વોર્ડન અને શિક્ષકના ત્રાસથી 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ અડધી રાત્રે ક્લાસરૂમમાં જઈને ફાંસીના ફંદે લટકીને જીવન ટૂંકાવ્યું

“હું હવે આ સહન કરી શકતો નથી મમ્મી. તેથી જ હું આ ખોટું કામ કરી રહ્યો છું, મને માફ કરજો…” સુસાઇટ નોટ લખીને 11માં ધોરણના વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં જ મોતને વહાલું કર્યું…

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા મામલાઓ રોજ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા ચોંકાવનારા પણ હોય છે, કોઈ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવી લેતું હોય છે તો કોઈ આર્થિક તંગીમાં સપડાઈને પોતાના જીવનનો અંત આણી દેતું હોય છે. તો ઘણીવાર પ્રેમ પ્રસંગોને લઈને પણ ઘણા લોકો આપઘાત જેવા ભયાનક પગલાં પણ ભરી લેતા હોય છે.

ત્યારે ઘણા વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં નાકામ થવાના કારણે કે સ્કૂલમાં શિક્ષક દ્વારા પ્રતાડિત થવાના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. જેનો તાજો જ મામલો હાલ હૈદરાબાદમાંથી સામે આવ્યો છે. જ્યાં ગત મંગળવારે 11મા ધોરણના વિદ્યાર્થીએ ક્લાસમાં જ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસને 16 વર્ષના છોકરાએ કથિત રીતે લખેલી એક સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં તેણે પ્રિન્સિપાલ અને કેટલાક ટીચિંગ ફેકલ્ટી પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે જણાવ્યું કે મૃતક વિદ્યાર્થી સાત્વિક નરસિંઘીની શ્રી ચૈતન્ય જુનિયર કોલેજમાં અભ્યાસ કરતો હતો અને કોલેજની હોસ્ટેલમાં રહેતો હતો. રોજની જેમ રાત્રે 10 વાગ્યે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જતા હતા ત્યારે જ તેમને ખબર પડી કે સાત્વિક ત્યાં નથી. જ્યારે તેના મિત્રોને ખબર પડી ત્યારે તે તેના રૂમમાં પણ નહોતો. ત્યારે જ શોધખોળ દરમિયાન તેમને સાત્વિકની લાશ ક્લાસરૂમમાં લટકતી જોવા મળી હતી. તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

વિદ્યાર્થીના પરિવારને ખબર પડી કે આપઘાત કરતા પહેલા વિદ્યાર્થીએ સાંજે તેના પિતાને કહ્યું હતું કે તે કોલેજમાં ખૂબ જ તણાવ અને પરેશાન અનુભવે છે. છોકરાએ ખૂબ જ દબાણ હોવાનું કહીને રડતી વખતે મદદ માટે વિનંતી કરી. તે એક વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા કોલેજમાં જોડાયો હતો. મૃતક છોકરાના મોટા ભાઈએ મીડિયાને જણાવ્યું કે એક શિક્ષક તેના ભાઈને સતત મારતો હતો.

બીજી તરફ પિતાએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મંગળવારે સાંજે તેઓ તેમના પુત્રને કોલેજની હોસ્ટેલમાં મળ્યા હતા, તેમની સાથે વાત કરી હતી અને પુત્રને ત્વચાની એલર્જી હોવાથી કેટલીક દવાઓ આપી હતી. તે સમયે તેના પુત્રએ જણાવ્યું કે સારી રીતે અભ્યાસ ન કરવાને કારણે તેને બે શિક્ષકો અને એક વોર્ડન દ્વારા માર મારવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ પુત્રને સારું ભણવાનું કહીને તે ત્યાંથી ચાલ્યા ગયા હતા. થોડા કલાકો બાદ વિદ્યાર્થીની આત્મહત્યાના સમાચાર આવ્યા.

પોલીસને તપાસમાં એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. તેમાં તેણે લખ્યું છે કે, “હું હવે આ સહન કરી શકતો નથી મમ્મી. તેથી જ હું આ ખોટું કામ કરી રહ્યો છું, મને માફ કરજો. હું જે પીડામાંથી પસાર થઈ રહ્યો છું તેમાંથી કોઈએ પસાર થવું ન જોઈએ. દોષિતોને સજા કરો…” નોટમાં તેણે તેના માતા-પિતા, મોટા ભાઈ અને મિત્રોની માફી માંગી છે.

Niraj Patel