લ્યો બોલો! આ દેશમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બને તો પણ છૂ઼ટાછેડા નથી લઈ શકતા

આમ તો વિશ્વભરના દેશોમાં પરંપરાઓ અને છૂટાછેડાના કાયદા છે અને મોટી સંખ્યામાં છૂટાછેડાના કિસ્સા પણ સામે આવે છે. જ્યા વિવાહિત જીવનનો માર્ગ ખૂબ મુશ્કેલ બની જાય ત્યારે લોકો છૂટાછેડા લઈને નવો રસ્તો શોધે છે. છૂટાછેડા મેળવવા માટે લગભગ દરેક દેશમાં એક કાયદો છે. પરંતુ વિશ્વનો એક એવો દેશ છે જ્યાં છૂટાછેડાની જોગવાઈ નથી.

ખરેખર, અમે ફિલિપાઇન્સ દેશ વિશે વાત કરી રહ્યા છીએ. તે વિશ્વનો એક માત્ર એવો દેશ છે જ્યાં છૂટાછેડાની કોઈ વ્યવસ્થા નથી. વાસ્તવમાં ફિલિપાઇન્સ કેથોલિક દેશોના જૂથનો એક ભાગ છે. કેથોલિક ચર્ચના પ્રભાવને કારણે, આ દેશમાં છૂટાછેડા માટેની કોઈ જોગવાઈ નથી. જ્યારે પોપ ફ્રાન્સિસે 2015માં ફિલિપાઇન્સની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે ત્યાંના ધાર્મિક નેતાઓને છૂટાછેડા મેળવવા કેથોલિક લોકો પ્રત્યે થોડી સહાનુભૂતિ રાખવાની અપીલ કરી હતી. પરંતુ ફિલિપાઇન્સમાં ‘છૂટાછેડા લીધેલા કેથોલિક’ હોવુ તે અપમાનજનક માનવામાં આવે છે.

ફિલિપાઇન્સના ખ્રિસ્તી ધાર્મિક નેતાઓએ પોપ ફ્રાન્સિસના શબ્દોને સંપૂર્ણપણે અવગણી નાખ્યા હતા. હકીકતમાં, તેઓને હવે એ હકીકત પર ગર્વ છે કે ફિલિપાઇન્સ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં છૂટાછેડા લઈ શકાતા નથી. ફિલિપાઇન્સમાં છૂટાછેડાને કાયદેસર ઠરાવવાનું એક બિલ પહેલેથી જ છે. પરંતુ રાષ્ટ્રપતિ બેનિનો એક્વિનોના સમર્થન વિના કાયદો બનાવવો મુશ્કેલ છે.

નોંધનિય છે કે, ફિલિપિન્સમાં પર લગભગ ચાર સદીઓથી સ્પેનનું શાસન હતું. આ સમય દરમિયાન ત્યાંના મોટાભાગના લોકોએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. સમાજમાં કેથોલિક રૂઢીવાદી નિયમોએ તેમના મૂળિયા ઉંડા કરી લીધા છે. પરંતુ વર્ષ 1898માં સ્પેનિશ-અમેરિકાનું યુદ્ધ થયું અને ફિલિપાઇન્સ પર અમેરિકાનું શાસન આવ્યું, ત્યારબાદ છૂટાછેડા માટે કાયદો બનાવવામાં આવ્યો. વર્ષ 1917માં કાયદા અનુસાર લોકોને છૂટાછેડા લેવાની મંજૂરી તો આપવામાં આવી હતી, પરંતુ એક શરત હતી. એવી એક શરત હતી કે જો પતિ-પત્નીમાંથી કોઈ વ્યભિચાર કરતી હોવાનું માલુમ પડે તો છૂટાછેડા લઈ શકાય છે.

આ દરમિયાન દ્વિતિય વિશ્વ યુદ્ધ સમયે જ્યારે જાપાને ફિલિપાઇન્સ પર કબજો કર્યો, તો તે સમયે પણ છૂટાછેડા માટેનો એક નવો કાયદો રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ નવો કાયદો ફક્ત થોડા વર્ષો માટે જ ચાલ્યો હતો અને વર્ષ 1944 માં જ્યારે ફરીથી અમેરિકાનું શાસન આવ્યું ત્યારે તેમણે જૂનો છૂટાછેડા કાયદો લાગુ કરી દીધો.

જ્યારે 1950 માં ફિલિપાઇન્સ યુએસના કબજાથી સ્વતંત્ર બન્યું, ત્યારે ચર્ચના પ્રભાવ હેઠળ છૂટાછેડા કાયદાને પાછો ખેંચી લેવામાં આવ્યો. તે સમયથી છૂટાછેડા પરનો પ્રતિબંધ આજ સુધી ચાલુ છે. તમને જણાવી દઈએ કે, ફિલિપાઇન્સમાં ફક્ત ખ્રિસ્તીઓને જ છૂટાછેડા લેવાની મનાઈ છે. અહીં મુસ્લિમ વસ્તીના 6 થી 7 ટકા લોકો તેમના અંગત કાયદા અનુસાર છૂટાછેડા લઈ શકે છે. મુસ્લિમ સમુદાયને તેમના ધાર્મિક નિયમો અનુસાર આમ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

Niraj Patel