કૌશલ બારડ મનોરંજન લેખકની કલમે

ડાયરેક્ટરને જેનો ચહેરો હિરોના રોલ માટે પસંદ નહોતો એ કલાકાર આટલો આગળ કેમ વધ્યો?

અભિનેતા ઇરફાન ખાનનું ૫૪ વર્ષની ઉંમરમાં અવસાન થયું એ સમાચાર ફિલ્મરસિકો માટે આઘાતથી ઓછા નથી! કશા ઠાઠમાઠ વગર એકદમ સિમ્પલ રીતે માત્ર એક્ટિંગથી જ ઓળખ મેળવનાર ઇરફાનના લાખો પ્રશંસકો આ સમાચાર સાંભળીને દુ:ખ અનુભવી રહ્યા છે. ઇરફાનનું જીવન સંઘર્ષનું ઉત્તમ ઉદાહરણ છે. બોલિવૂડમાં તેમની કશી લાગવગ નહોતી કે કોઈ પેઢી પણ ચાલતી નહોતી. માત્ર આવડતના જોરે જ તેમને શૂન્યમાંથી સર્જન કર્યું.

Image Source

ચહેરાને કારણે હિરોનો રોલ નહોતો મળતો:
ઇરફાન અગાઉના ઇન્ટરવ્યૂમાં જણાવે છે, કે તેમનાં ચહેરાને લીધે હિરોનો રોલ શરૂઆતમાં તેમને મળી શક્યો નહી. દરેક નિર્માતા-ડાયરેક્ટર તેને જોઈને વિલનનો રોલ કરવાનું કહી દેતા! આથી ઇરફાનને શરૂઆતમાં નેગેટિવ રોલ પણ કરવા પડેલા. પણ ક્ષમતા હોય તો ચહેરાના દેખાવની શી જરૂર? આગળ જતા ઇરફાને આ વાત સાબિત કરી દેખાડી.

શરૂઆતમાં ઘણું મથવું પડ્યું:
૧૯૬૭માં જન્મેલા ઇરફાને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં અભ્યાસ કર્યો હતો. અભિનયનાં ક્ષેત્રમાં કદમ રાખવાની શરૂઆત તેમણે નામા પડદેથી કરી. ઘણી ટીવી સીરિયલોમાં નાના-મોટા રોલ કર્યા. ચાણક્ય, ભારત – એક ખોજ, ચંદ્રકાન્તા, સારા જહાઁ હમારા અને બનેગી અપની બાત જેવી ધારાવાહિકોમાં તેમણે કામ કર્યું. ૧૯૮૮માં આવેલી ‘સલામ બોમ્બે’ તેમની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ થકી ઇરફાને મોટા પડદા પર કદમ રાખ્યું. પણ દુર્ભાગ્યે ફિલ્મની નોંધ ન લેવાઈ અને આથી ઇરફાન પર પણ કોઈની નજર ના પડી.

Image Source

એ પછી ‘૯૦ના દસકામાં પણ ઇરફાને ફિલ્મક્ષેત્રે સફળતા મેળવવા માટે લગાતાર સંઘર્ષ કરવો પડ્યો. આસિફ કપાડિયાની ‘ધ વોરિયર’ ફિલ્મ થકી તેમને ઓળખ મળી ખરી, પણ એટલી ખાસ નહી.

‘મકબૂલ’ પછી ઇરફાનની ગણતરી થવા માંડી:
૨૦૦૩માં વિશાલ ભારદ્વાજના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘મકબૂલ’ આવી. ફિલ્મ મૂળ તો શેક્સપિયરના નાટક ‘મૈકબેથ’ પરથી બનેલી. આ ફિલ્મમાં લીડ રોલમાં રહેલા ઇરફાનની લોકો દ્વારા નોંધ લેવામાં આવી. મકબૂલ થકી ઇરફાનને સાચી ઓળખ મળી. ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી તબ્બૂ પણ હતી.

Image Source

આ ફિલ્મો માટે કાયમ યાદ રહેશે:
શરૂઆતના સંઘર્ષ બાદ ઇરફાનને લગાતાર સફળતાઓ મળવા માંડી. એમણે બિગ બજેટ ફિલ્મોની લાલચ રાખ્યા વગર નાના બજેટવાળી ફિલ્મોમાં પણ દમદાર એક્ટિંગ કરીને લોકોને પ્રશંસા કરવા મજબૂર કર્યા.

પાનસિંહ તોમર, હાસિલ, રોગ, ધ લંચબોક્સ, હિન્દી મીડિયમ, અંગ્રેજી મીડિયમ અને મદારી જેવી ઉત્તમ કક્ષાની ફિલ્મો ઇરફાને આપી છે. તેમના અભિનયનાં વખાણ સાર્વત્રિક થયાં છે.

Image Source

હોલિવૂડમાં પણ દમદાર અભિનય:
સીરિયલોથી શરૂ થયેલી ઇરફાનની સફર બોલિવૂડથી આગળ વધીને હોલિવૂડ સુધી પહોંચી. ઓસ્કાર વિજેતા ફિલ્મોમાં પણ તેમણે એક્ટિંગ કરી છે. સ્લમડોગ મિલિયોનર અને લાઇફ ઓફ પાઇમાં તેમના કિરદારો સૌએ જોયા હશે. એ ઉપરાંત, જુરાસિક વર્લ્ડ, ધ નેમસેક, અમેઝિંગ સ્પાઇડરમેન અને ઇન્ફર્નો જેવી હોલિવૂડની ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે.

આમ, ઇરફાન માટે બોલિવૂડમાં કોઈ બાપદાદાની ઇજારાશાહી નહોતી. તેણે જે મેળવ્યું એ પોતાના દમ પર, માત્ર પોતાની આવડતના જોર પર જ મેળવ્યું. એક્ટિંગ કરવા માટે ચહેરો સારો હોવો જરૂરી નથી એ પણ ઇરફાને સાબિત કરી દીધું!

ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે!

Author: કૌશલ બારડ: GujjuRocks Team