ભારતીય યુવતીના મોતની ઉડી રહી છે મજાક, વીડિયો સામે આવ્યા બાદ ભારતે કરી એક્શનની માંગ, જાણો કોણ છે આ યુવતી ?

કોણ છે એ ભારતીય યુવતી, જેના મોત પર અમેરિકામાં ઉડી રહી છે મજાક ? અમેરિકામાં રહેતા ભારતીયો ભરાયા રોષે, જાણો સમગ્ર મામલો

Jaahnavi Kandula Case : વિદેશની અંદર રહેતા ઘણા ભારતીયોના મોતના મામલાઓ સતત સામે આવી રહ્યા છે, કોઈની લૂંટના ઇરાદે હત્યા કરી દેવામાં આવે છે તો કોઈનું આકસ્મિક સંજોગોમાં મોત થાય છે, તો ઘણા લોકો આપઘાત કે અકસ્માતમાં પણ જીવ ગુમાવતા હોય છે. ત્યારે હાલ એક ભારતીય યુવતીના મોત બાદ અમેરિકામાં ભારે હોબાળો મચી ગયો છે. અહીં પોલીસ પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભારતીય અમેરિકન સમુદાયના લોકોમાં પોલીસ પ્રત્યે ભારે રોષ છે. ભારત તરફથી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

કારની ટક્કરથી 100 ફૂટ દૂર ઉછળી યુવતી :

વાસ્તવમાં સિએટલ શહેરમાં જ્હાન્વી કંડુલા નામની ભારતીય યુવતીનું પોલીસની કાર સાથે અથડાતા મોત થયું હતું. પેટ્રોલિંગ દરમિયાન એક અમેરિકન પોલીસ અધિકારીએ તેને પોતાની કારથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત કેટલો ભયંકર હતો, તમે એ વાત પરથી અંદાજ લગાવી શકો છો કે જ્હાન્વી કારથી 100 ફૂટ દૂર પડી ગઈ હતી. પોલીસ અધિકારી કેવિન દવે આ કાર ચલાવી રહ્યા હતા. કારની સ્પીડ 119 કિલોમીટર પ્રતિ કલાક હતી.

મોત પર ઉડી મજાક :

જ્હાન્વી 23 વર્ષની હતી. અહેવાલો અનુસાર, તેને તાત્કાલિક હાર્બરવ્યુ મેડિકલ સેન્ટર લઈ જવામાં આવી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આંધ્ર પ્રદેશની રહેવાસી જ્હાન્વી કંડુલા સાઉથ લેક યુનિયનના નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટી કેમ્પસમાંથી માસ્ટર ડિગ્રી કરી રહી હતી. તે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 2021માં બેંગલુરુથી અમેરિકા આવી હતી અને આ વર્ષે ડિસેમ્બરમાં ગ્રેજ્યુએટ થવાની હતી. સિએટલ ટાઈમ્સના અહેવાલ મુજબ જ્હાન્વીની માતા સિંગલ મધર છે. તે પ્રાથમિક શાળામાં બાળકોને ભણાવે છે. તેણે પોતાની દીકરીને અમેરિકામાં ભણાવવા માટે લોન લીધી હતી. જાન્યુઆરી 2023માં જ્હાનવીનું અવસાન થયું હતું.

ભારતે કરી તપાસની માંગ :

એક દિવસ પછી, સિએટલના અન્ય પોલીસ અધિકારીનો એક વીડિયો વાયરલ થયો, જેમાં તે જ્હાન્વીના મૃત્યુની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો. આ વાયરલ વિડિયો સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકન પોલીસની માનસિકતા કેટલી ખરાબ હોઈ શકે છે. દરેક વ્યક્તિ આફ્રિકન અમેરિકનો પ્રત્યેના તેના વર્તનથી વાકેફ હતા. પરંતુ હવે તે પ્રકાશમાં આવ્યું છે કે તે દરેક વ્યક્તિ પ્રત્યે સમાન વલણ ધરાવે છે જે તેના ગોરા સમુદાયના નથી. તેમની નજરમાં તેમના જીવનની કોઈ કિંમત નથી.

પોલીસની વર્ધી પર હોય છે કેમેરો :

વાયરલ થયેલા અમેરિકન પોલીસ ઓફિસરના વીડિયોમાં તે જ્હાન્વીના મોતની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે. આ મામલે ભારતે કહ્યું કે તે વધુ તપાસ ઈચ્છે છે. તે જાણવા માંગે છે કે પોલીસ અધિકારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં. અમેરિકામાં પોલીસના યુનિફોર્મ પર કેમેરા લગાવવામાં આવ્યો છે. કારણ કે સરકારને પણ પોલીસ પર વિશ્વાસ નથી. ખાસ કરીને જ્યોર્જ ફ્લોયડની હત્યા પછી. પરંતુ કેમેરા લગાવવા છતાં આ લોકો નિર્ભય રહે છે. વાયરલ વીડિયો અન્ય અધિકારી ડેનિયલ ઓર્ડરનો છે. તેમના પર આરોપ છે કે તેઓ આ મામલાને ખૂબ નાનો દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Niraj Patel