ઘણા લોકોને આપણે નિરાશામાં સરી જતા જોઈએ છીએ, ઘણા લોકો પોતાના જીવનથી એ હદ સુધી કંટાળી ગયા હોય છે કે એ લોકો આ કાંટાળાનો અંત આત્મહત્યા કરીને પણ ચુકવતા હોય છે. એવા ઘણા લોકો વિશે તમે ચોક્કસ જાણતા હશો કારણ કે આજે આધુનિક જમાનામાં જો કોઈ સૌથી મોટી બીમારી હોય તો તે છે માનસિક તાણ.

માનસિક તાણ એવી વસ્તુ છે જે માણસને અંદરથી જ ખોખલો કરી નાખે છે, ખુશીઓ સાથે જીવવાનો ઉત્સાહ પણ છીનવી લે છે. ઘણા લોકો આનો ઈલાજ પણ કરાવતા હોય છે. પરંતુ ઘણા લોકો આના ઈલાજ રૂપે મૃત્યુને વ્હાલું કરે છે ત્યારે એક નાની વાર્તા તમારું જીવન ચોક્કસ બદલી શકે છે.
આજે હું તમને જે વાર્તા જણાવીશ એ વાર્તાને જો તમે સમજી લેશો તો તમારા જીવનમાં પણ તમને નિરાશા ક્યારેય નહિ સતાવે.

વાર્તા છે એકે ગરીબ મજુર કરસનની. જે મજૂરી કરી અને જીવન વિતાવતો હતો. ખેતરમાં બાંધેલી એક નાની એવી ઝૂંપડી જ એનું ઘર. એક 5 વર્ષની દીકરી રેવા અને કરસન બે જણ તેમાં રહે. ઝૂંપડીમાં પણ કઈ ખાસ સામાન નહિ, એક ખાટલો, થોડી મેલી ગોદડીઓ, રસોઈ માટેના થોડા વાસણો, કપડાં અને માટીના બે ઘડા.
ઝૂંપડીમાં ભલે કોઈ વસ્તુ ધ્યાન ખેંચે એવી ના હોય પણ એ માટીના ઘડા ધ્યાન ચોક્કસ ખેંચે. ઘડા ઉપર સુંદર મઝાના રંગોથી રંગબેરંગી ચિત્રો બનાવ્યા હતા. જેના કારણે એ ઘડા ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. કરસનને પણ એ ઘડા ખુબ જ પ્રિય હતા. કારણ કે એ ઘડા તેની પત્ની સવિતાએ તેના હાથે રંગ્યા હતા, પરંતુ એ ઘડાનું પાણી પીવા માટે સવિતા ઝાઝું જીવી નહિ, રેવાને જન્મ આપતાની સાથે જ એ સ્વર્ગમાં સિધાવી. કરસન પાસે પણ સવિતાની યાદના એ બે ઘડા અને રેવા જ હતા. તેથી એ ઘડાને ખુબ જ પ્રેમથી એ સાચવતો.

પાણી ભરવા માટે નદીએ જવું પડે ત્યારે એ ઘડાને પોતાના હાથમાં ખુબ જ સાચવીને લઇ જતો. રેવા પણ તેની સાથે નાના નાના પગે ચાલીને જતી. પ્રેમથી તેમાં પાણી ભરતો અને કાળજી પૂર્વક એ ઘડામાં પાણી ભરીને લાવી મૂકતો. કરસનનો આ નિત્યક્રમ હતો, રોજ સવારે પાણી ભરવા જવાનું, પાણી ભરીને આવી, રેવાને લઈને કામે ચાલ્યા જવાનું.
એક દિવસ સવારમાં જયારે પાણી ભરવા માટે ગયો ત્યારે નદી કિનારે રમતા નાના છોકરાથી પથ્થર ઉછળી ઘડામાં વાગી ગયો અને એક ઘડો વચ્ચેથી કાણો થઇ ગયો. કરસનને દુઃખ થયું પરંતુ હવે તે શું કરી શકવાનો હતો? ઘડો કાણો હોવા છતાં પણ કરસન બંને ઘડા સાથે લઈને જ પાણી ભરવા માટે જતો. પહેલા તે બે ઘડા ભરીને પાણી લાવતો પણ હવે એક ઘડો કાણો થઇ ગયો હોવાના કારણે દોઢ ઘડા જ પાણી આવતું. પરંતુ કરસનને એની કોઈ ચિંતા નહોતી. એ તો રોજ પોતાની મસ્તીમાં જ પહેલાની જેમ પાણી ભરવા જતો અને પાણી ભરીને કામે જવા માટે નીકળી જતો. પણ રેવાની નજરમાં આ વાત આવી ગઈ.

એકદિવસ પાણી ભરીને જયારે કરસન અને રેવા ઘરે આવ્યા ત્યારે રેવાએ કહ્યું: “બાપુ, આ ઘડો તો તૂટી ગયો છે અને તમે રોજ પાણી ભરીને લાવો છો તેમાં અડધું પાણી તો નીચે ઢોળાઈ જાય છે, તમે ઘડો બદલી કેમ નથી નાખતા?”
રેવાની વાત સાંભળી કરસન મરક મરક હસ્યો અને રેવાને કહ્યું: “બેટા, કાલે તું મારી જોડે પાણી ભરવા આવેને ત્યારે તેનો જવાબ તને આપીશ”
રેવા કરસનની વાત માની ગઈ, અને બંને કામે ચાલ્યા ગયા. બીજા દિવસે પોતાનો જવાબ મેળવવા માટે રેવા વહેલી ઉઠીને કરસનને પાણી ભરવા માટે જવાનું કહેવા લાગી.
કરસન બંને ઘડા લઈને પાણી ભરવા માટે નીકળ્યો, રેવા પોતાના જવાબની રાહ જોઈ રહી હતી, પરંતુ કરસન કઈ બોલ્યો નહિ ચુપચાપ તે નદી કિનારે પહોંચ્યો. રેવાને હતું કે તેને તેનો જવાબ નદીએ પાણી ભરતી વખતે મળશે, પરંતુ કરસને બંને ઘડા પાણીમાં ડૂબાડયા અને છલોછલ ભરી પાછા પોતાની ઝૂંપડી ચાલવા લાગ્યો.

ઝૂંપડી ઉપર પાણી ભરીને પાછા આવ્યા ત્યાં સુધી રેવાને તેનો જવાબ મળ્યો નહિ આથી રેવાએ ગુસ્સે થઈને કરસનને કહ્યું: “બાપુ, તમે મને કેમ જવાબ ના આપ્યો, આજે પણ તમે બે ઘડા પાણી લાવ્યા અને ઘરે તો માત્ર દોઢ જ ઘડો પહોંચ્યું ને?”
કરસન પાછો મરક મરક હસવા લાગ્યો, રેવાને પોતાની નજીક બેસાડતા કહ્યું: “પહેલા મને એમ કહે કે તે રસ્તામાં નવું શું જોયું?”
રેવાએ થોડી વિચારી જવાબ આપ્યો: “ખેતર, વાડ, રસ્તા, ટેકરીઓ અને નદી”
કરસને પાછું રેવાને પૂછ્યું: “એ તો તું રોજ જુએ જ છે, પણ થોડા દિવસમાં તે રસ્તાઓમાં કઈ બદલાયેલું ના જોયું?”
રેવાએ કહ્યું: “હા જોયું ને, રંગબેરંગી, ભાત ભાતના ફૂલો હતા, તેમાં પતંગિયા હતા, ભમરા હતા, અને સુંદર મઝાની સુગંધ આવી રહી હતી.”

કરસને રેવાની પીઠ થબ થબાવતા કહ્યું: “શાબાશ, તો દીકરા એ ફૂલો પહેલા તે નહોતા જોયા ને?”
રેવા આશ્ચર્ય સાથે કહેવા લાગી: “ના”
ત્યારે કરસને તેને સમજાવતા કહ્યું: “પહેલા બંને ઘડા સાજા હતા, જેના કારણે પાણી ભરી અને આપણે સીધા એને ઘરે જ લઇ આવતા, પરંતુ ઘડાને કાણું પડ્યા બાદ એ કાણાંની અંદરથી પાણી રસ્તા ઉપર ઢોળાવવા લાગ્યું જેના કારણે સુકાઈ રહેલ એ ફૂલો પાછા ખીલવા લાગ્યા, એ ફૂલોને પણ તૂટેલા ઘડામાંથી પાણી મળવા લાગ્યું અને એ પણ પાછા જીવંત બની ગયા, જેના કારણે હું એ તૂટેલા ઘડાને પણ મારી સાથે લઇ જાવ છું.”

રેવાને તેના પિતાની વાત સમજાઈ, તેને તૂટેલા ઘડાનું પણ મહત્વ સમજાયું, તેને પણ લાગ્યું કે એક તૂટેલો ઘડો પણ કોઈને નવું જીવન આપી શકે છે.
આપણે પણ ઘણીવાર એવું વિચારીએ છીએ કે આપણે સાવ નકામા છીએ, કોઈ કામના નથી, લોકો આપણી અવગણના કરે છે, પરંતુ આપણે ક્યારેય આ ઘડાની જેમ નથી વિચારતા જેના કારણે જ આપણે દુઃખી થઇએ છીએ, હતાશ થઈએ છીએ, એક તૂટેલો ઘડો જો કોઈના જીવનનું કારણ બની શકતો હોય, કોઈને કામ આવી શકતો હોય તો આપણે તો મનુષ્ય છીએ, આપણી અંદર તો પ્રાણ છે, કામ કરવાની તાકાત છે, તો શું કામ ચિંતા કરવાની? હતાશ થવાનું? જો આપણે પણ ઇચ્છીએ તો ઘણું બધું કરી શકીએ છીએ? બસ તેના માટે નિરાશ થયા વિના ક્યારેય હિંમત નથી હારવાની. પરિસ્થતિ કોઈપણ હોય તેનો ઉકેલ ચોક્કસ આવે જ છે, ભલે થોડો સમય વધુ લાગી જાય પરંતુ એ સમસ્યાનું સમાધાન પણ મળશે અને જીવવાની નવી રાહ પણ ચોક્કસ મળશે.

જો તમને પણ મારી આ વાત ગમી હોય તો બીજા લોકો સુધી પણ આ વાતને શેર કરજો, ક્યાંક કોઈનું જીવન બદલાઈ શકે છે..!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.