ભારતીય મૂળના ક્લાસિકલ ડાંસરની ગોળી મારી હત્યા- સાંજે નીકળ્યો હતો વોક પર, અભ્યાસ કરવા ગયા વર્ષે જ ગયો હતો અમેરિકા

અમેરિકામાં ભારતીય ક્લાસિકલ ડાંસરની ગોળી મારી હત્યા, સાંજે નીકળ્યો હતો વોક પર

ક્લાસિકલ ડાંસરની હત્યા, 4 દિવસ બાદ પણ કારણ સ્પષ્ટ નહિ, પરિવાર બોલ્યો- સપનું પૂરુ કરવા અમેરિકા ગયો હતો, ભારત સરકાર પાસે માગી મદદ

અમેરિકામાં ભારતીય મૂળના લોકો અથવા ભારતીય નાગરિકોની હત્યાની ઘટનાઓ અટકી નથી રહી, ત્યારે હાલમાં વધુ એક આવી ઘટના સામે આવી. ભારતીય ક્લાસિકલ ડાન્સર અમરનાથ ઘોષની સેન્ટ લુઈસ, મિસૌરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. અમરનાથ ઘોષની મિત્ર અને ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ સોશિયલ મીડિયા પર તેના મૃત્યુની માહિતી શેર કરતી વખતે દાવો કર્યો હતો કે ઇવનિંગ વોક દરમિયાન તેને ઘણી ગોળીઓ મારવામાં આવી હતી.

દેવોલિનાએ કહ્યું કે અમરનાથ ઘોષના મિત્રો પોલીસ પાસેથી તેનો મૃતદેહ મેળવી શક્યા નથી, તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ પ્રધાન એસ જયશંકર અને યુએસમાં ભારતીય દૂતાવાસને હત્યા પાછળના હેતુ વિશે માહિતી મેળવવા માટે અપીલ કરી છે. અમરનાથ ઘોષ એક વ્યાવસાયિક ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્યાંગના હતા.

નૃત્યમાં માસ્ટર ઓફ ફાઈન આર્ટસ (MFA) કરવા તે સેન્ટ લૂઈસની વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ગયો હતો. યુનિવર્સિટીની વેબસાઈટ પરની તેની પ્રોફાઈલ અનુસાર, તેણે નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરના લખાણો પર સંશોધન કર્યું છે. ચારેય નૃત્ય શૈલીઓ (ભરતનાટ્યમ, કુચીપુડી, મણિપુરી અને કથક) માં નિષ્ણાત અમરનાથ ઘોષે કુચીપુડી આર્ટ એકેડેમી અને કલાક્ષેત્ર કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ, ચેન્નાઈમાં અભ્યાસ કર્યો હતો, તેનો ઉછેર કોલકાતામાં થયો હતો.

એક્ટ્રેસ દેવોલીનાની પોસ્ટ અનુસાર, અમરનાથ ઘોષ તેમના પરિવારમાં એકમાત્ર સંતાન હતા અને તેની માતાનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું, જ્યારે બાળપણમાં તેણે પિતા ગુમાવ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હોય. છેલ્લા એક મહિનામાં જ ભારતીય વિદ્યાર્થીઓની હત્યાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે અને મોટા ભાગના કેસમાં આરોપીઓની ધરપકડ પણ થઈ નથી.

Shah Jina