ટીમ ઇન્ડિયાનું સાસરુ બનતુ જઇ રહ્યુ છે બોલિવુડ, કેએલ રાહુલ-અથિયા શેટ્ટીથી લઇને વિરાટ-અનુષ્કા સુધી….આ છે બોલિવુડ અને ક્રિકેટનું મશહૂર કોમ્બિનેશન

કેએલ રાહુલ-અથિયા શેટ્ટીથી લઇને વિરૂષ્કા સુધી, જ્યારે ક્રિકેટનું થયુ બોલિવુડ સાથે મિલન, જાણો એ જોડીઓની હિટ લવ સ્ટોરી

ક્રિકેટ અને બોલિવૂડ ભારતીયોના હૃદયમાં વસી ગયા છે. ક્રિકેટ અને બોલિવૂડ સ્ટાર્સને ચાહકો તરફથી ખૂબ જ પ્રેમ મળે છે. તેમની એક ઝલક મેળવવા લોકો આતુર રહેતા હોય છે. આવી સ્થિતિમાં જ્યારે ક્રિકેટ અને બોલિવૂડ બંને મળે તો ચોક્કસપણે ક્રેઝ તો વધવાનો જ ને…આવું ફરી એકવાર થયું. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે લગ્નના બંધનમાં બંધાયો છે.

કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ અથિયા સાથે ફેરા ફર્યા હતા. બંનેના લગ્ન ખંડાલામાં સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસમાં થયા હતા. આ બંને ક્રિકેટ-બોલીવુડના પાવર કપલ્સની લાંબી યાદીમાં સામેલ થઇ ગયા છે. અથિયા શેટ્ટી અને કેએલ રાહુલની લવ સ્ટોરી રસપ્રદ છે. બંને એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. બંનેએ 2019માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને ઘણા વર્ષોથી ઈન્સ્ટાગ્રામ પર એકબીજા સાથે પોતાની તસવીરો શેર કરતા હતા.

પરંતુ, વર્ષો સુધી બંનેએ તેમના સંબંધોને દુનિયાની સામે આવવા ન દીધા. 2021માં આથિયા અને રાહુલે દુનિયાને તેમના સંબંધો વિશે જણાવ્યું અને હવે તેઓ જન્મો જન્મના બંધનમાં બંધાયા છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ક્રિકેટ અને બોલિવૂડ એક સાથે આવ્યા હોય. ચાલો જાણીએ કે આ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર બોલિવૂડની ચમકમાં ક્યારે ક્લીન બોલ્ડ થયા અને એક્ટ્રેસને પોતાની પાર્ટનર બનાવી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માઃ ક્રિકેટના વર્તમાન યુગના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક વિરાટ કોહલીએ બોલિવૂડની મશહૂર અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેની પ્રેમ કહાની ખૂબ જ રસપ્રદ છે. વિરાટ અને અનુષ્કાની પહેલી મુલાકાત એક લોકપ્રિય શેમ્પૂ બ્રાન્ડના એડ શૂટના સેટ પર થઈ હતી. જોકે, બંનેની પહેલી મુલાકાત ઘણી જ વિચિત્ર હતી.

પરંતુ, શરૂઆતની આનાકાની બાદ બંને એકબીજાને મળવા લાગ્યા. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. ડિસેમ્બર 2017માં 4 વર્ષના ડેટિંગ પછી, કપલે ઇટાલીમાં પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. કપલ હાલ દીકરી વામિકાના પેરેન્ટ્સ છે.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકઃ ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોડલ અને એક્ટ્રેસ નતાશા સાથે લગ્ન કર્યા છે. બંનેની પહેલી મુલાકાત મુંબઈની એક નાઈટ ક્લબમાં થઈ હતી. પહેલી મુલાકાતમાં જ બંને વચ્ચે જોડાણ થઈ ગયું હતું. આ પછી હાર્દિક અને નતાશા ઘણીવાર સાથે પાર્ટી કરવા લાગ્યા અને બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ અને વાત લગ્ન સુધી પહોંચી.

દરિયાની વચ્ચે બોટ પર ઘૂંટણિયે બેસીને હાર્દિકે નતાશાને પ્રપોઝ કર્યું અને બંનેએ ટૂંક સમયમાં જ લગ્ન કરી લીધા. 2020માં બંનેએ તેમના પ્રથમ બાળક અગસ્ત્યનું આ દુનિયામાં સ્વાગત કર્યું. જણાવી દઈએ કે નતાશા મૂળ સર્બિયાની છે. તે રિયાલિટી શો ‘નચ બલિયે 9’માં જોવા મળી હતી. આ સિવાય તેણે કેટલીક ફિલ્મો અને ‘બિગ બોસ 8’માં પણ ભાગ લીધો છે.

હરભજન સિંહ અને ગીતા બસરા: જ્યારે અનુભવી ભારતીય સ્પિનરે ગીતાને ફિલ્મ ‘ધ ટ્રેન’ માટે એક મ્યુઝિક વીડિયોમાં જોઇ ત્યારે તે પહેલી નજરનો પ્રેમ હતો. આ પછી હરભજને અભિનેત્રીનો ફોન નંબર મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો. પણ ગીતાએ શરૂઆતમાં હરભજનને વધારે ભાવ ન આપ્યો. લાંબા સમય સુધી ગીતા ટીમ ઈન્ડિયાના સ્પિનરને નજરઅંદાજ કરતી રહી.

હરભજનની આ રાહ 2007માં પૂરી થઈ જ્યારે ગીતાએ 2007માં ભારતની T20 વર્લ્ડ કપ જીતવા બદલ હરભજનને અભિનંદન આપ્યા. આનાથી બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ અને લાંબી રાહ જોયા પછી પ્રેમ ખીલ્યો. બંનેએ નવેમ્બર 2015માં જલંધર પાસેના એક ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા.

યુવરાજ સિંહ અને હેઝલ કીચઃ યુવરાજની ગણતરી વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાં થાય છે. 2007ના T20 વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રોડ વિરુદ્ધ તેના 6 છગ્ગા કોણ ભૂલી શકે. પરંતુ, આ ક્રિકેટરને અભિનેત્રી હેઝલ કીચનું દિલ જીતવા માટે લાંબી રાહ જોવી પડી હતી. આ કપલ પહેલીવાર 2011માં એક કોમન ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં મળ્યા હતા. 2015માં યુવરાજે બાલીમાં હેઝલને પ્રપોઝ કર્યું હતું અને બંનેએ 2016માં લગ્ન કરી લીધા હતા. બંનેને એક પુત્ર પણ છે.

Shah Jina