કેનેડામાં ભારતીય મૂળના પરિવારના ઘરમાં આગ લાગી, પતિ-પત્ની અને સગીર દીકરી સમેત ત્રણ લોકો થયા ભડથુ- પોલિસને આગ લગાવવામાં આવી હોવાની આશંકા

ગુજરાતીઓ અને ભારતીયોના ઘણીવાર વિદેશમાં મોત થયાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલમાં જ વધુ એક ઘટના કેનેડામાંથી સામે આવી. ​​​​​​કેનેડાના ઓન્ટારિયોમાં રહેતા એક ભારતીય પરિવારના ઘરમાં આગ લાગવાને કારણે ત્રણેય સભ્યો બળીને રાખ થઇ ગયા. હાલ તો આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. પોલીસને આશંકા છે કે ઘરમાં આગ લગાવવામાં આવી હતી.

આગ મામલે પોલીસે કહ્યું- આગ ખૂબ જ ભયાનક હતી અને ઘર પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. હજુ તપાસમાં કંઈ કડી નથી મળી. પરંતુ આ અકસ્માત નહોતો અને આગ લાગાવવામાં આવી હોવાનું જણાઇ રહ્યુ છે. હાલમાં કોઈ પુરાવા મળ્યા નથી, હત્યાના એંગલથી પણ તપાસ કરવામાં આવી રહે છે. મૃતકોમાં ભારતીય મૂળના દંપતી અને તેમની સગીર પુત્રીનો સમાવેશ થાય છે. આ ઘટના 7 માર્ચે બની હતી, પરંતુ તેની જાણ શુક્રવારના રોજ થઈ. આ પરિવાર બ્રેમ્પટનના બિગ સ્કાય વે અને વેન કિર્ક ડ્રાઇવ વિસ્તારમાં રહેતો હતો.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓએ કહ્યું કે તેઓ મૃતકોની સંખ્યાની જાણ નથી કરી શક્યા.આ ઘટનાની જાણકારી પરિવારના એક પાડોશીએ આપી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, આગ બુઝાતા તેમને માનવ અવશેષો મળી આવ્યા હતા. પરિવારની ઓળખ રાજીવ વારિકૂ, તેની પત્ની શિલ્પા કોઠા અને દંપતિની 16 વર્ષની પુત્રી મહેક વારિકૂ તરીકે થઈ. સ્થાનિક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે પોલીસે હજુ સુધી આગનું કારણ જાણી શકી નથી.

એવું કહેવાય છે કે ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં આગ લાગી હતી.આગની જ્વાળાઓ વધતી જોઈ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ બુઝાઈ ગયા પછી તપાસકર્તાઓને બળેલા ઘરની અંદરથી માનવ અવશેષો મળ્યા, પરંતુ તે સમયે માર્યા ગયેલા લોકોની સંખ્યા જાણી શકાઈ ન હતી. શુક્રવારે અવશેષોની ઓળખ પરિવારના ત્રણ સભ્યો તરીકે થઈ હતી.

પરિવાર કાશ્મીરી પંડિત હતો. આગ લાગી ત્યારે ત્રણેય ઘરમાં હાજર હતા.જો કે, પોલીસને આશ્ચર્ય છે કે આગ લાગ્યા બાદ પરિવારની ચીસો અને મદદ માટેના કોલ કેમ કોઈએ સાંભળ્યા નહીં. ઓન્ટારિયોના ફાયર માર્શલે કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ અચાનક નથી લાગી. આમાં એક ષડયંત્ર છે. આગમાં તમામ પુરાવા બળીને ખાખ થઈ ગયા હતા. પરંતુ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

મૃતક પરિવારના પાડોશી કેનેથ યુસુફ અનુસાર, પરિવાર આ મકાનમાં 15 વર્ષથી રહેતો હતો અને પતિ-પત્ની વચ્ચે ક્યારેય પણ ઝઘડો થયો નથી. આગ લાગ્યા પહેલા ઘરમાંથી તીવ્ર ધડાકો સંભળાયો હતો. ધડાકો સાંભળીને જ્યારે બહાર આવ્યા તો ઘરમાં આગ લાગેલી જોવા મળી. થોડા જ કલાકોમાં ઘર બળીને ખાખ થઈ ગયું.

Shah Jina