ભારતીય ડોક્ટર રમેશની અમેરિકામાં ગોળી મારી હત્યા, ઘણી હોસ્પિટલોના હતા માલિક- કારણ હેરાન કરનારુ
અમેરિકામાં એક ભારતીય ડોક્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી. શુક્રવારે જ્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે તે અલબામાના ટસ્કાલુસામાં હતા. તેમની ઓળખ આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લાના ડો.રમેશ બાબુ પેરામસેટી તરીકે થઈ છે. ગોળી વાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રમેશ બાબુએ અમેરિકામાં પોતાની આગવી ઓળખ બનાવી હતી, તેમણે સ્થાનિક ડોક્ટરોની મદદથી ક્રિમસન નેટવર્કની સ્થાપના કરી હતી અને ઘણી હોસ્પિટલોનું સંચાલન કર્યું હતું.
આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં તેમનું મોટું યોગદાન હતું. ક્રિમસન કેર નેટવર્ક ટીમે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. ક્રિમસને ફેસબુક પેજ પર એક નિવેદનમાં કહ્યું કે પેરામસેટીનું અવસાન થયું છે. ફેસબુક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અમને ડો. રમેશ પેરામસેટીના નિધનની માહિતી મળી છે. પેરામસેટી પરિવારે અમને તેમના દુઃખના આ સમયમાં ગોપનીયતા આપવા વિનંતી કરી છે. અમે તેમનું સન્માન કરવાનું ચાલુ રાખીશું જે રીતે તેઓ ઇચ્છતા હતા. તમારી સમજ બદલ આભાર.
ક્રિમસને બીજી પોસ્ટમાં લખ્યું કે આ મુશ્કેલ સમયમાં પેરામસેટી અને ક્રિમસન કેર નેટવર્ક પરિવારને તમારી પ્રાર્થનામાં રાખો. અમે તેમની વિરાસત ચાલુ રાખીશું. સંક્રમણ સમયગાળા દરમિયાન અમારા ક્લિનિક્સ ખુલ્લા રહેશે. જણાવી દઈએ કે પેરામસેટીની પત્ની, 2 પુત્રો અને 2 પુત્રીઓ છે, જે તમામ અમેરિકામાં સ્થાયી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તબીબી વ્યવસાયમાં તેમના નોંધપાત્ર યોગદાનને કારણે ટસ્કાલુસામાં એક રસ્તાનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું હતું.
તેમણે કોવિડ-19 રોગચાળા દરમિયાન અસરગ્રસ્ત લોકોની મદદ પણ કરી, જેના માટે તેમને ઘણા પુરસ્કારો મળ્યા. તેઓ અનેક સામાજિક કાર્યોમાં પણ સક્રિય હતા. આંધ્રપ્રદેશની મેનકુરુ હાઈસ્કૂલને અંદાજે 17 હજાર ડોલર એટલે કે 14.2 લાખ રૂપિયાનું તેમણે દાન કર્યુ હતુ. તેમણે પોતાનો અભ્યાસ આ શાળામાંથી કર્યો હતો. તેમના ગામમાં સાંઈ મંદિર બનાવવામાં પણ તેમનું યોગદાન હતુ.