું લશ્કર વિશાળ હતું. એનો સામનો કરવો શક્ય નહોતો. યુદ્ધ પણ થોડીવાર પૂરતું જ આપી શકાય તેમ હતું. એ પછી પણ મંદિર તો તૂટવાનું જ હતું! પ્રજામાં ક્રોધ અને ખુન્નસની લાગણી પ્રસરી ગઈ. પણ થાય શું? મલેચ્છોની સેના સામે બધું નકામું હતું.

આખરે રાજા ગજપતિએ સ્થાનિક પ્રજા સાથે મળીને વચલો રસ્તો કાઢ્યો : લાંચ આપવાનો! એણે મુગલ સૂબેદારને રિશ્વતની ઓફર આપી અને બદલામાં મંદિરને હેમખેમ રહેવા દેવાનું વચન માંગ્યું. સૂબેદાર જાણતો હતો કે ઔરંગઝેબનાં ફરમાનનો અમલ ના થયો તો પરિણામ શું આવશે! પણ સામે લાંચની રકમ બહુ મોટી હતી. આખરે સુબેદાર માની ગયો.

Image Source

 

વર્ષો સુધી મંદિરનાં બારણાં બંધ રહ્યાં:
સૂબેદારે જગન્નાથ મંદિરની ‘પ્રતિકૃતિ’ બનાવીને દિલ્હી મોકલાવી દીધી, જેથી ઔરંગઝેબને વિશ્વાસ થઈ જાય કે ખરેખર મંદિર ધરાશાયી થયું છે! જગન્નાથ મંદિર પણ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું. એનાં કમાડ અનિશ્વિત સમય માટે વાસી દેવાયાં. પૂજાવિધિ સદંતર બંધ થઈ. અફવા ફેલાવી દેવામાં આવી, કે જગન્નાથ મંદિરને તોડી પાડવામાં આવ્યું છે. રથયાત્રા પણ બંધ થઈ ગઈ.

ઔરંગઝેબ એ સમયે વ્યસ્ત હતો. દક્ષિણમાં મરાઠાઓએ તેની ઊંઘ હરામ કરી નાખી હતી. પંજાબ-હરિયાણા તરફ શીખો અને જાટોએ પણ તલવારો ઉગામી હતી. આ બધી ક્રાંતિઓને ઠારવામાં તે વ્યસ્ત રહેતો એટલે જગન્નાથ મંદિર તરફ જવાની તેને ફુરસત નહોતી. આમ, મંદિર બચી ગયું. ૧૭૦૭માં ઔરંગઝેબ મરણ પામ્યો એ પછી મુગલોની સત્તા પણ આથમવા માંડી અને જગન્નાથ મંદિર ફરીથી ધમધમ્યું. રથયાત્રા પણ શરૂ કરવામાં આવી.

આશા છે કે તમને આ અજાણી અને રોચક માહિતી ગમી હશે. આપના મિત્રો સાથે આર્ટિકલની લીંક જરૂર શેર કરજો. કમેન્ટમાં આર્ટિકલ વિશે તમારો પ્રતિભાવ પણ આપજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.