ઝારખંડના ખુંટીમાં શ્રદ્ધા મર્ડર કેસ જેવી જ એક ભયાનક ઘટના સામે આવી છે. જેમાં, બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના 50 ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્વાન યુવતીના શરીરનો ભાગો ખાઈ રહ્યો હતો. બોયફ્રેન્ડે આ હત્યા એટલા માટે કરી કારણ કે તે અન્ય યુવતી સાથેના તેના સંબંધોનો ગર્લફ્રેન્ડ વિરોધ કરી રહી હતી. શું છે સમગ્ર મામલો જાણો.
આ ઘટના ખુંટીના જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવાન પંજ ટોંગરીની છે. પોલીસને 24 નવેમ્બરના રોજ યુવતીના શરીરના કેટલાક ટુકડા, તેનું ફાટેલું આધાર કાર્ડ અને બેંક પાસબુક મળી આવી હતી. આ પછી યુવતીની ઓળખ થઈ હતી. જ્યારે પોલીસે ગ્રામજનોની પૂછપરછ શરૂ કરી તો તેમને યુવતીના પ્રેમી વિશે ખબર પડી. પોલીસે 26 નવેમ્બરે પ્રેમીની કડક પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને સમગ્ર ઘટના જણાવી હતી.
આરોપી નરેશ ભંગરાએ જણાવ્યું કે, તેની ગર્લફ્રેન્ડ ગાંગી સિવાય તે અન્ય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ગર્લફ્રેન્ડને આ વાતની જાણ થતાં કહ્યું કે,જ્યારે તું બીજી છોકરી સાથે રહે છે તો મને મારા ગામ માલગો જવા દે. તેમજ મેં આપેલા પૈસા મને પાછા આપી દે. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આરોપીએ ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી. પોલીસે આરોપી નરેશ ભંગરાની ધરપકડ કરી છે.
નરેશ ભંગરા બેંગલુરુમાં ચિકન શોપમાં કામ કરતો હતો. ત્યાં મરઘીઓના ટુકડા કરતો હતો. તેથી મૃતદેહના ટુકડા કરવામાં તેને કોઈ સંકોચ નહોતો. મૃતકની ઓળખ ગંગી કુમારી ઉંમર 24 વર્ષ તરીકે થઈ છે, જે માલગો જાત્રા ટોલી, લપુંગની રહેવાસી છે. યુવતીના ગામમાં નરેશના મામાનું ઘર હતું. મામાના ઘરે આવતા-જતાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. બંનેને એક પુત્ર પણ છે. દોઢ વર્ષ સાથે રહ્યાં પછી ગાંગી કામ માટે તમિલનાડુના ત્રિપુરા ગઈ અને નરેશે બેંગલુરુમાં કામ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન નરેશને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
યુવતીનું દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી
પોલીસના જણાવ્યા અનુસાર, હત્યા પહેલા પ્રેમીએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તે પછી તેણે દુપટ્ટા વડે યુવતીનું ગળું દબાવી દીધું. મૃત્યુ બાદ તેણે લાશના 50 ટુકડા કરી નાખ્યા અને ઘરથી 500 મીટર દૂર જંગલમાં ફેંકી દીધા.પોલીસને હજુ સુધી શરીરનો સંપૂર્ણ ભાગ મળ્યો નથી. હાલ યુવતીનું માથું, બે હાથનાં હાડકાં અને વાળ મળી આવ્યા છે. પોલીસે આરોપી બોયફ્રેન્ડની ધરપકડ કરી છે.