કૌશલ બારડ ખબર ફિલ્મી દુનિયા લેખકની કલમે

કોઈ ભભકા વગર માત્ર અભિનય ક્ષમતાથી કરોડો લોકોનો પ્રેમ મેળવનાર ઇરફાન ખાનનું નિધન! વાંચો અહેવાલ

હિન્દી ફિલ્મજગત માટે એક દુ:ખદ સમાચાર આવ્યા છે. બોલિવૂડના ટેલેન્ટેડ ગણાતા અભિનેતા ઇરફાન ખાનનું મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. ૫૪ વર્ષની વયે તેમણે દેહ છોડ્યો છે. ફિલ્મ દિગ્દર્શક સૂજીત સરકારે ટ્વિટર પર આ સમાચાર આપ્યા એ પછી ફિલ્મ રસિકોમાં ઘેરા શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પેટની બિમારી સામે લડી રહેલા ઇરફાન ખાને આખરે જિંદગી સામે હારી ગયા. તેઓ કોલોન ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યા હતા. આજથી લગભગ બે વર્ષ અગાઉ ઇરફાન ખાનને ન્યૂરો ઇન્ડોક્રાઇન ટ્યૂમર બિમારી છે એ ખબર પડેલી. બાદમાં વિદેશી અસ્પતાલમાં સારવાર કરીને તેઓ સાજા થઈ પણ થઈ ગયેલા.

ભારતમાં આવીને ઇરફાને ‘હિન્દી મીડિયમ’ ફિલ્મમાં કામ કરેલું. આ ફિલ્મ રીલિઝ થઈ એને બહુ વખત પણ થયો નથી. લોકો હજુ ફિલ્મને લોકડાઉનમાં ઓવર ધ ટોપ પ્લેટફોર્મ ઉપર જોઈ રહ્યા છે, એકબીજાને જોવા જણાવી રહ્યા છે અને અભિનેતા ઇરફાનના અભિનયનાં વખાણ પણ કરી રહ્યા છે. એવામાં જ ખબર આવે છે, કે એ અભિનેતા તો ચાલ્યો ગયો!

ઇરફાનની ફિલ્મો મસાલેદાર ભલે ન હોય પણ દર્શકોનાં હ્રદયને ઊંડે સુધી સ્પર્શ કરતી એની અભિનય ક્ષમતા પર કોઈ સવાલ ના ઉઠાવી શકાય. બોલિવૂડના બેહદ ટેલેન્ટેડ કલાકારમાં ઇરફાનની તો પહેલા જ ગણતરી કરવી પડે! બોલિવૂડ ઉપરાંત જુરાસિક વર્લ્ડ અને લાઇફ ઓફ પાઇ જેવી બ્લોકબસ્ટર હોલિવૂડ ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે.

સૂજીત સરકારે ટ્વિટ કરીને જણાવ્યું કે, “મારા પ્રેમાળ મિત્ર ઇરફાન! તું લડ્યો, લડ્યો અને લડ્યો. તારા પર ગર્વ છે. આપણે બીજી વાર મળીશું. સુતાપા અને બાબિલને મારી સંવેદનાઓ પહોંચે. તમે પણ લડાઈ લડી. સુતાપા, આ લડાઈમાં તે જે આપી શકાય એ આપ્યું. ૐ શાંતિ! ઇરફાન ખાનને સલામ!”

ઈશ્વર આ શાનદાર અભિનેતાના આત્માને ચિરશાંતિ અર્પે એ પ્રાર્થના!

|| ૐ શાંતિ ૐ ||