જમવાનું થશે મોંઘું, મહિનાના પહેલા દિવસે જ LPG ગેસના ભાવમાં થયો તોતિંગ વધારો

ઓક્ટોબરના પહેલા દિવસે પેટ્રોલિયમ કંપનીઓએ મોંઘવારીનો ઝટકો આપ્યો છે. કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે. તેના કારણે રેસ્ટોરાં, ઢાબા વગેરેમાં ભોજન મોંઘુ થઈ શકે છે.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1736.5 રૂપિયા થઇ ગઈ છે. પહેલા તે 1693 રૂપિયા હતી. જોકે, ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ન કરીને થોડી રાહત આપવામાં આવી છે.

કોલકાતામાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1805.5 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 1770.5 રૂપિયા હતી. નોંધનીય છે કે પેટ્રોલિયમ કંપનીઓ દર 15 દિવસે LPG સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરે છે.

રાંધણ ગેસમાં રાહત : અગાઉ 1 સપ્ટેમ્બરના રોજ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત વધારીને 884.50 રૂપિયા કરવામાં આવી હતી. આ મહિને આ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય લોકો માટે આ થોડી રાહતની વાત છે.

CNGના ભાવમાં પણ વધારો થવાની સંભાવના : આ અગાઉ, ગુરુવારે સાંજે સરકારે કુદરતી ગેસના ભાવમાં 62 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. કુદરતી ગેસનો ઉપયોગ ખાતર, વીજ ઉત્પાદન અને CNG ગેસ તૈયાર કરવા માટે થાય છે. આ નિર્ણય બાદ સીએનજી, પીએનજી અને ખાતરના ભાવમાં પણ વધારો થવાની ધારણા છે.

નેચરલ ગેસના ભાવમાં વધારો : એપ્રિલ 2019 પછી ભાવમાં આ પ્રથમ વધારો છે. પ્રમાણભૂત ગણાતા આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થવાને કારણે ગેસના ભાવમાં વધારો થયો છે. એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) એ કહ્યું છે કે જાહેર ક્ષેત્રની ઓઇલ અને નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) જેવી કંપનીઓને નામાકંન આધાર પર ફાળવેલ ક્ષેત્રોમાંથી ઉત્પાદિત કુદરતી ગેસની કિંમત 1 ઓક્ટોબરથી છ મહિના સુધી 2.90 ડોલર પ્રતિ 1 મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ્સ (mmBtu) રહેશે.

 

YC