અમેરિકામાં વસતા ભારતીયોની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઊભા થયા છે. કારણ કે, અમેરિકામાં ફરી એક વખત ભારતીય વિદ્યાર્થિની હત્યા કરવાના સમાચાર સામે આવ્યા છે. તેલંગાણાના ખમ્મમ જિલ્લાના એક યુવકની અમેરિકાના ગેસ સ્ટેશન પર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. મૃતકની ઓળખ 22 વર્ષીય સાંઈ તેજા નુકારાપુ તરીકે થઈ છે. યુવક ત્યાં અભ્યાસ સાથે પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો.
શિકાગોમાં ગેસ સ્ટેશન પર હુમલાખોરોએ ગોળી મારી દીધી
હાલમાં સ્થાનિક MLCએ આ ઘટનામાં મદદ માટે તેલુગુ એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (TANA)ના સભ્યો સાથે વાત કરી છે. આવતા અઠવાડિયે વિદ્યાર્થીનો મૃતદેહ ભારત પહોંચે તેવી શક્યતા છે. બીઆરએસ એમએલસી મધુસુદન થાથાએ અમેરિકાથી મળેલી પ્રાથમિક માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે, 22 વર્ષીય સાંઈ તેજા નુકારાપુને શનિવારે વહેલી સવારે શિકાગો નજીકના ગેસ સ્ટેશન પર હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. એમએલસીએ મૃતકના માતા-પિતા સાથે મુલાકાત કરી છે. જે બાદ તેમણે કહ્યું કે ઘટના સમયે સાંઈ તેજા ડ્યુટી પર ન હતો, પરંતુ તે તેના એક મિત્રની મદદ કરી રહ્યો હતો.
MBAનો અભ્યાસ કરવા માટે અમેરિકા ગયો હતો વિદ્યાર્થી
સાઈ તેજાએ ભારતમાં BBAનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ પછી તે અમેરિકામાં રહીને MBA કરી રહ્યો હતો. મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે મૃતક પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. તેણે કહ્યું કે તે જાણીને દુઃખ થયું કે સાઈ તેજાને તે સમયે ગોળી મારી દેવામાં આવી, જ્યારે તે તેના મિત્રને મદદ કરી રહ્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું- અમે આ સમાચારથી ખૂબ જ દુઃખી છીએ. અમારું કોન્સ્યુલેટ પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર વધી રહ્યા છે હુમલા
અમેરિકામાં તાજેતરના સમયમાં ભારતીય વિદ્યાર્થીઓ વિરુદ્ધ વંશીય હિંસામાં વધારો થયો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય મૂળના ઓછામાં ઓછા 12 વિદ્યાર્થીઓના મોત થયા છે.