યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા PM મોદી આવી ગયા એક્શન મોડમાં, લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય, જુઓ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઘણા ભારતીય વિધાર્થીઓ અને સામાન્ય લોકો યુક્રેનમાં ફસાઈ ગયા છે. ત્યારે હવે ભારતીયોને દેશમાં પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા મિશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે મોદી સરકારે જોરદાર તૈયારીઓ કરી છે.

ત્યારે હવે જેમ બને તેમાં ભારતીય લોકોને યુક્રેનમાંથી વહેલી તકે પરત લાવી શકાય તે માટે થઈને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મિશનને સફળ બનાવવા માટે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવશે. એવી માહિતી આપવામાં આવી છે કે ઓપરેશન ગંગા હેઠળ ભારતીય નાગરિકોના સ્થળાંતરના પ્રયાસોને વધુ વેગ આપવા માટે, વડા પ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાને પણ આ ઓપરેશનમાં જોડાવા માટે કહ્યું છે.

(પ્રતીકાત્મક તસવીર)

વાયુસેનાના વિમાનોના ઉમેરા સાથે ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તેમની સંખ્યામાં પણ વધારો થશે. આ સાથે જ ભારતથી મોકલવામાં આવતી રાહત સામગ્રી પણ ઝડપથી પહોંચશે. ઓપરેશન ગંગા હેઠળ ભારતીય વાયુસેનાના કેટલાય C-17 વિમાનો આજે ઉડાન ભરવાનું શરૂ કરી શકે છે.

અત્યાર સુધી ભારતનું બચાવ મિશન એર ઈન્ડિયા દ્વારા ચલાવવામાં આવતું હતું. આના દ્વારા યુક્રેનમાં ફસાયેલા અનેક ભારતીયોની વાપસી શક્ય બની છે. પરંતુ હવે યુક્રેનની સ્થિતિ દરેક પસાર થતા દિવસે બગડી રહી છે. ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા પણ ખતરામાં આવી ગઈ છે. ઘણા વિદ્યાર્થીઓ બંકરોમાં રહેવા મજબૂર છે.  આવી સ્થિતિમાં સમયસર તમામને ત્યાંથી બહાર કાઢવા જરૂરી બની ગયા છે. આ કારણોસર હવે આ મહત્વની કામગીરી એરફોર્સને આપવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બચાવ મિશનમાં એરફોર્સના સી-17 એરક્રાફ્ટ મોટી ભૂમિકા ભજવી શકે છે.

જો કે, આ પહેલીવાર નથી જ્યારે મુશ્કેલ સમયમાં બચાવ માટે એરફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. અગાઉ, જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાન કબજે કરવા જઈ રહ્યા હતા, ત્યારે પણ વાયુસેનાએ બચાવ અભિયાન દરમિયાન સક્રિય ભૂમિકા ભજવી હતી. કોરોના કાળમાં પણ ઓક્સિજનથી લઈને તબીબી સંસાધનોની વ્યવસ્થા એરફોર્સના વિમાનો દ્વારા કરવામાં આવી હતી. આ શ્રેણીમાં હવે પીએમ મોદીએ યુક્રેન મિશનમાં એરફોર્સની મદદ પણ માંગી છે.

Niraj Patel