વિદેશમાંથી અવાર નવાર ભારતીયો અને ગુજરાતીના મોતની ખબર સામે આવતી રહે છે, ત્યારે હાલમાં મંગળવારે અમેરિકાના જ્યોર્જિયાના આલ્ફારેટામાં થયેલા એક કાર અકસ્માતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા જ્યારે બે લોકો ઘાયલ થયા હોવાની ખબર છે. અકસ્માતનો ભોગ બનેલ સ્ટૂડન્ટ્સ 18 વર્ષના હોવાનું સામે આવ્યુ છે. મૃતકોમાં એક યુવક અને બે યુવતીનો સમાવેશ થાય છે.
મૃતકોની ઓળખ આર્યન જોષી, શ્રીયા અવસારલા અને અવની શર્મા તરીકે થઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર આર્યન અને શ્રીયાના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે અવનીનું નોર્થ ફુલટન હોસ્પિટલમાં બુધવારે સવારે સારવાર દરમિયાન મોત થયુ. આ અકસ્માતમાં બે સ્ટૂડન્ટ્સ ઘાયલ પણ થયા છે, જેમની ઓળખ રિતવાક સમપાલ્લી અને મોહમંદ લિયાકત તરીકે થઇ છે.
અકસ્માતનો ભોગ બનેલ આ સ્ટૂડન્ટ્સ અમેરિકા ભણવા માટે ગયા હતા કે પછી ત્યાંના જ સિટીઝન હતા તેની હાલ કોઈ વિગતો સામે નથી આવી. પોલીસનું માનવું છે કે આ અકસ્માત ઓવર સ્પિડિંગને કારણે થયો હોઈ શકે છે. મૃતક આર્યન આલ્ફારેટા હાઈ સ્કૂલનો સ્ટૂડન્ટ હતો અને તે એક વીક બાદ જ ગ્રેજ્યુએટ થવાનો હતો, જ્યારે અવની અને શ્રીયાએ હાલમાં જ જ્યોર્જિયા યુનિવર્સિટીમાંથી પોતાનું પહેલું વર્ષ પૂરૂં કર્યું હતું.