લેખકની કલમે

“હું તો ઓળખું છું ને, આ મારી મા છે…!!!” – આવા પણ દીકરાઓ હોય છે જે પોતાની મા ને જ ઈશ્વર ગણી પોતાનું જીવન ધન્ય સમજે છે ….

  • “ધન્ય બનું તારી સેવાથી, ઓ મારી માવલડી.
  • સેવા તારી મેં કરી, એજ મારી છે ધન્ય ઘડી.
  • બદલો પ્રભુ આપે છે, માત પિતાની સેવાનો,
  • પ્રાર્થના પણ એ લોકની, જાય છે ત્યારે ફળી…”
    – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

પિસ્તાળીશ વર્ષ વટાવી ચૂકેલ એ દંપતી આજે ફરી એક વાર કુટુંબમાં આ વખતે કદાચ દીકરો અવતરશે એવા શુભ આશયે રાજીના રેડ હતો. જ્યારથી ઘરની એ બાઈને સારા દિવસો રહ્યા એ સમાચાર ઘરના બાકીના સભ્યો ને મળ્યા ત્યારથી એ બાઈ ની એટલી બધી તકેદારી રાખવામાં આવતી જેમ કોઈ નાના બાળકને ઉછેરવામાં રાખવામાં આવે. એ બાઈ ખુદ પણ પોતાનું એટલુ જ ધ્યાન રાખતી હતી. કારણ કુટુંબને એક વરસ જે આપવાનો હતો… એ દંપતી વાંઝિયા હતા એવું ન હતું. અંબા જગદંબા જેવી ત્રણ દીકરીઓ એમના આંગણે રમતી હતી. અને દીકરીઓના ઉછેરવામાં પણ કોઈ કસર એમને રાખી ન હતી. દીકરીઓ માંગતા ભૂલે એટલા લાડકોડ એ દંપતીએ એમના પુરા કર્યા હતા. છતાં પણ એ આખરે તો હતા માણસ ને તો ભગવાન પાસે એક દીકરાની અપેક્ષા રાખે એમાં ખોટું પણ કંઈ ન હતું.
કદાચ બીજું કોઈ હોય તો વધુમાં વધુ એક દીકરી પછી જો ડોકટર બીજી વાર પણ કોખમાં દીકરી છે એવું કહે તો તરત એ પતિ પત્ની મા ની કૂખ નેજ દીકરીનું સ્મશાન બનાવી દે…પણ આ દંપતી માટે દીકરીઓ કોઈ બોજ ન હતી એમને આંગણે એક નહિ પણ ત્રણ ત્રણ દીકરીઓ ઘર શોભાવતી હતી.
હવે આ ચોથી વખત બાઈ ને સુવાવડનો પ્રસંગ આવ્યો. અને જાણે ભગવાન પણ એમની ધીરજ અને માનવતાની કસોટી કરતો હોય એમ આ વખતે પણ બાઈ એ દેવી જેવી ચોથી દીકરીને જન્મ આપ્યો. દંપતીની એક આંખ માં દીકરી જન્મની ખુશીના આંસુ હતા તો બીજી આંખમાં આ વખતે પણ પ્રભુએ એમની દીકરાની પ્રાર્થના ન સાંભળી એની ઉદાસી હતી. છતાં પણ હરિ ઈચ્છા સર્વોપરી ગણી એમને ઉદાસી ખંખેરી નાખી અને જન્મેલ નાની પરીને રમાડવામાં ઉછેરવામાં ધન્યતા અનુભવવા લાગ્યા…

એ ભાઈના જીવનની આ એક બાજુ હતી. એના જીવનની એક બીજી બાજુ પણ છે જે માનવતાના સર્વોચ્ચ શિખર થી પણ ઉચ્ચ છે…”માજીને ખવડાવ્યું…?
“અને હા એમના કપડાં બદલાવ્યા હતા ને… માજીને લીલા અને ગંદા કપડાં માં નહોતા રાખ્યા ને…” “એમની પાસે તું બેઠી હતી ને…???”
બહાર ગામથી બપોરના ઘરે પરત ફરેલ એ ભાઈ આવીને પાણી પણ પીધા વિના સૌથી પહેલા એની પત્ની પાસે એની વૃદ્ધ મા ના આમ સમાચાર લઈ રહ્યો હતો…

એની વૃદ્ધ મા ની આવી તકેદારી રાખવાનું કારણ એ હતું કે છેલ્લા દસ વર્ષથી એ ભાઈની વિધવા મા સાવ ગાંડી તુર બની ગયેલ હતી. એના મગજનું સંતુલન એ એટલી હદે ગુમાવી ચૂકેલ હતી કે ઘરમાં પણ એને પગે સાંકળ થી બાંધીને રાખવી પડતી હતી. જો કે મા ને આમ સાંકળે બાંધવી એ એ ભાઈને મન ખૂબ મોટું વિચલિત અને દુઃખ દેનાર કાર્ય હતું પણ એના સિવાય બીજો કોઈ છૂટકો ન હતો. કારણ જો એ માજી ને છુટા રાખવામાં આવે તો હાથમાં જે વસ્તુ આવે એનો છૂટો ઘા એ કરતાં. તો અતિશય દુઃખ થતું હોવા છતાં પણ એ ભાઈને એમ કરવું પડ્યું હતું…
એ ભાઈની ગાંડી મા કે જેને ઝાડા પેસાબનું પણ કોઈ ભાન ન હતું. ન જાણે દિવસમાં કેટલીય વાર એ માજી કપડાં બગાડતા. ન ખાવા પીવાનું ભાન. જો આપવામાં આવે તો ખાય નહિતર આખો દિવસ બસ ગાંડાઈ માં બબડાટ કર્યા કરે. છતાં માજીની આટલી હદની તકલીફ ને એ ભાઈએ તકલીફ ગણી ન હતી. પોતાની ગાંડી મા ની સેવા એ શ્રવણ બની કરતો હતો. પોતાની મા ને સમયસર ખાવાનું આપવું. વારી ઘડીએ એના ગંદા કપડાં બદલવા. એ ભલે બબડાટ કરતી છતાં એની પાસે બેસવું. આ જાણે એ ભાઈ ભગવાનની ભક્તિ સમજીનેજ કરતો હતો. કોઈ દિવસ આ બાબતની ફરિયાદ એને કોઈના મોઢે કરી હોય એવું પણ બન્યું ન હતું. આ તમામ કામમાં એની પત્ની પણ એને એટલોજ સહકાર આપતી… અને તેથીજ કદાચ એ મા ની સેવા કરી શકતો હતો…
એનો બીજો એક નિયમ પણ સૌને અચંબિત કરનાર હતો. એ જ્યારે પણ ઘરની બહાર જાય ત્યારે એની ગાંડી મા ને મળી ને જ જાય. એમના પગે પોતાનું માથું ટેકવી ને જ જાય. અને ઘરમાં આવે ત્યારે પણ સૌથી પહેલા માજી ને જ મળે. ઘરનો એવો નિયમ જ એને બનાવી દીધો હતો કે રસોઈ બને એટલે સૌથી પહેલા માજી નેજ ખવડાવવાનું અને પછીજ બીજા બધાએ જમવાનું. જોકે આ બધી બાબતની, પોતાની દીકરા અને વહું દ્વારા સાચા દિલથી થઈ રહેલી આટ આટલી સેવા ની કાંઈ ખબર એ માજી ને તો હતી જ નહીં. અરે એતો પોતાના કુટુંબીજનોને ઓળખતા પણ નહીં. ઉલટાનું જ્યારે પણ એમની પાસે જવાતું ત્યારે માજીના મુખેથી ન સાંભળવાનું એમને સાંભળવું પડતું. પણ ગાંડી મા ની ગાંડાઈ માં એને દેવાયેલ ગાળો પણ એ ભાઈ ઈશ્વરના આશિષ ના બોલ સમજી હસતા મુખે સ્વીકારી લેતો…

સમય પસાર થતો ગયો અને એ ભાઈની પત્નીને પાંચમી સુવાવડ નો પ્રસંગ આવ્યો. કદાચ ભગવાન પણ એ દંપતીની કસોટી કરવામાં આ વખતે એમની સામે હારી ગયો અને એમના ઘેર પાકટ વયે દેવના ચક્કર જેવો હુષ્ટપુષ્ટ દીકરાનો જન્મ થયો. ઘરમાં આનંદનો કોઇ પાર ન રહ્યો. જન્મેલા દીકરાને હાથોમાં લઈ એ ભાઈ સૌથી પહેલા પોતાની ગાંડી મા પાસે લઈ ગયો. પણ માજી ને ક્યાં કઈ ભાન હતું…!!!
પોતાની પત્ની પાસે આવીને એ ભાઈએ કહ્યું…”માજી ની સેવાના પ્રતાપે જ આપણા ઘેર દીકરાનો જન્મ થયો…મારી મા ના ગાળોમાં દેવાયેલા આશીર્વાદ નુજ આ ફળ છે…”

દીકરો મોટો થવા લાગ્યો. ચાર માંથી બે મોટી દિકરિઓ સાસરે સુખી હતી. ખેતી વાડીમાં પણ ભગવાનની દયા હતી. એ ભાઈની પોતાની મા ની સેવાનો યજ્ઞ અવિરત ખુશી ખુશી ચલતોજ રહ્યો.

એક વખત એવું બન્યું. એ ભાઈને ઘેર કોઈ અજાણ્યા મહેમાન આવેલા. મહેમાન બહાર ઓસરીમાં બેઠેલા. જમવાનું બન્યું એટલે મહેમાનને બેસાડી એ ભાઈ સૌથી પહેલા પોતાની મા ને ખવડાવવા એમને રાખેલા ઘરમાં જાય છે… એ ભાઈના હાથમાંથી માજીએ વાટકો આંચકી લીધો અને એનો બહાર છુટ્ટો ઘા કર્યો. એ ભાઈ વાટકો ઉઠાવવા જાય છે અને મહેમાન બોલે છે…
“ભાઈ , આ માજી તો હદ કરે છે હો… આટલી હદે ગાંડપણ અને તોય તમે એમની આટલી સેવા કરો છો… ખરેખર તમે તો મા ની સેવામાં શ્રવણ ને પણ પાછળ પાડી દીધો… માજી તો ગાંડા છે … તમે આટલી સેવા કરો છો પણ એ ક્યાં તમને ઓળખે છે કે તમે એમનો દીકરો છો…!!!”

અને એ ભાઈએ મહેમાનને જે જવાબ આપ્યો એમાં તમામ ધર્મોનો સાર માત્ર એકજ લીટીમાં સમાઈ જતો હતો…
એ ભાઈ બોલ્યા…

“માજી મને નથી ઓળખતા કે હું એમનો દીકરો છું… પણ હું તો ઓળખું છું ને કે એ મારી મા છે…”

● POINT :- વાહ… આવા પણ દીકરાઓ હોય છે જે પોતાની મા ને જ ઈશ્વર ગણી પોતાનું જીવન ધન્ય સમજે છે એની સેવા કરવામાં. શ્રવણે સર્જેલી માત પિતા ભક્તિની એ સરવાણી ને આજે પણ જીવિત રાખનાર આવા દીકરાઓ પણ હોય છે…
ભગવાન પણ આવા વ્યક્તિઓને માત પિતાની સેવાનો બદલો વહેલો મોડો આપે છે ખરો એ પણ એક સનાતન સત્ય છે…

લેખક :- GujjuRocks Team – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર) 

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.