બસ કંડક્ટરની દીકરી, ઘરવાળાને કહ્યા વિના કરી UPSCની તૈયારી, કોચિંગ વિના જ પાસ કરી પરીક્ષા…હિમાચલના સૌથી મોટા જિલ્લાની SP બની શાલિની અગ્નિહોત્રી
Shalini Agnihotri Success Story: બાળકોને અભ્યાસ માટે મોટાભાગે માતા-પિતા અને વડીલોના ટોણા સાંભળવા પડે છે. બાળકોને પણ આ ખરાબ લાગે છે. પણ શું તમે જાણો છો, આ મેણા કોઈને IPS પણ બનાવી શકે છે. સિવિલ સર્વિસ પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે. ઘણા લોકો વર્ષોની મહેનત પછી પણ આ પરીક્ષા કેટલાક લોકો પાસ કરી શકતા નથી, પરંતુ આજે અમે તમને એક એવા બહાદુર IPS અધિકારીની કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેણે અજાણ્યા વ્યક્તિના ટોણા સાંભળીને આવી મુશ્કેલ પરીક્ષા આપી અને પાસ પણ થઈ ગયા. તે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના એક નાનકડા ગામ ઠઠ્ઠલમાં રહેતી એક છોકરી શાલિની અગ્નિહોત્રીની આ કહાની છે.
એક મેણાએ શાલિની અગ્નિહોત્રીને બનાવી દીધી IPS
એક અજાણી વ્યક્તિએ આપેલો ટોણો સાંભળીને શાલિનીએ તેના પરિવારજનોને કહ્યા વિના UPSC પરીક્ષાની તૈયારી કરી અને એટલું જ નહીં પ્રથમ પ્રયાસમાં સફળતા મેળવી તે IPS ઓફિસર પણ બની ગઇ. બસ કંડક્ટરની દીકરી શાલિની આજે એક એવી પોલીસ અધિકારી છે જેનાથી ગુનેગારો ધ્રૂજે છે. તેમના આ જ જુસ્સા અને ક્ષમતા માટે, તેમને વડાપ્રધાનની પ્રતિષ્ઠિત બેટન અને ગૃહ પ્રધાનની રિવોલ્વર આપવામાં આવી છે. આ ઉપરાંત શાલિનીએ તાલીમ દરમિયાન શ્રેષ્ઠ તાલીમાર્થીનો એવોર્ડ પણ જીત્યો અને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ મેળવ્યો.
કુલ્લુમાં પોસ્ટિંગ દરમિયાન રાતોરાત આવી હતી ચર્ચામાં
કુલ્લુમાં તેના પોસ્ટિંગ દરમિયાન, તે રાતોરાત ચર્ચામાં આવી જ્યારે તેણે ડ્રગ પેડલર્સ વિરુદ્ધ અભિયાન ચલાવીને આ કાળા ધંધાની કમર તોડી નાખી. આ નીડર અને બહાદુર IPS ઓફિસરની અહીં સુધી પહોંચવાની કહાની પણ રસપ્રદ છે. પોલીસ બનવાનો વિચાર શાલિનીને ત્યારે આવ્યો જ્યારે તે એક વખત તેની માતા સાથે બસમાં મુસાફરી કરી રહી હતી. તે સમયે શાલિની બહુ મોટી નહોતી પણ તેણે બધું જોયું અને આ ઘટનાની તેના પર ઊંડી અસર થઈ. હકીકતમાં, આ મુસાફરી દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિએ તેની માતાની સીટની પાછળ હાથ મૂક્યો હતો.
10માંની પરીક્ષામાં મેળવ્યા હતા 92%
આ કારણે તેની માતા અસ્વસ્થ થઈ રહી હતી અને તે બરાબર બેસી પણ શકતી નહaતી. તેણે વારંવાર તે વ્યક્તિને તેનો હાથ હટાવવાની વિનંતી કરી, પરંતુ તે વ્યક્તિ પોતાનો હાથ હટાવવાને બદલે ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, ‘તુ ક્યાંની ડીસી લાગે છે, કે તારી વાત માનુ.’ આ પછી તેણે નક્કી કર્યું કે તે મોટી થઈને ઓફિસર બનશે. શાલિની અગ્નિહોત્રીએ 10માંની પરીક્ષામાં 92 ટકા જેટલા માર્ક્સ મેળવ્યા હતા, પરંતુ 12માં તેને માત્ર 77 ટકા જ આવ્યા, પણ તેમ છતાં તેના પરિવારના સભ્યોએ તેનામાં વિશ્વાસ મૂક્યો અને ખંતથી અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરી.
પહેલા જ પ્રયાસમાં ક્લિયર કરી UPSCની પરીક્ષા
શાલિનીએ ગ્રેજ્યુએશનની સાથે જ યુપીએસસીની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. જો કે, તેણે તેના પરિવારના સભ્યોને જાણ કરી ન હતી કે તે કોલેજ પછી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરે છે. શાલિની જાણતી હતી કે આ પરીક્ષા ઘણી અઘરી છે. તે વિચારતી હતી કે જો તે નિષ્ફળ જશે તો પરિવારના સભ્યો તેની નિષ્ફળતાથી નિરાશ થશે. આ જ કારણે તેણે કોઈને કહ્યા વગર જાતે જ UPSC પરીક્ષાની તૈયારી કરવાનું ચાલુ રાખ્યું. આ માટે તેણે મોટા શહેરમાં જઈને કોચિંગ લેવાનું વિચાર્યું પણ નહોતું અને પોતાની જાતે જ તૈયારી કરતી રહી. શાલિનીએ મે 2011માં પહેલીવાર યુપીએસસીની પરીક્ષા આપી હતી. 2012માં ઈન્ટરવ્યુનું પરિણામ પણ આવ્યું.
કાંગડાની સૌથી પહેલી મહિલા SP
આ સાથે શાલિનીએ પોતાને આપેલું વચન પૂરું કર્યું. ઓલ ઈન્ડિયામાં 285મો રેન્ક મેળવીને તેને ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) માટે પસંદ કરવામાં આવી હતી. શાલિની અગ્નિહોત્રીના પિતા રમેશ અગ્નિહોત્રી બસ કંડક્ટર હતા. તેમ છત્તાં તેમણે પોતાના બાળકોના ભણતરમાં ક્યારેય કોઈ કમી રાખી નહોતી અને તેમનું પરિણામ પણ તેમને મળ્યું. શાલિની સિવાય, તેમની મોટી પુત્રી ડૉક્ટર છે અને પુત્ર એનડીએ પાસ કરીને સેનામાં છે. શાલિનીને હિમાચલના સૌથી મોટા જિલ્લા કાંગડાની SP બનવાનું ગૌરવ હાંસિલ થયુ છે. તે કાંગડાની સૌથી પહેલી મહિલા SP બની છે.