ગુજરાતમાં મેઘરાજાએ ઓગસ્ટ મહિનાના અંતમાં ક્યાંક કહેર વરસાવ્યો તો ક્યાંક મહેર વરસાવ્યો. ત્યારે હવે સપ્ટેમ્બર મહિનો શરૂ થઇ ગયો છે અને આ મહિનાનું પહેલું અઠવાડિયું કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી 40 ટકા વધારે વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બરમાં સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની આગાહી કરાઇ છે.
હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ કે, દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. 2 સપ્ટેમ્બરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ જ્યારે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
3 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી જ્યારે રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 4 સપ્ટેમ્બરે ગાંધીનગર, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે અનુસાર, 5 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ અંબાલાલે જણાવ્યુ કે, 2થી4 સપ્ટેમ્બરે હવામાનમાં પલટો આવશે અને પહેલી સિસ્ટમથી કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળશે. બીજા રાઉન્ડમાં 3થી10 સુધીમાં ગુજરાત ફરી તરબોળ થશે. ક્યાંક 2થી 8 ઈંચ જેટલો વરસાદ પણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા, આણંદ, મહેસાણા, અમદાવાદમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જ્યાં વરસાદ ઓછો પડ્યો છે, તેવા ભાગોમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જ્યારે કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ થવાની સંભાવના છે.