Nitin Desai Suicide: સિનેમા જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ મંગળવારે મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી. તેમણે મુંબઈ નજીક કરજતમાં તેમના એનડી સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઈ લીધો. તેમના મેનેજરે જણાવ્યું કે દેસાઈએ સવારે 3 વાગ્યે આત્મહત્યા કરી લીધી. તેમની ઉંમર 58 વર્ષની હતી. તેઓ તેમનો મોટાભાગનો સમય આ સ્ટુડિયોમાં વિતાવતા હતા.
મશહૂર આર્ટ ડાયરેક્ટરે કર્યો આપઘાત
નિતિને હમ દિલ દે ચૂકે સનમ, લગાન, દેવદાસ, જોધા અકબર અને પ્રેમ રતન ધન પાયો જેવી ઘણી ફિલ્મો માટે સેટ ડિઝાઇન કર્યા હતા. તેમને ચાર વખત શ્રેષ્ઠ કલા દિગ્દર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. નીતિનને ફિલ્મ ‘હિરશ્રંદ ફેક્ટરી’ માટે શ્રેષ્ઠ કલા નિર્દેશક તરીકે મહારાષ્ટ્ર રાજ્યનો ફિલ્મ પુરસ્કાર મળ્યો છે.છેલ્લી વાર તેમણે પાણીપત ફિલ્મ માટે કામ કર્યું હતું. મહારાષ્ટ્રના ધારાસભ્ય મહેશ બાલ્ડીએ જણાવ્યું કે તે આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા હતા અને આ તેમની આત્મહત્યાનું કારણ હોઈ શકે છે.
ઘણી ફિલ્મોના સેટ કરી ચૂક્યા છે ડિઝાઇન
નીતિન દેસાઇએ પોતાના કરિયરની શરૂઆત 1987માં ટીવી શો ‘તમસ’થી કરી હતી. તે એક જ સેટ પર 13 દિવસ અને 13 રાત રોકાયા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, તે સમયે જો તે 15 મિનિટ માટે ન્હાવા ગયા હોય તો પણ તેમને લાગતુ કે તે 15 મિનિટ વેડફી રહ્યા છે. નીતિન દેસાઈ હવે ભલે આ દુનિયામાં નથી, પરંતુ ભૂતકાળમાં તેમની સાથે જોડાયેલ એક વિવાદ ચર્ચામાં હતો.
આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યા હોવાની ચર્ચા
નીતિન પર મે મહિનામાં એક એડવર્ટાઈઝિંગ એજન્સીને રૂ. 51.7 લાખની છેતરપિંડી કરવાનો આરોપ છે. એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે નીતિન દેસાઈએ તેમને 3 મહિના સુધી સતત કામ કરાવ્યું પરંતુ પૈસા ચૂકવ્યા નહીં. નીતિને આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતુ કે આવો આક્ષેપ અગાઉ પણ અન્ય એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે.