વિદેશની ધરતી પર ફરી એકવાર ભારતીયોના મોત, ભારતીય મૂળના કપલ અને તેમના 4 વર્ષિય જુડવા બાળકોની મળી સંદિગ્ધ અવસ્થામાં લાશ

કેલિફોર્નિયામાં ભારતીય-અમેરિકી દંપતિ અને જુડવા પુત્રોની ઘરમાં મળી લાશ, પતિ-પત્નીને વાગી હતી ગોળી

ફરી એકવાર વિદેશમાંથી ભારતીયોના મોતની ખબર સામે આવી છે, અમેરિકાના કેલિફોર્નિયામાંથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા. ભારતીય મૂળનો એક પરિવાર શંકાસ્પદ હાલતમાં મૃત હાલતમાં મળી આવતા ચકચારી મચી ગઇ. મૃતકોની ઓળખ 42 વર્ષિય આનંદ સુજીત હેનરી, તેની 40 વર્ષિય પત્ની એલિસ પ્રિયંકા અને તેમના 4 વર્ષના જોડિયા બાળકો નૂહ અને નીથન તરીકે થઇ છે. પોલીસને આ વિશે ત્યારે જાણ થઈ જ્યારે પરિવારના કોઈ સંબંધીએ ઘરે ફોન કર્યો અને કોઈએ ફોનનો જવાબ ન આપ્યો.

ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, અને મૃતદેહોનો કબજો મેળવી પીએમ માટે મોકલી આપ્યો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક પરિવાર મૂળ કેરળનો હતો. પોલીસ હત્યા અને આત્મહત્યાના બંને એંગલથી કેસની તપાસ કરી રહી છે. મોત પાછળના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી. પોલીસ અનુસાર, પતિ-પત્નીનું બાથરૂમમાં ગોળી વાગવાથી મોત થયું હતું. સ્થળ પરથી 9 મિમિની પિસ્તોલ અને એક મેગઝીન પણ મળી આવ્યું હતું.

પ્રારંભિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે એર કંડિશનર અથવા હીટરમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક ​​થવાને કારણે મોત થયું હતું. પરંતુ પોલીસને ઘરમાં ગેસ લીકેજ કે ખામીયુક્ત ઉપકરણોના કોઈ પુરાવા મળ્યા નહિ. જણાવી દઇએ કે, આનંદ અને એલિસ બંને આઈટી સેક્ટરમાં કામ કરતા હતા અને છેલ્લા 9 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. આનંદ સોફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ સિનિયર વિશ્લેષક હતી. તેઓ બે વર્ષ પહેલા જ ન્યુ જર્સીથી સૈન મેટો કાઉન્ટીમાં રહેવા ગયા હતા.

કપલે વર્ષ 2020માં 17.42 કરોડનો બંગલો ખરીદ્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ, આનંદે ડિસેમ્બર 2016માં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટમાં અલગ થવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી ન હતી. આસ પાડોશના લોકોનું કહેવુ છે કે પતિ-પત્ની ખૂબ મિલનસાર હતા. સૈન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ભારતમાં તેમના પરિવારોના સંપર્કમાં છે અને તેમને કાંસુલર સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટના પર વાણિજ્ય દૂતાવાસે પણ શોક જતાવ્યો છે.

Shah Jina