જાણવા જેવું

ભારતના સૌથી ધનવાન 10 પરિવારો, જેમની સંપત્તિની તોલે કોઈ આવી શકે તેમ નથી! ક્લીક કરીને જાણી લો લિસ્ટ

ભારતીય વેપારીઓની શાખ હવે કોઈ વિશેષણની મોહતાજ રહી નથી. અનેક ભારતીય બિઝનેસમેનો આજે વિશ્વભરમાં પોતાનો પગદંડો જમાવીને બેઠા છે. પરિણામ એ છે કે, એમની પાસે હવે ધનદોલતનો તોટો રહ્યો નથી. અલબત્ત, આ બધું મળ્યું છે તો મહેનતથી જ! આજે આપણે આ જ સંદર્ભને લઈને એક રસપ્રદ ટોપિક પર થોડી માહિતી લઈએ.

ભારતના સૌથી ધનવાન પરિવારોમાં કોનો-કોનો સમાવેશ થાય? આ સવાલના જવાબમાં આપવાના છે અહીં દસ નામો. એવા દસ ભારતીય બિઝનેસમેનના પરિવાર વિશે માહિતી લઈશું કે જેમની ગણના ભારતના સૌથી ધનવાન ફેમિલીમાં થાય છે. આવો જાણીએ ક્રમવાર ધનશ્રેષ્ઠી પરિવારો વિશે:

(1) અંબાણી પરિવાર —

Image Source

મુકેશ ધીરૂભાઇ અંબાણી! નારિયેરીઓના વનોથી ઘેરાયેલા પશ્વિમ ગુજરાતના દરિયાકાંઠે વસેલ નાનકડાં ચોરવાડ ગામનું નામ અંબાણી ફેમિલીના લીધે આજે જગતભરમાં જાણીતું બન્યું છે. ધીરૂભાઇ અંબાણીના પુત્ર મુકેશ અંબાણી એટલે ‘રિલાયન્સ’ના સર્વેસર્વા, ને રિલાયન્સ એટલે વિશ્વના માર્કેટ બજારની સર્વેસર્વા કંપની! માત્ર પેટ્રોલિયમ રિફાઇનરીના જ ક્ષેત્રમાં સીમિત રહેવાને બદલે રિલાયન્સનો અને એ નાતે અંબાણી ફેમિલીનો કારોબાર અનેક ક્ષેત્રોમાં વ્યાપત થયો છે. એ જ કારણ છે કે આજે અંબાણી પરિવાર ભારતનો સૌથી ધનવાન પરિવાર છે એમાં કોઈ બેમત નથી. અંદાજે ૨૨.૭ બિલિયન ડોલરની સંપત્તિ છે મુકેશભાઈ પાસે!

અંબાણી પરિવારના સભ્યો વિશે પણ લગભગ બધાને ખ્યાલ હોય જ. મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણી; બે પુત્રો: આકાશ-અનંત અને પુત્રી ઇશા અંબાણીના આ પરિવારમાં હવે નવા સભ્યો ઉમેરાવવામાં પણ બહુ વાર નથી.

(2) સંઘવી પરિવાર —

Image Source

કાઠિયાવાડના અમરેલી પરગણાના મૂળ વતની અને કલકત્તામાં સ્થાયી થઈ પિતાને મેડિકલ સ્ટોરમાં મદદ કરનાર, ને બાદમાં દસ હજાર રૂપિયાની બચતમૂડીથી પોતાનો ધંધો આરંભનાર દિલીપ સંઘવી એટલે મેડિકલ ક્ષેત્રે ‘દમ કે સાથ’ પગદંડો જમાવી ચૂકેલી ‘સન ફાર્મા’ના માલિક! ૨૦૧૭માં ‘ઇન્ડીયા ટૂડે’ મેગેઝિનમાં ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં દિલીપ સંઘવીનું નામ હતું – ૮માં નંબરે. પદ્મશ્રી જેવો પ્રતિષ્ઠિત એવોર્ડ પણ ભારત સરકાર દ્વારા મળેલો છે.

દિલીપ સંઘવી અને પત્ની વિભા સંઘવીને દિકરો-દિકરી બે સંતાન છે. દિકરો આલોક અને દિકરી વિધિ. હાલ તો બંને પિતાશ્રીની કંપનીમાં જ પોતાનું ટેલેન્ટ અજમાવી રહ્યાં છે.

(3) હિંદુજા પરિવાર —

Image Source

હિંદુજા પરિવારના ચાર ભાઈઓએ તો દુનિયાભરમાં ડંકો વગાડી દીધો છે. ઇઁગ્લેન્ડમાં ધમધોકાર બિઝનેસ સેક્ટર ઊભું કર્યું છે. અનેક ક્ષેત્રોમાં પથારો પાથર્યો છે ને વકરો રળે છે. હિંદુજા બ્રધર્સ વિશે હમણાં એક સમાચાર વહેતા થયા છે કે, તેઓ કદાચ દેવામાં ડૂબેલી ‘જેટ એરવેઝ’ એરલાઇન્સને ખરીદી શકે છે! અલબત્ત, જે હોય તે ખરું પણ હિંદુજા બ્રધર્સની ગણના આ લિસ્ટમાં બહુ વ્યાજબી રીતે જ કરી છે.

[હિંદુજા બ્રધર્સ વિશેની રોચક માહિતી અગાઉ GujjuRocksની વેબસાઇટ પર એક અલગ આર્ટીકલ રૂપે મુકેલી જ છે. તમને ચોક્કસ વાંચવી ગમશે.]

(4) પ્રેમજી પરિવાર —

Image Source

ભારતમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નામે આજે જે જોરાવર સેક્ટર ધીરેધીરે ઊભું થઈ રહ્યું છે એમાં ‘Wipro/વિપ્રો’ કંપનીનો મોટો હાથ છે. આ કંપની આજે આઇટી સેક્ટરમાં જે ગંજાવર નફો રળી રહી છે એમાં કંપનીના ફાઉન્ડર અને હમણા સુધીના ચેરમેન અઝીમ પ્રેમજીનો ફાળો ભૂલી શકાય તેમ નથી. અઝીમ પ્રેમજીને ‘ઇન્ડીયન આઇટી ઇન્ડસ્ટ્રીના રાજા’ તરીકે સંબોધવામાં આવે છે. અનેક વખત તેમનુંનામ વિશ્વના ધનવાન માણસોની યાદીમાં આવી ગયેલું છે. તેમની સખાવતોની વાતો પણ નિરાળી છે.

વિશેષમાં એ પણ જાણી લો કે, મુંબઇગરા તરીકે જન્મેલા અઝીમ પ્રેમજી ગર્ભ શ્રીમંત હતા. પરિવારના મૂળિયાં કચ્છની ભૂમિ સુધી જોડાયેલાં છે. અઝીમ પ્રેમજીના પિતાની ગણના બર્માના ધનિકત્તમ ધનપતિઓમાં થતી હતી. આઝાદી બાદ મહમહ અલી ઝીણાએ તેમને પાકિસ્તાન આવવાનું આમંત્રણ તો આપેલું પણ ભાઇસા’બે ચોખ્ખી ના ભણી દીધેલી. એ પરિવારનું સંતાન છે અઝીમ પ્રેમજી! પણ હવે વિપ્રોના ચેરમેનનું પદ અડધી સદી સુધી સંભાળ્યા બાદ અઝીમ પ્રેમજી નિવૃત્ત થઈ રહ્યા છે. આ માણસ એમની ઉદાર સખાવતો માટે ભારતને કાયમી યાદ રહેશે એની ના નહી!

(5) મિસ્ત્રી પરિવાર —

Image Source

આ પરિવારના મોભી એટલે પાલોનજી શાપૂરજી મિસ્ત્રી. SP ગ્રુપના ચેરમેન તરીકે પાલોનજી મિસ્ત્રીની ઓળખ જામેલી છે. કન્સ્ટ્રક્શન, ટેક્સટાઇલ, રિયલ એસ્ટેટ, શિપીંગ, પબ્લીકેશન, પાવર અને બાયોટેક્નોલોજી જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં એસપી ગ્રુપનો વેપાર ધંધો જામેલો છે.

(6) મિત્તલ પરિવાર —

Image Source

લક્ઝેમબર્ગ શહેરમાં આર્સેલરમિત્તલ કંપનીનું આલિશાન હેડક્વાર્ટર જોઈને અભિભૂત બની જવાય એ પછી ખ્યાલ આવે કે, આ તો સ્ટીલરાજ લક્ષ્મી મિત્તલનું કારખાનું છે! હા, હાલ ઇંગ્લેન્ડમાં સ્થાયી લક્ષ્મી મિત્તલને સ્ટીલ મેકિંગ ઇન્ડસ્ટ્રીના રાજા માનવામાં આવે છે. તેઓ ‘આર્સેલરમિત્તલ’ કંપનીના ફાઉન્ડર અને સીઇઓ છે. વિશ્વભરમાં આર્સેલરમિત્તલની હરિફાઇ સ્ટીલના ફિલ્ડમાં કોઇ કરી શકે તેમ છે નહી. આથી સ્વાભાવિક રીતે જ મિત્તલ ફેમિલીનો સમાવેશ આ યાદીમાં કરવો રહ્યો.

(7) ગોદરેજ પરિવાર —

Image Source

મૂળે ગુજરાતી એવા આ પારસી પરિવારનું નામ આ લિસ્ટમાં મૂકવાનું કારણ અનેકવિધ ક્ષેત્રોમાં કારોબાર ચલાવ ‘ગોદરેજ ફેમિલી’ ગ્રુપ છે. હાલ આદિત્ય ગોદરેજ ‘ગોદરેજ ફેમિલી’ના ચેરપર્સન છે. રિયલ એસ્ટેટ, કન્ઝ્યૂમર પ્રોડક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એન્જીનિયરીંગ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ સહિત અનેકવિધ ક્ષેત્રોમાં ગોદરેજ ફેમિલીનો કારોબાર છે. કંપનીનું મૂળ તો છેક ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં છે.

(8) નાદર પરિવાર —

Image Source

‘હિન્દુસ્તાન કોમ્પ્યુટર લિમિટેડ/HCL’ના ચેરમેન શિવ નાદરની સંપત્તિ પણ અધધ… કહી શકાય એટલી છે. એક ઉદાર સખાવતી અને શિક્ષણક્ષેત્રે ક્રાંતિ સર્જનાર અગ્રણી તરીકે શિવ નાદરની નામના છે. શિવ નાદર ફાઉન્ડેશન વતી તેમણે ભારતીય શિક્ષણપ્રણાલીમાં સુધારા લાવવાના પ્રયાસો કર્યા છે. ચેન્નઇમાં સ્થાપેલી એન્જીનિયરીંગ કોલેજને HCLના ૧ મિલીયન કિંમતના શેર દાન કરીને તેમણે કોલેજની એક્ટિવીટીઓમાં આગળ પડતો રસ લીધો હતો. આઇટી સેક્ટરમાં શિવ નાદરના ઉત્તમ પ્રદાનને લઇને તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની એકમાત્ર દિકરી રોશની નાદર હાલ HCLની વાઇસ ચેરમેન છે.

(9) બિરલા પરિવાર —

Image Source

આઝાદીના અજવાળાં ઇચ્છતી પહેલી મશાલ જ્યારે ભારતમાં સળગી, એ વખતથી જ બિરલા પરિવારનો પણ ધંધામાં પાયો નખાયો. ૧૮૫૭માં શિવ નારાયણ બિરલાએ બિરલા ગ્રુપનો પાયો નાખ્યો હતો. એ પછી તો આ ગ્રુપ બહુ વિકસ્યું. ઘનશ્યામદાસ બિરલા જેવા શ્રેષ્ઠીઓ આવ્યા. આજે બિરલા ગ્રુપ કેમિકલ, ફર્ટીલાઇઝર, ટેલિકોમ અને બીપીઓ સહિત અનેક ક્ષેત્રોમાં કારોબાર પાથરીને બેઠું છે. આઇડિયાનું કાર્ડ કે અલ્ટ્રાટેકની સિમેન્ટ પર આદિત્ય બિરલાનું સિમ્બોલ એ છેવાડાના સામાન્ય જન સુધીની તેમની ઓળખ છે.

(10) પૂનાવાલા પરિવાર —

Image Source

પદ્મશ્રી સાયરસ પૂનાવાલાનો ઉદ્યોગ મેડીકલ ક્ષેત્રમાં છે. વળી પ્રશંસનીય પણ છે. પૂનાવાલા ગ્રુપ દ્વારા ઓપરેટ થયેલી સેરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયાના સાયરસ પૂનાવાલા ચેરમેન છે. આ કંપની બાયોટેક ફિલ્ડની છે, જે રોગપ્રતિકારક દવાઓ બનાવવા માટે જાણીતી છે. સાયરસે પત્ની સાથે છૂટાછેડા લઈ લીધેલા છે. તેમને એક પુત્ર છે, નામે આદર્શ પૂનાવાલા. પરિવારની સંપત્તિના હિસાબે તેની ગણના ભારતના ધનાઢ્ય પરિવારોમાં થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks