ખબર

સુરતમાં વધતા જતા કોરોના સામે લડવા માટે સંસ્થાઓ આવી આગળ, માત્ર 2 દિવસમાં આવ્યું આટલા લાખનું દાન, 6 દિવસમાં 7 આઇસોલેશન સેન્ટર ઉભા

કોરોનાની બીજી લહેર સમગ્ર ગુજરાતની અંદર પોતાનો પ્રકોપ બતાવી રહી છે. ત્યારે સુરત પણ આ મહામારીથી ખુબ જ પ્રભાવિત બન્યું છે. આવા સમયમાં સુરતીઓએ માનવતા મહેકાવી છે અને દાનનો ધોધ વહાવી માત્ર 6 દિવસમાં જ 7 આઇસોલેશન સેન્ટર બનાવી દીધા છે.

સુરતની અંદર 1000 કરતા પણ વધારે લોકો દર્દીઓની સેવા કરવા માટે પણ તૈયાર છે. તો સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજનું કહેવું છે કે “દર્દીઓની મદદ કરવા માટે રૂપિયાની જરૂર પડશે તો હોસ્ટેલ બનાવવા માટે આવલા દાનનો પણ ઉપયોગ કરીશું. હોસ્ટેલ મોડી બને તો ચાલે પણ જીવ બચવો જોઈએ.”

મળતી માહિતી અનુસાર વરાછાના અલગ અલગ વિસ્તારોમાં 6 દિવસમાં 7 આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ઓક્સિજન બેડની વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધીમાં 15 દર્દીઓ આ સેન્ટરમાં સારવાર લઈને સાજા થયા છે.

વરાછાના અલગ અલગ વિસ્તારો જેવા કે નાના વરાછા કોમ્યુનિટી હોલ, મોટા વરાછા કોમ્યુનિટી હોલ, ઉત્રાણગામ કોમ્યુનિટી હોલ, હીરાબાગ કોમ્યુનિટી હોલ, સિંગણપોર કોમ્યુનિટી હોલ, કાપોદ્રા સાગર સોસાયટી કોમ્યુનિટી હોલ, યોગી ચોક કોમ્યુનિટી હોલમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. 

સુરતમાં શરૂ કરવામાં આવેલા આ આઇસોલેશન સેન્ટરની અંદર 30-30 બેડની વ્યવસ્થા સાથે દરેક બેડ ઉપર ઓક્સિજનની સુવીધા પણ કરવામાં આવી છે. દાતાઓ દ્વારા આપવામાં આવેલા દાન દ્વારા ઓક્સિજનના બોટલ ખરીદવામાં આવ્યા છે.

સાથે જ આ આઇસોલેશન સેન્ટરમાં અલગ અલગ સમાજના ડોકટરો હોસ્પિટલમાંથી પોતાની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ 10 ડોકટરો વિનામૂલ્યે સેવા પણ આપી રહ્યા છે. ત્યારે દરેક સેન્ટર ઉપર 50-50 લોકો સેવા પણ આપી રહ્યા છે.