ગોંડલમાં પત્નીની હત્યા કરીને પતિએ રાજકોટમાં જઈ ટ્રેન નીચે ઝંપલાવીને મોતને વહાલું કર્યું, હજુ તો લગ્નને ચાર મહિના જ થયા હતા… જાણો સમગ્ર મામલો

Husband commits suicide after killing wife in Rajkot : ગુજરાતમાં આપઘાત અને હત્યાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. કોઈની અંગત અદાવતમાં તો કોઈની પ્રેમ સંબંધો કે પતિ પત્નીના ઝઘડાઓના કારણે પણ હત્યા થઇ જતી હોવાનું સામે આવતું હોય છે. ત્યારે હાલ એક હત્યાના મામલાએ લોકોના રૂંવાડા ઉભા કરી દીધા છે. એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેનની નીચે કૂદીને મોતને વહાલું કરી લેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચારી મચાવી દીધી છે.

ગોંડલમાં થઇ પત્નીની હત્યા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ગાયકવાડી વિસ્તાર નજીક અવાયેલા કીટીપરામાં રહેતું એક દંપતી છેલ્લા થોડા દિવસથી લાપતા હતું. જેના બાદ પત્નીની લાશ ગોંડલના જામવાડી નજીક મળી આવી હતી.  જેમાં સામે આવ્યું હતું કે પત્નીની હત્યા કરવામાં આવી છે, પરંતુ ગતરોજ રાજકોટ પાસે તેના પતિએ પણ ટ્રેન નીચે ઝંપલાવીને મોતને વહાલું કરી લીધું હતું. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે તપાસ કરતા પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જઈને પતિએ કર્યો આપઘાત :

ત્યારે પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે પત્નીની હત્યા પતિ દ્વારા નહિ પરંતુ ત્રાહિત વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે જેને લઈને પણ ગોંડલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર ગાયકવાડી શેરી નં. 7માં રહેતા 20 વર્ષીય રવિ વઢવાણીયા ના લગ્ન ચાર મહિના પહેલા જ કુબલીયાપરામાં રહેતી સોનલ સાથે થયા હતા.  રવિ માનસિક રીતે બીમાર હતો અને તેની દવા પણ ચાલુ હતી. ગત સોમવારના રોજ તે દવા લેવાના બહાને ઘરેથી નીકળ્યો હતો અને તેની પત્ની સોનલ પણ તેની સાથે જ હતી.

પોલીસે શરૂ કરી તપાસ :

જેના બાદ બંને લાપતા થઇ ગયા હતા. આ ઘટનાના બીજા દિવસે જ એટલે કે 28 નવેમ્બરના રોજ સવારે સોનલની ગોંડલના જામવાડી પાસેથી ગળા અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેના બાદ રવિએ પણ પીડીએમ ફાટક પાસે રેલવે ટ્રેક પર ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.  જેની માલવીયાનગર પોલીસે રવીના પરિવારજનોને જાણ કરી હતી. આ દરમિયાન પરિવારજનોને અન્ય એક યુવતીની લાશ મળી હોવાની જાણ થતા પોસ્ટમોર્ટમ રમ ખાતે દોડી ગયા અને તે લાશ સોનલની લાશ હોવાનું સામે આવ્યું હતું.

પરિવારને ત્રાહિત વ્યક્તિ પર શંકા :

ત્યારે આ મામલે પોલીસ પણ તપાસ કરી રહી હતી, એ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે રવિ અને સોનલ 27 નવેમ્બરના રોજ રાત્રે ગોંડલ બસ સ્ટેન્ડ પર ઉતરતા હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યા હતા. જ્યાંથી બંને ચાલીને સાડા ચાર કિમિ દૂર જામવાડી પાસે પહોંચ્યા હોવાનો પણ પુરાવા મળ્યા હતા. જેના બાદ પોલીસને આશંકા છે કે રવિએ જ પત્નીની હત્યા કર્યા બાદ રાજકોટ જઈને આપઘાત કરી લીધો છે. ત્યારે પરિવારને ત્રાહિત વ્યક્તિ પર શંકા હોવાના કારણે હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે.

Niraj Patel