આપણા તહેવારો કૌશલ બારડ

દેવ દિવાળીમાં તુલસીના છોડ પાસે જઈ આટલું જરૂર કરજો, થશે લાભોલાભ અને મળશે દરેક પાપોથી મુક્તિ

રાવણનો વધ કરીને ભગવાન રામ અને માતા સીતા અયોધ્યા પધાર્યાં એ ખુશીમાં ધરતીલોકનાં મનુષ્યોએ પર્વ ઉજવ્યું એ ‘દિવાળી’ અને શિવજીએ ત્રિપુરાસુર નામના દૈત્યને રોળીને ત્રણે ભુવનને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યાં, પરિણામે દેવોએ જે પર્વ ઉજવ્યું એ ‘દેવ દિવાળી’!

Image Source

દિવાળી પછી પંદર દિવસે અર્થાત્ કારતક મહિનાની પૂનમના દિવસે આવતું પર્વ એટલે દેવ દિવાળી. આ દિવાળીનું મહત્ત્વ પણ આસો વદ અમાસની દિવાળી કરતા લગીરે ઓછું નથી. દિવાળીનું મહાપર્વ એક રીતે તો દેવદિવાળી બાદ જ વિદાય લે છે એમ કહેવું અજૂગતું નથી. તુલસીવિવાહથી માંડીને લગ્નોત્સવનો ઉમળકો આ તહેવારમાં રહેલો છે. દેવ દિવાળીનાં પર્વે અમુક એવાં નાનકડાં કાર્યો અહીં જણાવ્યાં છે, જેનાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં બરકત આવે. દિવાળી સુધરી, હવે દેવ દિવાળી પણ સુધારવી હોય તો આ વાંચી લેજો:

Image Source

તુલસીમાતાનું પૂજન કરો:
દેવદિવાળીના દિવસે તુલસીના છોડનું પૂજન કરવું આવશ્યક છે. તુલસીવિવાહનું આ પર્વ હોઈ તુલસીમાતાને વંદન તો કરવા જ રહ્યાં. આપણી સંસ્કૃતિઅ તુલસીના છોડને કદી ખાલી છોડ ગણ્યો નથી. એમાં સાક્ષાત્ લક્ષ્મીનો વાસ જોયો છે. સવારના પહોરમાં વહેલા ઉઠી, સ્નાનાદિ કર્મથી પરવારી તુલસીના છોડ નીચે દીપ પ્રગટાવવો. છોડની પૂર્વ દિશા તરફ દિવો રહે તો ઉત્તમ. કળશથી પાણી રેડીને માતાને વંદન કરવું.

Image Source

મોડા ઉઠવાની ભૂલ ના કરતા:
દેવ દિવાળીના દિવસે લોકો વહેલા ઉઠી, નદી-તળાવમાં સ્નાન કરીને દેવોનું આરાધન કરતા હોય છે. આજે નદી-સરોવરમાં સ્નાન કરવા જવાય તેમ નથી. તે છતાં, ઘરે વહેલા ઉઠીને સ્નાનકર્મ પતાવી લેવું. સૂર્ય ઉગે પછી ઉઠવું ઉચિત નથી. તુલસીપૂજન કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને પણ વંદન કરો. આજે જ શિવજીએ ત્રિપુરાસુરને હણ્યો હતો એટલે એમને પણ કેમ ભૂલાય?

Image Source

આટલી ચીજોથી દૂર રહો:
દિવાળીની જેમ દેવ દિવાળીને દિવસે પણ ઘરનાં બારણાંને તોરણ કે રંગોળીથી સજાવવું જરૂરી છે. આ પર્વના દિવસે તામસી ભોજનથી દૂર રહો. તામસી અર્થાત્ ગરમ પ્રકૃતિનું ભોજન, જેમ કે, ડૂંગળી, લસણ અને મટન ઇત્યાદિ. સ્વભાવને પણ તામસી ન થવા દો. ઠંડા રહો. ચહેરા પર અને મનમાં કડવાશ ન લાવો. ઈશ્વરની કૃપા ચાહતા હો તો આ ન ભૂલશો.

Image Source

દીપદાનનું મહત્ત્વ:
દિવાળીનું અને એ પછી દેવદિવાળીનું પર્વ આવે એટલે દીપ પ્રાગટ્ય તો થવાનું જ. અગાઉ તુસલીપૂજન સમયે તુલસીના છોડને ત્યાં દીવો કરવાનું કહ્યું છે તેમ અન્ય દીપ પણ પ્રગટાવવા જોઈએ. એનું સ્થાન બારણાં પાસે અથવા તો ‘ગોખલા’ઓમાં છે. દીપ પ્રાગટ્યથી સમૃદ્ધિ આવે છે. દેવતાઓ પ્રસન્ન થાય છે.

જેમ દિવાળીનું પર્વ ચાર દિવસ અગાઉથી શરૂ થાય છે તેમ દેવ દિવાળીનો તહેવાર પણ કારતક સુદ અગિયારસ અર્થાત્ ‘દેવઉઠી એકાદશી’થી શરૂ થાય છે. નિદ્રામાં પોઢેલાં દેવો તે દિવસથી જાગે છે. દેવદિવાળીનું વધારે મહત્ત્વ તો તુલસીવિવાહથી છે. વળી, ભગવાનને છપ્પન ભોગના અન્નકૂટ પણ વિવિધ મંદિરોમાં ધરવામાં આવે છે.