આ ભારતીય પટેલ કેવી રીતે બન્યો અમેરિકાનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ, 80 લાખ રૂપિયા મળશે, શોધી લાવો આને

એક ઝાટકે તમને મળશે 80 લાખ રૂપિયા, આ પટેલને શોધી લાવો, બહુ મોટા મોટા કાંડ કર્યા છે અમેરિકામાં

ભારતમાંથી દર વર્ષે હજારો લોકો અમેરિકાનો રુખ કરે છે, તરક્કીની તલાશમાં અને સારા જીવનની તલાશમાં.. આવી જ રીતે ગુજરાતના અમદાવાદના વીરમગામમાં જન્મેલ ભદ્રેશકુમાર પટેલને પણ એક દિવસ અમેરિકા જવાની ઇચ્છા થઇ. 2015માં પલક પટેલ નામની યુવતિ સાથે લગ્ન બાદ બંને પતિ-પત્ની અમેરિકા પહોંચી ગયા અને ડંકિન ડોનટ નામના એક રેસ્ટોરન્ટમાં કામ કરવા લાગ્યા. 12 એપ્રિલ 2015ની વાત છે. ડંકિન ડોનટની આવી જ એક દુકાન પર મોડી રાત્રે ગ્રાહકો એકઠા થઈ રહ્યા હતા. પરંતુ દુકાનમાં તેમની સેવા કરવા માટે કોઈ નહોતું. યોગાનુયોગ એ જ સમયે એક પોલીસકર્મી દુકાન પાસેથી પસાર થઈ રહ્યો હતો.

દુકાનમાં ભીડ જોઈને તેણે પૂછ્યું તો તેને ખબર પડી કે લાંબા સમયથી દુકાન પર નજર રાખવાવાળું કોઈ નથી, ત્યારે તેણે અંદર જઈને તપાસ કરી તો રસોડાની નજીક તેણે એક મહિલાની લાશ લોહીના ખાબોચિયામાં પડેલી જોઈ. આ પલક પટેલની ડેડ બોડી હતી. પલકની હત્યા કોણે કરી ? આ જાણવા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી. સૌથી પહેલા દુકાનમાં હાજર સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા. ફૂટેજમાં પલકનો પતિ ભદ્રેશ દુકાનમાંથી બહાર નીકળતો જોવા મળ્યો.

ફૂટેજમાં બીજું કોઈ દેખાતું ન હોવાથી પોલીસને ભદ્રેશ પર શંકા ગઈ અને પોલિસે તેની શોધખોળ હાથ ધરી. પોલીસ પલક અને ભદ્રેશના સંબંધીઓને મળવા પહોંચી. પોલીસને અહીંથી જે ખબર પડી તેનાથી તેમની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ. સંબંધીઓએ જણાવ્યું કે બંને વચ્ચે ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. શરૂઆતમાં પલક અમેરિકા આવીને ખુશ હતી. પરંતુ તેને લાગ્યું કે થોડા મહિના પછી તે ભારત પરત ફરશે, બંનેના વિઝા પૂરા થવાના હતા પણ ભદ્રેશના ઇરાદા જુદા હતા. તેના વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ તે અમેરિકા છોડવા તૈયાર નહોતો.

આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતી હતી. અન્ય કેટલાક લોકોની પૂછપરછના આધારે પોલીસે સ્વીકાર્યું હતું કે હત્યાના દિવસે બંને વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી. જે બાદ ભદ્રેશે ગુસ્સામાં આવીને પત્નીની હત્યા કરી નાખી હતી. જો કે ભદ્રેશ હાથમાં આવશે ત્યારે જ આખી વાત જાણી શકાશે. પરંતુ તે હવામાં જાદુની જેમ ગાયબ થઈ ગયો હતો. તપાસ દરમિયાન પોલીસને એક કેબ ડ્રાઈવર મળ્યો હતો. ભદ્રેશનો ફોટો જોઈને તે તેને ઓળખી ગયો. હત્યા કર્યા બાદ ભદ્રેશ દુકાનેથી પોતાના ઘરે ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યાં તેણે કેટલીક વસ્તુઓ લીધી અને પછી ટેક્સી લઈને હોટેલમાં રહેવા ગયો. આ હોટેલ અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં એરપોર્ટ નજીક હતી. ટેક્સી ડ્રાઈવરે એ પણ જણાવ્યું કે ભદ્રેશ આખી મુસાફરી દરમિયાન ખૂબ જ શાંત હતો. તેનો ચહેરો જોઈને કોઈ કહી શકે નહીં કે તેણે હમણાં જ કોઇની હત્યા કરી છે. ન્યુ જર્સીની હોટલમાંથી મળેલા સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું છે કે ભદ્રેશ એક રાત હોટલમાં રોકાયો અને બીજા દિવસે સવારે તે હોટેલમાંથી નીકળી ગયો. 13 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે તે છેલ્લે રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો.

ભદ્રેશ ગુજરાતી સમુદાયમાંથી આવ્યો હોવાથી પોલીસે તેના પેમ્ફલેટ હિન્દી અને ગુજરાતી ભાષામાં છપાવીને બધે વહેંચ્યા હતા. ત્યારે બે વર્ષની મહેનત બાદ મામલો FBI સુધી પહોંચ્યો. અમેરિકામાં એફબીઆઈની ભૂમિકા ભારતમાં સીબીઆઈ જેવી જ છે. એફબીઆઈએ ભદ્રેશની મોટાપાયે શોધખોળ શરૂ કરી અને તેના પરિચિતના લોકો ક્યાં રહે છે તે પણ શોધ્યુ. ભદ્રેશના સંબંધીઓ અમેરિકાના અનેક રાજ્યોમાં રહેતા હતા અને કેનેડામાં પણ હતા. એફબીઆઈએ આ તમામ જગ્યાઓની તપાસ કરી પણ ભદ્રેશનો કોઈ સુરાગ મળ્યો નહિ. એક શંકા એ પણ ઊભી થઈ કે ભદ્રેશ કોઈ બીજા દેશમાં તો નથી ગયો. વિઝા એક્સપાયર થવાને કારણે તે કાયદેસર રીતે આવું કરી શક્યો ન હતો. પરંતુ હજુ પણ તે કેનેડા અથવા મેક્સિકો પહોંચે તેવી શક્યતા હતી.

તેને પકડવા માટે FBI પાસે એકમાત્ર વિકલ્પ બચ્યો હતો કે તેનું નામ મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરવું. 14 માર્ચ 1950ના રોજ એફબીઆઈએ પ્રથમ વખત તેની ટોપ મોસ્ટ વોન્ટેડ યાદી બહાર પાડી હતી અને ત્યારથી દર વર્ષે આ યાદી બહાર પાડવામાં આવે છે. આ યાદીમાં એવા ભયજનક નામો સામેલ હોય છે, જેમને પોલીસ લાંબા સમય બાદ પણ પકડી શકી નથી હોતી.આ યાદીમાં ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલનું નામ છે. ભદ્રેશકુમાર પટેલનું નામ વર્ષ 2023માં પણ 10 મોસ્ટ વોન્ટેડની યાદીમાં છે. FBI છેલ્લા 6 વર્ષથી તેને શોધી રહી હતી. એફબીઆઈની વેબસાઈટ પર જઈને કોઇ પણ ભદ્રેશને લગતી માહિતી FBIને મોકલી શકે છે અને જો ભદ્રેશ તે માહિતી સાથે પકડાય છે, તો 1 લાખ ડોલર એટલે કે લગભગ 80 લાખ રૂપિયા જેણે માહિતી આપી તેને આપવામાં આવશે.

Shah Jina