અમેરિકામાં ભારતીય પરિવારના ત્રણના મોત: ઘરમાંથી મૃતદેહ મળ્યા, જાણો સમગ્ર મામલો
Indian Family Found Dead In US: વિદેશમાંથી ઘણીવાર એવી ખબર આવે છે કે ભારતીય પર હુમલો કરી તેની હત્યા કરી દેવામાં આવી હોય, અથવા તો કોઇ ભારતીયની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હોય. ત્યારે હાલમાં અમેરિકાના મેરીલેન્ડમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક ભારતીય દંપતી તેમના છ વર્ષના બાળક સાથે શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યું છે. પોલીસે આ કેસમાં બેવડી હત્યા બાદ આત્મહત્યાની શક્યતા વ્યક્ત કરી છે.

કર્ણાટકનો હતો પરિવાર
મીડિયા અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગયા શુક્રવારે એટલે કે 18 ઓગસ્ટે બની હતી, જ્યારે આ ભારતીય પરિવાર મેરીલેન્ડમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ પરિવાર કર્ણાટકના દાવણગેરેનો રહેવાસી હતો, જે છેલ્લા નવ વર્ષથી મેરીલેન્ડમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું કે પરિવારના ત્રણેય સભ્યોના મોત ગોળી વાગવાથી થયા હતા. તમામ તેમના બાલ્ટીમોર કાઉન્ટી સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ગોળી વાગવાથી થયા ત્રણેયના મોત
અહેવાલો મુજબ, મૃતકોની ઓળખ યોગેશ એચ. નાગરાજપ્પા (37), પ્રતિભા વાઇ. અમરનાથ (37) અને યશ હોન્નાલ (6) તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું કે મૃતકોમાં પતિ-પત્ની અને પુત્રનો સમાવેશ થાય છે. સન અખબારે તેના અહેવાલમાં બાલ્ટીમોર કાઉન્ટી પોલીસના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસના આધારે આ ઘટના નાગરાજપ્પાએ કરેલી બેવડી હત્યા-આત્મહત્યા હોવાનું માનવામાં આવે છે.
ત્રણેય મૃતકોનું મોત ગોળી વાગવાથી થયું હતું. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે યોગેશે પહેલા તેની પત્ની અને બાળકને ગોળી મારી હશે, પછી પોતાને ગોળી મારી દીધી હશે.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મામલો સ્પષ્ટ થશે
પોલીસે જણાવ્યું હતું કે પરિવારના સભ્યોને છેલ્લે 17 ઓગસ્ટ ગુરુવારે સાંજે જોવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું કારણ સ્પષ્ટ થશે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા, બાલ્ટીમોર કાઉન્ટીના પ્રવક્તાએ કહ્યું, “હું નિર્દોષ પીડિતો માટે ખૂબ જ દુઃખી છું જેમના જીવ આ ભયાનક કૃત્યના પરિણામે ગુમાવ્યા હતા.” પોલીસે કહ્યું કે આસપાસના સમુદાયો માટે કોઈ ખતરો નથી.