Tathya Patel Update : અમદાવાદ ઇસ્કોન ફ્લાયઓવર પર બેફામ રીતે જેગુઆર કાર હંકારી 10 નિર્દોષોના જીવ લેનાર તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થશે તેવું લાગી રહ્યુ છે. એવું સામે આવ્યુ છે કે પોલીસ તથ્ય પટેલની સિંધુભવન રોડ પર અકસ્માત કેસમાં ધરપકડ કરશે. સોમવારે તથ્ય પટેલની આ કેસમાં ધરપકડ કરાશે અને સાબરમતી જેલમાંથી તેની કસ્ટડી મેળવીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. ઇસ્કોન ફ્લાયઓવર પહેલા 3 જુલાઈએ રાત્રે પણ તથ્યએ કારને એક કાફેમાં ઘુસાડી દીધી હતી અને તેની દીવાલ તોડી નાખી હતી.
સિંધુભવન કેસમાં તથ્યની થશે ધરપકડ
જો કે એ સમયે તો તથ્ય પર કોઇ કાર્યવાહી કરવામાં નહોતી આવી પણ હવે M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. તથ્ય અને કેફેના સંચાલક વચ્ચે તે સમયે સમાધાન થઇ ગયુ હતું. જો કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ 3 જુલાઈના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને તેમાં જોવા મળ્યુ કે તથ્યએ અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવી દીધો અને થારે ડાબી તરફ વળી રેસ્ટોરાંની દીવાલ તોડી નાખી. ત્યારે હવે M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે અને પોલીસે તપાસ તેજ કરી છે.
થાર ઘૂસાડી તોડી દીધી હતી દીવાલ
જણાવી દઇએ કે, તથ્ય પટેલ ગોતામાં કુખ્યાત ઇમેજ ધરાવતા પ્રજ્ઞેશ પટેલનો દિકરો છે કે જે વર્ષ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો. તથ્યના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચર્યુ હતું. તેની સામે લગભગ 8 જેટલા ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત તથ્ય સામે પણ અત્યાર સુધીમાં 3 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જેમાં પહેલી ઇસ્કોન બ્રિજ અકસ્માત, બીજી સિંધુભવન રોડ અકસ્માત અને ત્રીજી ગાંધીનગરના એક મંદિરમાં કાર અથડાવવાની ફરિયાદ સામેલ છે.
તથ્ય વિરૂદ્ધ અત્યાર સુધી નોંધાઇ ચૂકી છે 3 ફરિયાદ
ગત 26 જુલાઈએ ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમાં તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધાઈ, તથ્યએ 6 મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં જેગુઆર કાર ઘુસાડી હતી. નવા વર્ષની પાર્ટીમાં ગયેલ તથ્યએ વાંસજડા ગામની ભાગોડે સાણંદ જતા મેઈન રોડ પર બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી.