સ્ટુડન્ટ વિઝા પર US અભ્યાસ કરવા ગયેલી ભારતીય વિદ્યાર્થીની એક અઠવાડિયાથી લાપતા, પોલિસે ડિટેઇલ્સ શેર કરી માગી મદદ

અમેરિકામાં લાપતા થઇ 23 વર્ષિય ભારતીય વિદ્યાર્થીની, છેલ્લી વાર લોસ એન્જેલસમાં આવી હતી નજર- જાણો સમગ્ર મામલો

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સતત કોઈને કોઈ ઘટનાનો શિકાર બની રહ્યા છે અને આ વર્ષે આવા સમાચારોએ ભારતમાં બેઠેલા તમામ વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે જેમના પુત્ર-પુત્રીઓ કાં તો અમેરિકામાં ભણવા ગયા છે કાં તો ત્યાં સારી નોકરી માટે ગયા છે. આવી સ્થિતિમાં સાત સમંદર પાર અમેરિકાથી વધુ એક મામલો સામે આવ્યો છે. 23 વર્ષીય એક ભારતીય વિદ્યાર્થીની છેલ્લા એક અઠવાડિયાથી ગુમ છે.

એવું સામે આવ્યું છે કે જે ભારતીય વિદ્યાર્થી ગુમ થઇ છે તે છેલ્લે લોસ એન્જલસમાં જોવા મળી હતી. પોલીસે વિદ્યાર્થીને શોધવા માટે જનતાની મદદ પણ માંગી છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીય સમુદાયના વિદ્યાર્થીઓના ગુમ થવાના કિસ્સાઓ ચર્ચામાં છે. આ સીરીઝમાં એક નવો કેસ સામે આવ્યો.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસે જણાવ્યું કે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી, સેન બર્નાર્ડિનો (સીએસયુએસબી)ની વિદ્યાર્થીની નિતિશા કંડુલા 28 મેના રોજ ગુમ થઈ હતી. વિદ્યાર્થીનીને છેલ્લે લોસ એન્જલસમાં જોવામાં આવી હતી, અને 30 મેના રોજ ગુમ થયાની જાણ થઈ. નિતિશા કંડુલા મૂળ ભારતના હૈદરાબાદની છે.

પોલીસે વિદ્યાર્થીનીના ઠેકાણા વિશે માહિતી ધરાવનાર કોઈપણને અધિકારીઓનો સંપર્ક કરવા વિનંતી કરી છે. પોલીસે એક લેખિત નિવેદનમાં જણાવ્યું કે કંડુલાની લંબાઇ 5 ફૂટ 6 ઇંચ છે, જ્યારે તેનું વજન આશરે 160 પાઉન્ડ એટલે કે 72.5 કિલોગ્રામ છે. તેના વાળ અને આંખો કાળી છે. નિવેદન અનુસાર, તે સંભવતઃ કેલિફોર્નિયા લાયસન્સ પ્લેટ સાથે 2021 ટોયોટા કોરોલા ચલાવી રહી હતી, જેનો રંગ પોલીસે જણાવ્યો નથી.

Shah Jina