યાદોમાં IPL: હાર બાદ પૃથ્વી શો અને પંતની આંખોમાંથી આંસુ છલકાયા, જુઓ VIDEO

દિલ્હી કેપિટલ્સનું પ્રથમ વખત આઈપીએલ ખિતાબ જીતવાનું સપનું ફરી એક વખત રોળાયું છે. લીગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી દિલ્હીને ક્વોલિફાયર-2માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો. KKR એ રોમાંચક મેચમાં દિલ્હીને ત્રણ વિકેટે હરાવ્યું.

દિલ્હીને ફાઇનલમાં પહોંચવાની બે તક મળી, પરંતુ બંને મેચ હાર્યા બાદ ટીમ બહાર ફેકાઈ ગઈ. હાર બાદ દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ એકદમ નિરાશ દેખાતા હતા. કેપ્ટન રિષભ પંત અને પૃથ્વી શો મેચ બાદ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. KKR સામેની મેચમાં એક સમય એવા પણ આવ્યો જ્યારે એવું લાગતું હતું કે દિલ્હી મેચ જીતી શકે છે. જો કે, રાહુલ ત્રિપાઠીએ એક છગ્ગા સાથે દિલ્હીની આશાઓ પર પાણી ફેરવી દીધુ.

કોલકાતાને છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી, રવિચંદ્રન અશ્વિને બે વિકેટ પણ પાડી દીધી. પરંતુ બાદમાં રાહુલ ત્રિપાઠીએ સિક્સર ફટકારીને કોલકાતાને જીત અપાવી હતી. મેચ પૂરી થયા બાદ પૃથ્વી શો પહેલા જમીન પર સૂઈ ગયો.

મેચ પૂરી થયા બાદ પૃથ્વી શો પણ ડ્રેસિંગ રૂમમાં ભાવૂક જોવા મળ્યો હતો, જ્યાં તે પોતાના આંસુ લૂછતો હતો. તમને જણાવી દઈએ કે આ સતત બીજી વખત છે જ્યારે દિલ્હીની ટીમ આટલી નજીક આવી અને ટાઇટલ ચૂકી ગઈ. ગયા વર્ષે દિલ્હીની ટીમ ફાઇનલમાં હારી હતી અને આ વખતે માત્ર ક્વોલિફાયર-2 સુધી પહોંચી શકી હતી.

મેચ બાદ કેપ્ટન ઋષભ પંત ખુબ ભાવુક દેખાતો હતો અને વાત કરતી વખતે તેમના ચહેરા પર દર્દ દેખાતું હતું. ઋષભ પંતે કહ્યું કે હવે કશું બદલી શકાય તેમ નથી, મેચ પૂરી થઈ ગઈ છે. અમે અમારી જાત ઉપર વિશ્વાસ રાખ્યો અને જ્યાં સુધી મેચ ચાલુ હતી ત્યાં સુધી અમે રમતમાં હતા. કોલકાતાએ સારી બોલિંગ કરી અને અમે વચ્ચે જ અટવાઈ ગયા. હું આશા રાખું છું કે આવતા વર્ષે આપણે ફરી એકવાર મજબૂતી સાથે વાપસી કરીશું.


દિલ્હી કેપિટલ્સની ટીમ એક પણ વખત IPL જીતી શકી નથી. છેલ્લી વખત ટીમ ચોક્કસપણે ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ આ વખતે યુવા કેપ્ટન ઋષભ પંતના નેતૃત્વમાં ટીમે સારું પ્રદર્શન કર્યું અને પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહી. પરંતુ પોઇન્ટ ટેબલની આગળ દિલ્હીનો જાદુ કામ કરી શક્યો નહીં.

YC