ગુલમર્ગ: પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું દુનિયાનું સૌથી મોટું બરફથી બનેલું ઈગ્લુ કાફે, અંદરની તસવીરો જોઈને તમને પણ ત્યાં જવાની ઈચ્છા થઇ જશે

શિયાળાની ઋતુ પ્રવાસીઓ માટે ખૂબ જ અનુકૂળ હોય છે. આ વખતે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ વધુ આકર્ષાયા છે. જમ્મુ-કાશ્મીરમાં પણ પર્યટકો મોટી સંખ્યામાં બરફથી ઢંકાયેલા પહાડોને જોવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે ગુલમર્ગમાં બનેલા અનોખા અને વિશ્વના સૌથી મોટા ઇગ્લૂ કેફેને જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે.

આ કાફેના માલિકોએ આ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવો પણ રજૂ કર્યો છે. ગુલમર્ગમાં સ્નૂગ્લુ એટલે કે આઈસ ઈગ્લૂ કાફે તૈયાર કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કેફે વિશ્વનું સૌથી મોટું ઇગ્લૂ કેફે છે અને સંપૂર્ણપણે બરફથી તૈયાર કરવામાં આવ્યું છે.

આ ઇગ્લૂ કાફે 38 ફૂટ ઊંચું અને 44 ફૂટ પહોળું છે. આ પહેલા વિશ્વના સૌથી મોટા ઇગ્લૂ કાફે હોવાનો રેકોર્ડ 2016માં સ્વિત્ઝર્લેન્ડના એક કાફે દ્વારા બનાવાયો હતો. તેની ઊંચાઈ 37.5 ફૂટ આપવામાં આવી છે, તેનો વ્યાસ 44.5 ફૂટ છે. તેના નિર્માતા સૈયદ વસીમ શાહ દાવો કરે છે કે તે વિશ્વમાં પોતાના પ્રકારનું સૌથી મોટું ઇગ્લૂ કાફે છે.

ચારેબાજુ બરફ છે અને વચમાં આવેલ ઇગ્લૂ કાફે પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. કાફેની અંદરના ટેબલ અને ખુરશીઓ પણ બરફમાંથી બનાવવામાં આવી છે. જે તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા ઈગ્લૂ કાફેમાં બેસીને પ્રવાસીઓ માત્ર આસપાસની સુંદરતા જ નથી જોઈ રહ્યા પરંતુ તેમનો થાક પણ દૂર કરી રહ્યા છે.

આ કાફેના નિર્માતા સૈયદ વસીમ શાહે કહ્યું, “મેં આ કોન્સેપ્ટ થોડા વર્ષો પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં જોયો હતો, જ્યાં તેમની પાસે આવી હોટેલ્સ છે. સૂવાની પણ સુવિધા છે. શાહના જણાવ્યા મુજબ, તેણે ગયા વર્ષે પણ એક ઇગ્લૂ કાફે બનાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે એશિયાનું સૌથી મોટું ઇગ્લૂ કાફે છે. આ ઈગ્લૂ કોલ્હાઈ ગ્રુપ ઓફ હોટેલ્સ એન્ડ રિસોર્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ આ જ જૂથે ગુલમર્ગમાં ઇગ્લૂ કાફે તૈયાર કર્યું હતું અને તેની ઊંચાઈ 12.5 ફૂટ અને વ્યાસ 22 ફૂટ હતી. ગયા વર્ષે બનાવવામાં આવેલ ઇગ્લૂ એક સમયે માત્ર 16 મહેમાનોને સમાવી શકે છે.

કોલ્હાઈ ગ્રીન ગુલમર્ગના જનરલ મેનેજર હમીદ મસૂદીએ જણાવ્યું કે અમે ગયા વર્ષે પણ ઈગ્લૂ કાફે તૈયાર કર્યો હતો. અમે આ વર્ષે પણ બનાવ્યું છે, પરંતુ તે અમે અગાઉ બનાવેલા ઇગ્લૂ કરતાં મોટું છે. સૈયદ વસીમ શાહના નેતૃત્વમાં 20 લોકોની ટીમે લગભગ બે મહિનામાં તેને તૈયાર કર્યું છે. તેને પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે.

ખુરશીઓ અને ટેબલ સહિતની દરેક વસ્તુ બરફમાંથી બનેલી છે. કોઈને બેસવામાં કોઈ તકલીફ ન પડે તે માટે ખુરશીઓ પર ઘેટાંના ચામડા મુકવામાં આવ્યા છે. અંદર કાશ્મીરની ઝલક આપવા માટે, કાશ્મીરી હસ્તકલા વસ્તુઓ, તાંબાના સમાવરને પણ શણગારવામાં આવ્યા છે. લોકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને ઘણા લોકોએ તેના માટે બુકિંગ પણ કરાવી દીધું છે.

મસૂદીએ કહ્યું કે મહેમાનો ઇગ્લૂમાં એક કલાક જ સમય પસાર કરી શકશે. તેમણે કહ્યું કે અમારું ઇગ્લૂ કેફે વિશ્વનું સૌથી મોટું ઇગ્લૂ કેફે છે, તે અમારો દાવો છે. અમે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. તેમણે કહ્યું કે ગુલમર્ગની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે તે આકર્ષણનું મોટું કેન્દ્ર છે.

Niraj Patel