ઓસ્ટ્રલિયામાં અભ્યાસની સાથે સાથે ફૂડ ડિલિવરીનું કામ કરી રહેલા ભારતીય યુવકનું રોડ દુર્ઘટનામાં થયું મોત, જાણો સમગ્ર મામલો

ઓસ્ટ્રેલિયાના સીડીનીમાં થયેલ દુર્ઘટનામાં ભારતીય વિદ્યાર્થીનું થયું મોત, જાણો સમગ્ર મામલો

Indian student dies in Australia: છેલ્લા ઘણા સમયથી વિદેશની ધરતી પર ભારતીયોની મોતના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા લોકોની વિદેશમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે તો કોઈનું રોડ અકસ્માતમાં મોત થતું હોય છે. ત્યારે હાલ એક એવો જ મામલો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે, જ્યાં એક અભ્યાસ કરવા માટે ગયેલા યુવકનું રોડ અકસ્માતમાં મોત થયું છે. 22 વર્ષીય આ વિદ્યાર્થી અભ્યાસ કરવાની સાથે સાથે ફૂડ ડિલિવરીનું પણ કામ કરતો હતો.

ફેબ્રુઆરીમાં ગયો હતો ઓસ્ટ્રેલિયા :

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનું નામ અક્ષય દીપક દોલતાની હતું જે મુંબઈનો વતની હતો. દોલતાનીએ ઓસ્ટ્રેલિયાની મેક્વેરી યુનિવર્સિટીમાં કોમર્સમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે શિષ્યવૃત્તિ મેળવી હતી અને તે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. ડાયા રિપોર્ટ અનુસાર, અક્ષય દીપક દોલતાની ગયા અઠવાડિયે ન્યૂ સાઉથ વેલ્સમાં ક્યાંક ફૂડ ડિલિવરી કરવા જઈ રહ્યો હતો ત્યારે તેની બાઇક એક કાર સાથે અથડાઈ હતી, અકસ્માતમાં તેનું મોત થયું હતું.

પોકેટમની માટે કરતો હતો ફૂડ ડિલિવરી :

અક્ષય તેના ખર્ચને ઉઠાવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ વખત Uber Eats ડિલિવરી રાઇડર તરીકે કામ કરતો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર જણાવાયું છે કે અકસ્માત બાદ અક્ષય દોલતાનીને રોયલ નોર્થ શોર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ થોડા કલાકો પછી તેનું મૃત્યુ થયું હતું. અક્ષયના ભાઈએ જણાવ્યું કે તેનો એકમાત્ર ઉદ્દેશ્ય સારું જીવન જીવવાનું હતું અને તેથી તે ઓસ્ટ્રેલિયા ગયો અને તે તેના પરિવારને વધુ સુવિધાઓ આપવા માંગતો હતો જેથી કરીને તેઓ સારી જીવનશૈલી જીવી શકે.

કંપનીનું આવ્યું નિવેદન :

ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનના જણાવ્યા અનુસાર, દોલતાનીના મૃત્યુ સાથે, ઑસ્ટ્રેલિયામાં 2017 થી ફૂડ ડિલિવરી બોય્સના મૃત્યુની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. બીજી તરફ Uber Eats એ જણાવ્યું હતું કે તે ડિલિવરી કામદારોની સલામતી માટે પ્રતિબદ્ધ છે અને માર્ગ સલામતી વધારવા માટે તેની પાસે નીતિઓ છે. રિપોર્ટમાં કંપનીના પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઑસ્ટ્રેલિયામાં, Uber Eats ડિલિવરી લોકોને તેમના માટે ખાસ ડિઝાઇન કરાયેલ સહાયતા પેકેજ દ્વારા આવરી લેવામાં આવે છે.

Niraj Patel