ભારતીય મૂળના વિશ્વ પ્રસિદ્ધ યોગ ગુરુ શરથ જોઇસ, જેમને વિશ્વ સ્તર પર અષ્ટાંગ યોગને લોકપ્રિય બનાવવા માટે ઓળખવામાં આવે છે, તેમનું હાર્ટ એટેકને કારણે અમેરિકામાં નિધન થઇ ગયુ. તેઓ અષ્ટાંગ યોગના સંસ્થાપક કે.પટ્ટાભિ જોઇસના પૌત્ર હતા અને વૈશ્વિક યોગ સમુદાયમાં એક પ્રમુખ વ્યક્તિ હતા.
19 વર્ષની ઉંમરથી જોઇસ કરી રહ્યા છે યોગ
શરથ જોઈસનો જન્મ 29 સપ્ટેમ્બર 1971ના રોજ મૈસૂરમાં થયો હતો. તેમણે ઈલેક્ટ્રોનિક્સમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ તેમના દાદા પટ્ટાભી જોઈસ પાસેથી યોગ શીખ્યા અને 19 વર્ષની ઉંમરથી તેમની નીચે અભ્યાસ કર્યો. જેમ જેમ પટ્ટાભી જોઈસની ઉંમર વધવા લાગી, શરથે તેમને મદદ કરવાનું શરૂ કર્યું, અને આ નિયમિતતાએ તેમને વિદ્યાર્થીઓને યોગ શીખવવા માટે જરૂરી શિસ્ત અને સમર્પણ વિકસાવવામાં મદદ કરી.
2009માં સ્થાપિત કર્યુ યોગ કેંદ્ર
2009માં દાદાના અવસાન પછી, શરથ જોઈસે વિદ્યાર્થીઓને યોગ શીખવવાનું ચાલુ રાખ્યું અને મૈસુરની બહારના ભાગમાં હેબ્બલમાં શરથ યોગ કેન્દ્રની સ્થાપના કરી. અહીં તેઓ તેમના વિદ્યાર્થીઓને યોગ શીખવતા હતા.
ઓક્ટોબરમાં ગયા હતા અમેરિકા
શરથ જોઈસના પરિવારમાં પત્ની, બે બાળકો અને માતા છે. જોઈસ ગયા મહિને જ મૈસુરથી અમેરિકા ગયા હતા. અહીં તેઓ પોતાના વિદ્યાર્થીઓને યોગ શીખવી રહ્યા હતા. શરથ યોગ કેન્દ્રના સૂત્રોના હવાલે રીપોર્ટમાં જણાવાયું છે કે શરથ ડિસેમ્બરમાં કોઈ સમયે નવી બેચના વર્ગો લેવા માટે શહેરમાં પરત ફરવાના હતા.
જોઇસ લગભગ 50 વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે ચાર્લોટ્સવિલેમાં વર્જિનિયા યુનિવર્સિટી પાસે ચાલતા યાત્રા કરી રહ્યા હતા ત્યારે જ અચાનક તેમની તબિયત બગડી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, તે થાકેલા દેખાયા, એક બેન્ચ પર આરામ કરી રહ્યા હતા અને પછીથી બેભાન થઈ ગયા. CPR વડે તેમને હોંશમાં લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા પણ તેમને મૃત જાહેર કરાયા.