નિશાળેથી આવીને સીધો ખેતરમાં જોતરાઈ જતો ‘ઉઘાડપગો’ છોકરો ભારતીય અવકાશવિજ્ઞાનનો સર્વેસર્વા બન્યો! વાંચો દારૂણ ગરીબીમાં ઉછરેલા કે.સિવનની કહાણી

0

મિશન ચંદ્રયાન – ૨ દ્વારા ભારત ચંદ્રમાની સપાટી પર લેન્ડીંગ કરીને ઇતિહાસ રચવાથી વેંત જેટલું છેટું રહી ગયું એ પછી ઇસરોના પ્રમુખ કે.સિવન વિશે સમગ્ર દેશમાં ચર્ચાઓ થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને રડી પડેલા કે.સિવનના આંસુ દિનરાત એક કરીને કરેલી સફળતાની તૈયારી છતાં મળેલી નિષ્ફળતાનાં હતાં એ તો સ્વાભાવિક છે. પણ આ જ વ્યક્તિ કેવું લોખંડી મનોબળ ધરાવે છે એ તો એનું બેકગ્રાઉન્ડ જાણ્યા પછી જ ખબર પડે. કાદવ નહી, પણ કળણમાંથી બહાર નીકળીને આસમાની સફળતા પ્રાપ્ત કરનાર આ વ્યક્તિ પાસે કેટલી અને કેવી લાજવાબ તાકાત રહેલી છે તે જાણવું હોય તો આ વાંચવું રહ્યું :

નિશાળેથી છૂટીને સીધું ખેતરમાં લાગી જવાનું! —

૧૪ એપ્રિલ, ૧૯૫૭ના રોજ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાનાં એક નાનકડાં ગામમાં કૈલાસવાદિવૂ સિવન ઉર્ફ કે.સિવનનો જન્મ થયો હતો. ઘરની આર્થિક સ્થિતી ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ જેવી હતી. ઘરમાં હાડલાં કુસ્તી કરતાં! પિતા ખેડૂત હતા. સિવનના ભાઇ-બહેન તો આર્થિક તંગીને કારણે ભણી શક્યા જ નહી. પણ સિવનને પિતાએ ભણાવ્યા.

હાઇસ્કૂલ સુધીનું ભણતર સિવને નજીકની તમિલ માધ્યમની નિશાળમાં જ મેળવ્યું હતું. આજે બાલમંદિરમાંથી જ પોતાના સંતાનોને ‘ક’ ને બદલે ‘A’ ઘૂંટાવતા મા-બાપો માટે આ મોટી લતાડ છે! સિવન ભણીને ખેતર પર આવી જતા અને પિતાને ખેતીના કામમાં મદદ કરવા લાગી જતા. ઘરનો જોધો મજૂર કરતા વધારે કામ કરે એટલે મજૂરો કરવા પડતા નહી!

પરિવારમાંથી પ્રથમ ગ્રેજ્યુએટ —

મદ્રાસ યુનિવર્સિટીમાંથી કે.સિવને ગણિત વિષય સાથે ગ્રેજ્યુએટ કર્યું. ગણિત તેમનો મનગમતો વિષય હતો. અથાગ મહેનતના પ્રતાપે ગણિતમાં ૧૦૦ ગુણ મેળવ્યા! પરિવારમાંથી કે.સિવન પહેલા ગ્રેજ્યુએટ હતા. કોલેજકાર દરમિયાન કે.સિવને કોલેજ પણ એવી પસંદ કરેલી જે નજીકમાં હોય. જેથી કરીને કોલેજ પૂરી થાય એટલે સીધું ખેતરે આવીને પિતાને મદદ કરી શકાય!

પિતાએ જમીન વેંચી નાખી! —

ગણિતમાં વધારે ગુણ લાવતો દીકરો દરેક બાપને મધથી પણ મીઠેરો લાગે છે – આ સનાતન સત્ય છે! સિવનના ગુણ જોઈ પિતાએ તેને આગળ ભણાવવાનો નિર્ણય લીધો. પૈસાની જરૂર હવે પડવાની. અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા માટે તો પાંખો ફેલાવીને દૂર સુધી ઉડવું જ પડે. પિતાએ સિવનને ભણાવવા જમીન વેંચી નાખી!

ન પાટલૂન, ન પગરખાં! —

આજના કોલેજિયનોના કપડાં રોજ-રોજ બદલતાં હોય છે. એકવાર પહેરેલાં કપડાં બીજી વાર પહેરવામાં પણ અમુક યુવાનો શરમ અનુભવતા હોય છે! જો કે, આ બધું કોઈ ખાસ ઉદ્દેશ્ય તરફ લક્ષ્ય રાખીને થઈ રહ્યું હોય છે. ખેર, કે.સિવનની પરિસ્થિતી એવી હતી કે તેમની પાસે પહેરવા માટે પેન્ટ નહોતું! કોલેજમાં તેઓ ધોતી પહેરીને જતા! ચપ્પલ તો એણે બહુ વર્ષો બાદ જોયાં હતાં. ભરયુવાની સુધી આ માણસ ‘ઉઘાડપગો’ જ રહેલો!

તમિલી ખેતીયો બને છે એરોનોટિક્સનો ખેરખાં! —

૧૯૮૦ની સાલમાં મદ્રાસ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી કે.સિવને એરોનોટિક્સમાં એન્જીનિયરીંગ કર્યું. એના બે વર્ષ પછી ભારતીય વિજ્ઞાન સંસ્થાન – બેંગ્લુરુમાંથી એરોસ્પેસમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી લીધી. અને આ વર્ષે જ એનું હિર પારખીને ઇસરોએ તેને પોતાની સાથે જોડાવાનું આમંત્રણ આપી દીધું! ઇસરોના અનેક મિશનોમાં તેણે કામ કર્યું. ધીમે-ધીમે એક પછી એક ઊંચી પાયરીઓ મેળવતા ગયા. ઇસરોના પ્રખર પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોમાં કે.સિવનની ગણના થવા લાગી. ૨૦૦૭માં તેમણે આઇઆઇટી બોમ્બેમાંથી એરોસ્પેસમાં પીએચડીની ડિગ્રી મેળવી.

ઇસરોના અનેક પદો પર બેસીને આખરે તેઓ ૨૦૧૮માં ઇસરોના સર્વેસર્વા અર્થાત્ ચેરમેનની ખુરશી પર વિરાજ્યા. સરકારના બીજા એકમોની જેમ આ ખુરશી આરામ માટેની, શોખ માટેની નથી; આ તો ખાંડાની ખુરશી છે, જેને બંને બાજુ તીક્ષ્ણ ધાર હોય છે! ઓછા ખર્ચમાં અંતરિક્ષને કઈ રીતે માનવકલ્યાણ માટે ઉપયુક્ત બનાવવું એના વધારેમાં વધારે મિશનો પાર પાડવાના હોય છે. એનું તો પરિણામ છે, કે આજે ઇસરો ભારત સરકારનો સૌથી ફળદ્રુપ, નખશિખ ગરવો એકમ છે!

૨૦૧૭નો ગંજાવર ‘ગોફણિયો ઘા’ —

ફેબ્રુઆરી, ૨૦૧૭માં ઇસરોના PSLV (પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) રોકેટે અંતરિક્ષમાં એકસાથે ૧૦૪ ઉપગ્રહોનો ઉલાળિયોને કરીને વિશ્વને ભોંચક્કુ કરી દીધું હતું, એ મિશનના કર્તાહર્તા તરીકે કે.સિવન જ હતા. આજે PSLV રોકેટની શાખ ઉપગ્રહોને અંતરિક્ષમાં લઈ જનાર વિશ્વના સૌથી ભરોસાપાત્ર વ્હીકલ તરીકેની છે. જેને લઈને વિશ્વના અનેક દેશો પોતાના સેટેલાઇટ ઇસરો પાસે જ લોન્ચ કરાવે છે. ‘PSLV અમારી, સલામત સવારી!’

કે.સિવનને અનેક એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. એ તમામ ધારણાઓને કે.સિવને ખોટી પાડી છે કે, ગામડામાં ભણેલો વિદ્યાર્થી બહુ મોટી સિધ્ધી હાંસલ કરી શકતો નથી! આજે પણ એકદમ સરળ પહેરવેશમાં, સાવ સામાન્ય આદમી જેવા લાગતા કે.સિવન ભારતના એ અનેક ખેડૂતોના સંતાનો માટે પ્રેરણાનો ધોધ છે, જેઓ શાળાએથી આવીને ખેતરમાં પોતાના મા-બાપને મદદ કરવા જોતરાઈ જાય છે અને રાત્રે દીવો લઈને પોતાનું ગૃહકાર્ય પૂરું કરે છે! ધમણમાં ધોમ ધખેલા દાતરડાં જ જુવાર-બાજરીનો આખો વાઢ પૂરો કરી શકે છે, બાકી જેમતેમ તપાવેલાં તો અડધો બે છોડવાં વાઢતા જ બટકી જાય છે!

“તું ઉઠ! તેરે વજૂદ કી સમય કો ભી તલાશ હૈ!”

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here