દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

“આઈ લવ યુ મનીષા” – પોતાની પ્રાણથીય પ્યારી પત્નિનો ફોટો જુએ એને ચૂમે અને ભાવથી એને યાદ કરે!! અને એને એક ઊર્જા મળતી એક દિવ્ય બળ મળતું!!

નવલિકા :- “આઈ લવ યુ મનીષા- એક ડોકટરનું વચન”!!

અંતરિયાળ વિસ્તારમાં આજુબાજુના ત્રીસેક ગામમાં આ મેટરનિટી હોમ ખુબ જ જાણીતું હતું. ગામ ઠીક ઠીક કહી શકાય એવું મોટું હતું. ગામને છેવાડે રોડને અડીને આ મેટરનિટી હોમ આવેલું હતું. આમ તો કોઈ રહેણાંક ઘર જેવું જ દેખાતું હતું. રોડ પર મેટરનિટી હોમનો મેઈન દરવાજો પડતો હતો. દરવાજા ઉપર એક મોટું સાઈન બોર્ડ લટકતું હતું. એમાં લખેલું હતું.

મનીષા મેટરનિટી હોમ. ડો. તુષાર કે પટેલ (એમ ડી ગાયનેક)
લગભગ આઠ વરસ પહેલા આ મેટરનિટી હોમ ખૂલેલું. શરૂઆતમાં બહુ દર્દીઓ ના આવતા કારણકે સ્ત્રી રોગ નિષ્ણાંત પુરુષ હોય તો સ્ત્રીઓ આવા મેટરનિટી હોમમાં જવાનું ટાળતી.પણ ધીમે ધીમે ડોકટર તુષાર પટેલનું કામ જોઇને આજુબાજુના તમામ પ્રસુતિના કેઈસ આ દવાખાને આવવા લાગ્યા. ઘણા બધા કારણો આના માટે ગણાવી શકાય.. પણ મુખ્ય બે કારણો હતા કે એક તો તદન વાજબી ફી.. અને બીજું કે અત્યાર સુધીમાં એક પણ કેઈસ બગડ્યો નહોતો..ધીમે ધીમે લોકોમાં વિશ્વાસ વધવા લાગ્યો. ડોકટર તુષાર પટેલનું કામ જેટલું જડબેસલાક હતું એટલું જ એનું વ્યક્તિત્વ અને જીવન જડબેસલાક હતું. મીઠી બોલી અને મૃદુ સ્વભાવવાળો ડોકટર હોય એટલે દર્દીનો અર્ધો રોગ આપોઆપ જ જતો રહે છે.

ડોકટર પોતે એકલા રહેતા. મેટરનિટી હોમ ખાસું મોટું અને બે માળનું હતું. આમ તો મુંબઈ ગયેલા કોઈ વણિકનું ઘર જ તુષાર પટેલે ખરીદી લીધેલું. ચાર નર્સ અને બે કમ્પાઉન્ડરનો સ્ટાફ. ખૂણામાં આવેલ એક નાનકડી ઓરડીમાં ડોકટર સાહેબનું રહેઠાણ. ગામમાંથી એક વૃદ્ધ માજીને રાખેલા. સવાર સાંજ ડોકટરને રાંધીને ખવડાવી દે. બાકીનો સ્ટાફ પણ નજીકમાં જ રહેતો.પ્રસુતિના કેઈસો આવતા હોઈને મેટરનિટી હોમ ચોવીસ કલાક બારે માસ ખુલ્લું રહેતું હતું.
શરૂઆતમાં તો લોકોને કુતુહલ થતું કે ચાલીશ વરસની પાર પહોંચેલ આ ડોકટર એકલા કેમ રહેતા હશે?? એમને લગ્ન કર્યા હશે કે નહિ?? સારા સારા શહેર મુકીને આવા અંતરિયાળ વિસ્તારમાં શું કામ આવ્યા હશે.. કોઈ અડબાઉ અને ઊંટ વૈદ ડોકટર હોય તો બરાબર પણ આ તો એમ ડી ગાયનેક અને જશ રેખા પણ એવી જ કે અત્યાર સુધીમાં તમામ પ્રસુતિના કેઈસ સફળ જ થયેલા.. એક પણ પ્રસુતિ નિષ્ફળ ગઈ જ નહોતી..!! લોકો ઘણા પ્રશ્નો પૂછતા પણ ડોકટર કોઈ જવાબ નહોતા આપતા ફક્ત હસીને વાત ટાળી જ દેતા. પણ પછી લોકોએ પ્રશ્ન પૂછવાનું જ બંધ કરી દીધેલું. અમુક તો વળી કહેતા કે એનો ઈતિહાસ કે કુટુંબ જાણીને આપણે ક્યાં ડોકટરને વેવાઈ વેલા બનાવવા છે?? આપણને આજુબાજુના ત્રીસેક ગામમાં આવી સરસ સગવડતા મળી છે એ જ મોટી વાત છે.

તોય અમુક કદખળીયા એ તો તાલુકામાં અને જીલ્લામાં પોલીસ અને આરોગ્ય શાખામાં નનામી અરજીઓ પણ કરી કે ડોકટર અહી ભેદી અને ભૂગર્ભ પ્રવૃતિઓ કરી રહ્યો હોય એમ જણાય છે. આટલી નજીવી ફીમાં કોઈ આવું સેવા કાર્ય કરી શકે એ વાત માનવા એ કદખળીયા માનવા તૈયાર નહોતા.પોલીસ ખાતું અને આરોગ્ય અધિકારીઓ પણ આવી ગયા. બે ત્રણ વાર ઓચિંતી તપાસ પણ કરવામાં આવી. પરંતુ ડીગ્રીથી માંડીને ડોકટર સુધીનું બધું જ અસલી માલુમ પડ્યું એટલે મામલો ત્યાને ત્યાં શાંત થઇ ગયો. પછી મેટરનીટી હોમ ધમધમવા લાગ્યું.
લોકો હવે સો સો કિલોમીટર દુરથી પણ આવવા લાગ્યા. કારણ કે નામના જ એવી થઇ ગઈ હતી કે એક વખત પ્રસુતા જો ડો.તુષાર પટેલ પાસે એના દવાખાના માં પહોંચી જાય ને પછી માતા કે આવનાર બાળકને ઉની આંચ પણ ના આવે એ હકીકત છે!!

ઘણા શ્રીમંત લોકો પણ આવતા ડોકટરને કહેતા પણ ખરા કે.

“સાહેબ પીન્કીનું શરીર નબળું છે એ પ્રસુતિની પીડા સહન નહિ કરી શકે. તમે એમ કરો એને સીજેરિયન થી બાળકનો જન્મ કરાવજો. પિંકીને જરા પણ તકલીફ ના પડવી જોઈએ. એ તકલીફ સહન નથી કરી શક્તિ.” ડોકટર તુષાર એ દંપતીની સામે જુએ અને બોલે.
“જુઓ શ્રીમાન પ્રસુતિ હંમેશા સામાન્ય થાય એમાં જ સંતાન અને માતાનું ભવિષ્ય ઉજળું છે. અને સંતાન માટે પીડા ઉઠાવવી પડે તો એ પીડા નથી એ એક જાતનો આનંદ છે. પીડા ભોગવીને મેળવેલ માતૃત્વની એક અલગ જ ગરિમા હોય છે. સંતાન અને માતા પ્રત્યે એક અનન્ય લાગણી બંધાઈ જતી હોય છે આવું હું માનું છું બીજાની મને ખબર નથી. જ્યાં સુધી નોર્મલ ડીલીવરી શક્ય છે ત્યાં સુધી હું સીજેરિયન કરતો જ નથી એની તમને તો ખબર જ હશે ને!! તો ય તમે આ શા માટે પૂછો છો એ જ મને સમજાતું નથી. હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરું છું. એક ડોકટર તરીકે જો હું આટલું કરી શકતો હોવ તો એક માતા પિતા તરીકે તમારા અવતરનારા અંશ માટે સામાન્ય પીડા ભોગવવા માંગતા નથી?? કુદરતી રીતે બધું જ થવા દેવું જોઈએ. વગર કારણે આપણે કુદરતી ડીલીવરી પડતી મુકી છે ને એ ભવિષ્યના સમાજ માટે સારું નહિ હોય” અને પછી આવનાર દંપતીને દલીલનો કોઈ અવકાશ જ ન રહેતો!!

મનીષા મેટરનિટી હોમમાં નવ્વાણું ટકા ડીલેવરી નોર્મલ રીતે જ કરવામાં આવતી હતી.કોઈ રેર કિસ્સામાં નાં છુટકે ડોકટર સીજેરિયનનો સહારો લેતા હતા!!

બે દિવસ પહેલા જ એક દંપતી આવ્યું હતું. ડોકટર સાહેબ આગળ સ્ત્રીએ હાથ જોડ્યા હતા.
“ ડોકટર સાહેબ તમારું નામ સાંભળીને આવ્યા છીએ. મારી અગાઉ ત્રણ વખત કસુવાવડ થઇ ગઈ છે. મેં ખુબ ધ્યાન રાખ્યું છે. કોઈ એવી ચીજ વસ્તુ નથી ખાધી કે જેનાથી ગર્ભમાં રહેલા બાળક પર માઠી અસર થાય.. પણ તોય કસુવાવડ થાય છે. બસ દુરથી એટલા માટે જ આવ્યા છીએ કે આપની જશ રેખા ખુબ જ સારી છે..આપના દવાખાને આવેલી તમામ સ્ત્રીઓ હમેશા માતૃત્વ પામીને જ ગઈ છે.. તમે મારા માટે ભગવાન છો ડોકટર સાહેબ.. અત્યાર સુધી ઘણી જગ્યા એ રીપોર્ટ કરાવ્યા, એક આખી થેલી ભરાઈ જાય એટલા શરીરના ફોટા પણ પડાવ્યા છે.. પણ ક્યાં ખામી છે એ પકડાતી નથી, ઈ બધુય હું સાથે લાવી છું!!” એમ કહીને એ સ્ત્રીએ પોતાના તમામ રીપોર્ટસ ડોકટર આગળ મૂકી દીધા. ડોકટર તુષારે એ રીપોર્ટ ઉપલક નજરે જોયા ત્યાં સ્ત્રીનો પતિ બોલ્યો.

“ મારા મમ્મી હવે ઉતાવળા થાય છે. મારી પત્નીને સતત મહેણાં માર્યા કરે છે. સંતાન ન થાય તો એ કદાચ મારા બીજા લગ્ન પણ કરાવી દે.. મારી પત્નીનો કોઈ વાંક નથી એ હું જાણું છું.. હું એનો પક્ષ લઉં તો બાયડીનો ગુલામ છું એવું એ આખા સમાજમાં સાબિત કરી દે એમ છે.. હું તો બરાબરનો ફસાયો છું.. મા બાપથી જુદો રહું તો પણ સાંભળવાનું અને ભેગો રહું તો મારી પત્નીને સાંભળવાનું.. હું તો બરાબર કંટાળી ગયો છું.. બસ એક વખત સંતાન થઇ જાય તો ગંગ નાહ્યા.. આ માટે મેં આજુબાજુના કોઈ મંદિર માનતા વગરના બાકી નથી રાખ્યા.પણ દર વખતે શેઢે આવતા જ શિરામણ થઇ જાય છે!!” ડોકટર એની વાત સાંભળી રહ્યા વાત પરથી લાગ્યું કે ગામડાના કોઈ ખેડૂત છે સમાજમાં કદાચ એના કુટુંબનું નામ મોટું હશે એવું એની ભાષા પર થી લાગતું હતું!! છેવટે ડોકટર તુષાર બોલ્યા.
“ બાળકનો સલામત જન્મ થવો એ ભગવાનની કૃપા કહેવાય.. અમે ડોકટરો ભગવાનની કૃપાના વાહકો છીએ. અમે શ્રેષ્ઠ પ્રયત્ન કરીએ પણ એ પ્રયત્નને સફળ કે નિષ્ફળ બનાવવા એ તો ઈશ્વરના હાથની વાત છે. ઈશ્વરથી મોટું કોઈ નથી!! ઈશ્વર જ “ઈ” શ્વરને પૃથ્વી પર લાવી શકે!!”

દંપતીને બેડ ફાળવી દીધો. આમ તો પંદર દિવસની વાર હતી.પણ તોય પતિ કે પત્ની કોઈ જ જોખમ લેવા માંગતા નહોતા. અઠવાડિયા પછી જ સ્ત્રીને દુખાવો ઉપડયો. રાતના અઢી વાગ્યાનો સમય હશે. ડોકટરે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી. દંપતિના ચહેરા પર ખુશીના દોવડા સળગી ઉઠયા.!! એમને ઘરે જાણ કરી અને આખું કુટુંબ હરખના વધામણા દેવા દોડી આવ્યું. લગભગ વીસેક ફોર વ્હીલ્સ આવી.સહુ ડોકટરને અભિનંદન આપતા હતા. એમાં એક મોટા વેપારી જેવો લાગતો એક માણસ બોલ્યો.

“આટલી બધી આવડત છે તમારામાં તો અહી ખૂણામાં શું પડ્યા છો હાલો વરાછામાં તમારો ધંધો સાત ગણો જામી જશે. તમારા જેવા ડોકટરની જ વરાછામાં જરૂર છે”
“ અમે સેવા કાર્ય કરીએ છીએ. બિજનેશ નહિ મોટા ભાઈ, આ મેટરનિટી હોમ શરુ કરતા પહેલા ત્રણ માસ સુધી હું આખું ગુજરાત રખડ્યો છું. સહુથી વધારે જરૂર મને આ વિસ્તારમાં લાગી એટલે શરુ કરી દીધું અહી.. બાકી મારે હવે ક્યાય જવું નથી આપના સુચન બદલ આભાર!” ડોકટર વિનમ્રતાથી બોલ્યા.

દંપતી હોસ્પીટલમાંથી વિદાઈ લઇ રહ્યું હતું. પ્રસુતિની ફી નોર્મલ જ હતી. પણ તોય એ લોકો કશુક વધારે આપવા માંગતા હતા. ડોકટરે એમને એક મોટી પેટી બતાવી અને કહ્યું. જો તમારે વધારે આપવું હોય એ આ પેટીમાં નાંખી દો. તમારો આ પૈસો જરૂરિયાતમંદ દર્દીની સેવામાં વપરાશે!! છેલ્લે છેલ્લે સ્ત્રીએ બાળકને ડોકટરના ચરણોમાં મુકીને બોલી.

“તમે ડોકટર નથી તમે ભગવાન છો..!! તમે જ ભગવાન છો મારા માટે..!! તમે ડોકટર નથી ભગવાન છો..!! તમારે ત્યાં આવેલ કોઈ કેઈસ ક્યારેય બગડતા નથી” ડોકટર ના ના કરતા રહ્યા પણ તોય પેલી સ્ત્રી ડોકટરને પગે લાગીને જ રહી!! આ બન્યા પછી પોતાની કેબિનમ ડોકટર ઘણી વાર બેસી રહ્યા!! પણ પેલી સ્ત્રીના શબ્દો એમના કાનમાં ગુંજી રહ્યા હતા!!

“તમે ડોકટર નથી તમે ભગવાન છો.. તમે જ ભગવાન છો મારા માટે.. તમે ડોકટર નથી ભગવાન છો.. તમારે ત્યાં આવેલ કોઈ કેઈસ ક્યારેય બગડતા નથી” તમારે ત્યાં આવેલ કોઈ કેઈસ બગડતા નથી!!

અને ડોકટરની આંખમાં અચાનક આંસુ આવ્યા એમણે પોતાના ટેબલનું ડ્રોઅર ખોલ્યું એમાંથી એક તસ્વીર કાઢીને એની સામે જોયું અને બોલી ઉઠ્યા!!

“મનીષા આ લોકો મને હવે ભગવાન માની રહ્યા છે..મનીષા મારે ત્યાં આવેલ કેસ પણ બગડેલા છે..હું એને કેમ કરીને સમજાવું કે ભગવાને મારી સાથે કેવી મજાક કરી છે મનીષા.. કેમ કરીને સમજાવું કે અત્યારે હજારો પ્રસુતીઓ સફળતાપૂર્વક કરનાર આ ડોકટર પોતાની જ પત્નીની પ્રસુતિ સરખી નહોતો કરી શક્યો!! જીવનમાં એક માત્ર કેઈસ નિષ્ફળ રહ્યો હતો!! ડોકટર તુષાર પટેલ પોતાની પત્ની મનીષાની તસ્વીર સામે જોઈ રહ્યા અને પોતાના ભૂતકાળના એક પછી એક દ્રશ્યો તેની સામે આવવા લાગ્યા!!

ડોકટર તુષાર કાન્તીભાઈ પટેલ!!
એક ડોકટર પરિવારમાં જન્મેલ કાન્તીભાઈનું ત્રીજું સંતાન!! પિતાજી કાન્તીભાઈ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ ઓફિસર હતા. પોતાના બને ભાઈઓ મહેન્દ્ર અને નિશીથ પણ એમબીબીએસ કરીને પોતાની હોસ્પિટલ ચલાવતા હતા. તુષાર મેડીકલ કોલેજમાં દાખલ થયો. કોલેજની હોસ્ટેલમાં જમવાનું બરાબર ના ફાવ્યું એટલે હોસ્ટેલની સામે જ આવેલ એક લોજમાં એ જમવા જતો. એ લોજની માલિક ભવાનભાઈની દીકરી મનીષા સાથે જ એ પ્રેમમાં પડ્યો.આમ તો અંતર્મુખી જીવ કોઈની સાથે બહુ બોલે નહિ પણ મનીષા સાથે એને બરાબરનું ફાવી ગયેલ. મનીષા ના મમ્મી પાપા ને આ ડોકટર બરાબર ધ્યાન આવી ગયો. તુષારે ઘરે વાત કરી. કોઈને કશો જ વાંધો નહોતો.

એમબીબીએસ પૂરું કર્યા પછી તુષારે એમ ડી કર્યું અને પછી બને વિધિવત પરણી ગયા. બે વરસ પછી તુષારે એક નાનકડા શહેરમાં પોતાનું પ્રાઈવેટ મેટરનિટી હોમ શરુ કર્યું. સુખેથી સંસાર ચાલતો હતો. બે વરસ પછી મનીષા સગર્ભા બની. તુષાર રાજીના રેડ થઇ ગયો!! જયારે પહેલી વાર તુષારે મનીષાના મુખેથી શબ્દો સાંભળ્યા કે હું મા બનવાની છું ત્યારે તુષારે મનીષાને ઊંચકી લઈને ડ્રોઈંગરૂમમાં આંટા ફરવા લાગ્યો અને મનીષાના પેટ પર પોતાનું મોઢું લઇ જઈને બોલ્યો.

“સ્વાગત છે બેટા.. આ દુનિયામાં તને સત્કારવા માટે તારા મમ્મી પાપા આતુર છે બેટા વી આર વેઈટીંગ ફોર યુ ડીઅર વી આર ઇગર્લી વેઈટીંગ ફોર યુ!!

“શું ગાંડા કાઢો છો તમે!! મને નીચે ઉતારો મને ચક્કર આવે છે પ્લીઝ!!” મનીષા આટલું બોલી ત્યાં તો તુષારે એને નીચે ઉતારીને પોતાનો હરખ વ્યકત કરીને મનીષાને ચુંબનોથી નવરાવી દીધી હતી.
પછી તો તુષારનું સમગ્ર અસ્તિત્વ મનીષા માટે અને આવનાર બાળક માટે સમર્પિત થઇ ગયું હતું. એ દરેક બાબતે સાવધાની વર્તતો હતો. એ મનીષા માટે રામાયણ અને બીજા ધાર્મિક ગ્રંથો લઇ આવ્યો હતો અને મનીષાને કહેતો.

“ આમાંથી થોડું થોડું રોજ વાંચન કરવાનું મારા પિતાજી ભલે ડોકટર રહ્યા પણ અમારા ત્રણેય ભાઈઓના જન્મ પહેલા મારા મમ્મીને એ આવા સદગ્રંથો વંચાવતા અને એ પણ મોટેથી વાંચવાનું. મારા પિતાજી કહેતા બાળક ગર્ભમાં હોય ત્યારે એના કાનમાં આવા ગ્રંથોના વાક્યો પડવાથી બાળક જન્મે ને ત્યારે એક વારસાગત ધાર્મિક અને દિવ્ય ચેતના લઈને જન્મતું હોય છે. આપણે માનીએ છીએ કે બાળક ખાલી હાથે અવતરે છે પણ હકીકતમાં એવું નથી. બાળક જન્મે છે ત્યારે એની મુઠ્ઠીઓ વાળેલી હોય છે એમાં એ મા ના શરીરમાં નવ માસ રહ્યું હોય એ સંસ્કારો તેમજ પૂર્વેના સંસ્કારો લીને જન્મે છે. બસ પછી તો અહીનું વાતાવરણ એ સંસ્કારોનું જતન જ કરે છે. ભલેને બૌદ્ધિકો કે મેડીકલ સાયંસ આને ગપગોળા માને પરંતુ મારા પિતાજી આવું જ માનતા એટલે હું પણ આ માનું છું. તારે રોજે રોજ આમાંથી થોડું થોડું મોટેથી વાંચવાનું છે” એકાદ મહિના પછી તુષારની માતા રચના બહેન પણ મનીષાની સાર સંભાળ લેવા આવી ગયા.

ડીલીવરીની તારીખ નજીક આવી. મનીષાને પોતાની જ હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવી. તુષાર ખુબ જ હરખમાં હતો એના નજીકના ડોકટર મિત્રોએ ટકોર કરી.

“ તુષાર તું તારી જ પત્નીની ડીલીવરી જાતે જ કરવાનો છે. બીજા ઘણા ગાયનેક ડોકટર છે. તું તારી પત્નીની ડીલીવરી જાતે ન કર તો સારું.. આમેય આપણે ડોકટરો આપણા સહુથી અંગત વ્યક્તિઓના ઓપરેશન આપણે જાતે નથી કરતા. પારકી મા જ કાન વીંધે..એમ તું એ વખતે હાજર રહે પણ તું તારી જાતે જ તારી પત્નીની પ્રસુતિ કરાવે એ બરાબર નથી.”

“ અરે આમાં ક્યાં મોટી વાત છે અને આમાં ક્યાં ઓપરેશન કરવાનું છે. મનીષાના તમામ રીપોર્ટસ ગુડ નહિ પણ વેરી ગુડ છે અને એકદમ નોર્મલ ડીલીવરી છે. મારા થાકી ઘણા પ્રભુના અંશ આ દુનિયામાં અવતર્યા છે. અમારા બનેની સ્નેહની નિશાની એવા આવનાર બાળકનું સ્વાગત કરવા હું જ સહુ પ્રથમ હઈશ.. ડોન્ટ વરી યાર.. ઘણા કોમ્પ્લીકેટેડ કેઈસ પણ હું સફળતાપૂર્વક પાર પાડી શક્યો છું” મિત્રોની સમજાવટ છતાં ડોકટર તુષાર પોતાની વાતને વળગી રહ્યો હતો!!

પ્રસુતિનો સમય આવી ગયો. જરૂરી તમામ વ્યવસ્થા સાથે અંતરમાં ખુશીનો દરિયો ઘૂઘવતો હતોને તુષારે પોતાની પત્નીની ડીલીવરીની પ્રક્રિયા શરુ કરી!! પણ હાય રે નસીબ..!! બાળક મૃત જન્મ્યું.. કોઈ પણ એવા કારણો હતા નહિ.. બધું જ નોર્મલ હતું..કલાક પહેલા તો અંદર જીવંત બાળક હતું. ફક્ત ડીલીવરી વખતે જ બાળક મૃત જન્મ્યું!! એમ ડી ગાયનેક ગોલ્ડ મેડાલીસ્ટ ડો. તુષાર કે પટેલ કુદરતની સામે હારી ગયો હતો.. એ આઘાતમાં સરી પડ્યો. પોતાની પત્ની મનીષાના હાથમાં હાથ રાખીને ચોધાર આંસુએ રડતા રડતા તુષાર બોલ્યો!! “આઈ લવ યુ મનીષા!! આઈ એમ સોરી!! ઈશ્વરની ઈચ્છા આગળ આપણું શું ચાલે?” મનીષા પણ રડતી હતી.!! હોસ્પીટલમાં હાજર રહેલા તમામની આંખમાં આંસુઓ હતા!!
બીજા દિવસે મનીષાને ઘરે લઇ આવ્યા. એક જ રાતમાં મનીષા નંખાઈ ગઈ હતી.. એનું શરીર આખું લેવાઈ ગયું હતું.. રાતે મનીષાને સખ્ત તાવ આવ્યો.. ટ્રીટમેન્ટ શરુ થઇ.. સવાર સુધીમાં એમના મોટાભાઈઓ પણ પહોંચી ગયા. ગ્લુકોઝના બાટલા ચડી રહ્યા હતા મનીષાની બાજુમાં જ તુષાર આખી રાતથી બેઠેલો હતો..એનો એક હાથ હજુ મનીષાના હાથ સાથે જોડાયેલો હતો. બને પતિ પત્ની એક બીજા સામું જોઈ રહ્યા હતા. છેલ્લે મનીષા બોલી ધીમે રહીને

“આપણા ભાગ્યમાં સુખ નથી કોઈ વાંધો નહિ પણ મને એમ લાગે છે કદાચ હું નહિ બચું તો તમે આ વ્યવસાય છોડી દેશો એવું હું તમારી આંખમાં વાંચી શકું છું મને વચન આપો તુષાર કે તમે એવું નહિ કરો.. તમે તમારો આ વ્યવસાય જીવનભર ચાલુ રાખજો..ભલે મને માતૃત્વ ના મળ્યું પણ તુષાર તમારા હાથે હજારો સ્ત્રીઓ માતૃત્વ પામશે તુષાર!! કદાચ ગયા ભવના કોઈ કર્મને આધીન આ ભવમાં આપણને આ ફળ મળ્યું છે તુષાર પણ આવતો ભવ નથી બગાડવો..આવતા ભવે ફરીથી મળીશું તુષાર.. આ વખતના અધૂરા અરમાનો આવતા ભવે પુરા કરીશું.. બસ તમે તમારી સેવાઓ શરુ રાખજો. દુરના કોઈ અંતરિયાળ વિસ્તારમાં તમે માનવતાનું કાર્ય શરુ રાખજો.. આઈ લવ યુ તુષાર.. મારું વચન પાળજો તુષાર”!! આટલું કહીને મનીષાએ દેહ છોડી દીધો. કુદરતના કોપ આગળ એક ખીલેલું પુષ્પ અધવચ્ચે જ ખરી પડ્યું.!! અને ચોધાર આંસુએ પોક મુકીને રડતા રડતા ડો. તુષાર બોલી ઉઠ્યો.
“આઈ લવ યુ મનીષા!! આઈ લવ યુ મનીષા”!!! બધા જ રડી રહ્યા હતા.. જે ઘરમાં બાળક રડવાનું હતું અને બીજા બધા હસતા હસતા હરખની હેલી કરવાના હતા એ ઘરમાં બધા જ રડી રહ્યા હતા. ભારે મને મનીષાની અંતિમ યાત્રા નીકળી.

મનીષાના અવસાનના પંદર દિવસ પછી તુષારે પોતાના ભાઈઓને અને માતા- પિતા સમક્ષ વાત કરી.

“ પિતાજી દુરના કોઈ અંતરિયાળ વિસ્તારમાં હું “મનીષા મેટરનીટી હોમ” ખોલવા વિચારું છું. મનીષાની એ છેલ્લી ઈચ્છા હું પૂરી કરવા માંગુ છું..એની માતૃત્વની ઈચ્છા તો મારાથી ન પૂરી થઇ પણ આ ઈચ્છા તો જરૂર પૂરી કરવી જ છે.. જીવનમાં હવે દાકતરી વ્યવસાયમાં કમાવાની ઈચ્છા નથી..અને કોના માટે કમાવવું.. કદાચ તમે કહેશો કે બીજા લગ્ન કરી લે..સંસાર છે ચાલ્યા કરે એક મનીષાના જવાથી કોઈ આભ નથી તૂટી પડ્યું.. પણ કોઈ એક ના જવાથી ફેર તો પડે છે.. મનીષા નથી ગઈ મારું અસ્તિત્વ ગયું છે”

“કોઈ વાંધો નહિ અમે તારા નિર્ણયમાં આડા નહીં આવીએ..અમે બેય ભાઈઓ તારી મદદે છીએ અને રહી વાત બા બાપુજીની તો એની ચિંતા ન કર એ અમારી સાથે રહેશે..તારા આ સેવા યજ્ઞમાં કદાચ તારે ઘરના પૈસા નાંખવા પડે તો અમે બેય ભાઈઓ પુરા પાડીશું. પૈસાની ચિંતા ન કર મારા ભાઈ. તું તારા ધ્યેયમાં કામયાબ થા!!” તુષારના મોટા ભાઈઓ મહેન્દ્ર અને નિશીથ કહી રહ્યા હતા. અને માતા પિતાના આશીર્વાદ લઈને ડોકટર તુષાર કે પટેલે “મનીષા મેટરનિટી હોમ” ની સ્થાપના કરી હતી. અને લોકોની વાત સાચી હતી કે

“ આ ડોકટરની જશરેખા એટલી બળવાન છે કે અહી આવેલ પ્રસુતિનો એક પણ કેઈસ અત્યાર સુધીમાં બગડ્યો નથી”!!

“ ડોકટર સાહેબ ચાર નંબરના રૂમમાં પ્રસુતાને પીડા ઉપડી છે..જલ્દી આવો!!” પોતાની કેબીનના દરવાજા પાસે ઉભા રહીને એક નર્સ ડોકટર તુષાર પટેલને કહી રહી હતી.
ડોકટર પોતાના ભૂતકાળમાંથી પાછા આવ્યા. આંખો ખોલી અને બોલ્યા. તમે બધી વસ્તુ તૈયાર રાખો હું બે મીનીટમાં આવું છું. ડોકટર ઉભા થયા વોશ બેસિનમાં મોઢું ધોયું. સ્વસ્થ થયા. પોતાના ટેબલ પર આવ્યા.ઉપરનું ડ્રોઅર ખોલ્યું. એમાંથી મનીષાનો ફોટો કાઢ્યો. ફોટાને હળવેથી ચૂમ્યો. મનમાં બોલ્યા “આઈ લવ યુ મનીષા” પાછો ફોટો ડ્રોઅરમાં મુક્યો અને રૂમ નંબર ચાર તરફ ચાલી નીકળ્યા!!

ડોકટરનો આ નિત્ય ક્રમ હતો. જ્યારે જ્યારે એ પ્રસુતિ કરાવવા જાય ત્યારે પોતાની પ્રાણથીય પ્યારી પત્નિનો ફોટો જુએ. એને ચૂમે અને ભાવથી એને યાદ કરે!! અને એને એક ઊર્જા મળતી એક દિવ્ય બળ મળતું!! અને કદાચ એને જ કારણે લોકો વારંવાર કહેતા હતા!!

“એક વખત પ્રસુતા જો ડો.તુષાર પટેલ પાસે એના દવાખાના માં પહોંચી જાય ને પછી માતા કે આવનાર બાળકને ઉની આંચ પણ ના આવે એ હકીકત છે!!”

જીવનમાં ઘણા માણસો એવા પણ હોય છે કે પોતાને જે સુખ નથી મળ્યું એવું સુખ એ હજારો લોકોને વહેંચતા હોય છે!! માણસને જીવવા માટે ઘણા પરિબળોની જરૂર પડતી હોય છે પણ ક્યારેક કોઈનો સ્નેહ કે આપેલું વચનના કારણે માણસ આખી જિંદગી જીવી જતો હોય છે!!

અને સહુથી મહત્વની વાત તમારી આવડત કે કાબિલિયતથી તમે હજારો માણસોને સુખી કરી શકો છો પણ તમારા પોતાના સુખ માટે તો તમારે ભાગ્ય કે ઈશ્વર પર જ આધાર રાખવો પડતો હોય છે!!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ . “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ., મુ.પો ઢસા ગામ તા.ગઢડા જી બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks