દિલધડક સ્ટોરી નારી વિશે નીરવ પટેલ પ્રેરણાત્મક રસપ્રદ વાતો વૈવાહિક-જીવન

“હું પારકી કે પોતાની” ભાગ-5, એક પરણિત સ્ત્રીની વેદનાઓને વાચા આપતી કહાની, આ વાર્તા ઘણી સ્ત્રીઓના જીવનમાં હકીકત સમાન છે

રોહિણી રાત્રે બારીએ બેસીને વિચારવા લાગે છે કે હવે આગળ શું કરવું ? એક તરફ હેતલ વિશે જાણીને તેને ઘણું જ દુઃખ થયું, તો બીજી તરફ તેનું જીવન પણ એજ દિશામાં આગળ વધી રહ્યું હતું. મોટા સુધી તેને બેસી અને એક નિર્ણય કર્યો કે સવારે પોતાના પપ્પાને બધું જ જણાવી દીધું. ત્યારબાદ પરિણામ જે આવે તે જોઈ લેવાશે. વિશ્વાસ વિશે પણ હવે તે આગળ કઈ વિચારવા નહોતી માંગતી, તેને મનોમન જ નક્કી કરી લીધું હતું કે વિશ્વાસ તેના જીવનમાં આગળ વધી ગયો હશે.

મોડા સુધી બેસીને પછી સુવા માટે જવાનું નક્કી કર્યું, આંખોમાં ઊંઘ તો હતી નહીં પરંતુ શરીર સુવા માટે લઇ આવ્યું. પોતાના પિયર આવ્યા બાદ મૈત્રી જાણે તેની જવાબદારી ના હોય તેમ જ લાગી રહ્યું હતું. પરિવારના બધા જ સભ્યો તેને વારાફરથી રમાડતા હતા.

બીજા દિવસે સવારે ચા નસ્તો કર્યા બાદ રોહિણીએ તેના પપ્પાને કહ્યું કે “પપ્પા મારે તમારી સાથે એક વાત કરવી છે.” રોહીના પપ્પાએ ખુશીમાં જ કહ્યું, “બોલને બેટા શું કહેવું છે ?” રોહિણીએ જવાબ આપતા જણાવ્યું, “હું કાલે હેતલના ઘરે ગઈ હતી.”

વચ્ચે જ તેના પપ્પા બોલી ઉઠ્યા. “હા એના પપ્પા મને થોડા સમય પહેલા મળ્યા હતા, તેમને જણાવ્યું કે તે સાસરેથી ઘરે આવી છે અને જમાઈ ખુબ હેરાન કરતા હતા, મેં તો એમને કહ્યું હતું કે અમને તો લાખ રૂપિયાના જમાઈ મળ્યા છે.” રોહિણી તેના પપ્પા સામે જ જોઈ રહી, ક્ષણવાર તો તેને પણ વિચાર્યું કે પપ્પાને કોઈ વાત નથી કરવી, પરંતુ તે જો આજે નહીં બોલે તો ફરી ક્યારેય આ સમય નહીં મળે એટલે તેને બોલવાનું શરુ કર્યું.

“પપ્પા જે ખરેખર દેખાતું હોય છે તે હકીકતમાં હોય છે ખરું ?” રોહિણીના પપ્પા હાથમાં રહેલો ચાનો ગ્લાસ ટ્રિપોઈ ઉપર મૂકતા બોલ્યા, “કેમ એવું પૂછે છે ?” “પપ્પા, હું તુષારની વાત કરી રહી છું. તુષાર તમારા બધાની સામે ભલે સારો દેખાતો હોય, પરંતુ હકીકતમાં તે એવો નથી, તે બસ દુનિયા સામે જ સારો દેખાય છે. પણ એનું અસલ રૂપ દુનિયાએ નથી જોયું, એ હું જ જાણું છું.” રોહિણીએ હિંમત કરી એક આંસુની ધાર સાથે વાત કરી દીધું.

તેના પપ્પાએ તેનો હાથ પકડતા કહ્યું, “વાત શું છે ? મને વિગતવાર જણાવ”, રોહિણીને આ વખતે બોલવાની અવસર મળી ગયો હતો, તેને એક પછી એક તુષારના અત્યાચાર અને તેના સાસુ દ્વારા કરવામાં આવતી માનસિક સતામણી વિશે જણાવ્યું.

આ સાંભળીને રોહિણીના પપ્પા પણ આશ્ચર્યમાં પડી ગયા. અને કહ્યું, “મેં તો ક્યારેય આવું વિચાર્યું જ નથી. હું માનું છું કે ઘરમાં બે વાસણ હોય તો ખખડે પણ ખરા, પરંતુ આ હદ સુધી આ વાત આવી જશે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી.” રોહિણીની આંખમાંથી વહેતો આંસુઓનો પ્રવાહ વધવા લાગ્યો હતો. તેના પપ્પાએ તેને શાંત કરી અને આગળ શું કરવું છે તેના વિશે પૂછવાનું જણાવ્યું.

રોહિણીએ પણ આ વખતે સ્પષ્ટ જણાવી દીધું કે, “હું ત્યાં પાછી જવા નથી માંગતી. હું છેલ્લા બે વર્ષથી એ વિચારીને રહેતી હતી કે થોડા સમયમાં બધું જ સારું થઇ જશે, પરંતુ એક એક દિવસ જાણે તેમાં જ હું ઊંડી ઉતરતી હોય તેમ લાગી રહ્યું હતું. મને હતું કે તુષાર બદલાઈ જશે, પરંતુ તેના અત્યાચારો વધવા લાગ્યા છે, મને નથી લાગતું કે હવે તુષાર બદલાય. આ બધા કરતા અમારું અલગ થઇ જવું જ યોગ્ય ગણાશે.”

રોહિણીના પિતા તેના આંસુઓ જોઈને તેની ગંભીરતા સમજી ગયા. અને રોહિણીને જણાવી દીધું કે “તુષાર આવે એટલે બેસીને જ વાત કરી લઈએ.” સાથે તેમને રોહિણીની મરજીનું જ કરવાનું કહ્યું. આ સાથે એમને રોહિણી સમક્ષ એક ચિંતા પણ દર્શાવતા જણાવ્યું. “હું તારા નિર્ણયમાં સહમત છું, પરંતુ તુષારથી અલગ થયા બાદ શું ? મૈત્રીનું શું થશે ? એ કઈ નક્કી કર્યું છે ?”

“પપ્પા, હું મૈત્રીને મારી પાસે જ રાખીશ. એને સારું ભણાવીશ, અને જીવનમાં આગળ વધારીશ. હું પણ ભણેલી છું, હું પણ કોઈ નાની મોટી નોકરી કરી અને મારુ અને મૈત્રીનું ભરણ-પોષણ કરી લઈશ, હું તમારા કોઈના માથે ભાર નહીં બનું.” રોહિણીએ તેના પિતાને જણાવી દીધું. રોહિણીની વાત સાંભળીને તેના પિતાએ પણ કહ્યું, “જો દીકરા તું અમારા માથે ભાર તો નથી જ બનવાની, અમે જીવીએ છીએ ત્યાં સુધી તો તને સાચવી શકીએ છીએ, પરંતુ એકલા રહેવું એટલું સહેલું નથી હોતું. ભલે આજે તારો આ નિર્ણય છે, પરંતુ ભવિષ્યમાં તું તારો આ નિર્ણય પણ બદલી શકે છે. તું જીવનમાં આગળ વધવા માંગીશ તો પણ અમે તને નહિ રોકીએ.”

થોડીવાર પપ્પા સાથે બીજી વાતચીત કરી અને રોહિણી પોતાના રૂમમાં ગઈ. આજે તેના મનમાંથી કેટલોય ભાર ઉતરી ગયો હતો તેમ લાગી રહ્યું હતું. બસ હવે તેને એક જ દિવસ રાહ જોવાની હતી, પછી તો તે બંધનમાંથી છૂટવાની જ હતી.

એ દિવસ પણ આવી ગયો, રવિવારે સવારે જ તુષાર તેને લેવા માટે આવી પહોંચ્યો. તુષાર આવતાની સાથે જ પોતાના બનાવતી ચહેરા દ્વારા રોહીના પપ્પા-મમ્મીનું દિલ જીતવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ રોહિણીના મમ્મી-પપ્પા સામે તુષારનો અસલી ચહેરો રોહિણીએ લાવી જ દીધો હતો.  તુષારના આવવાની સાથે તો તે કઈ બોલ્યા નહિ, તેને બેસાડી ચા-નાસ્તો પણ કરાવ્યો. પરંતુ જયારે તુષારે રોહિણીને તૈયાર થવાનું કહ્યું ત્યારે તરત જ રોહિણીના પપ્પા બોલી ઉઠ્યા.

“રોહિણી હવે તમારી સાથે નહીં આવે.” પોતાના સસરાના આવા જવાબથી તુષાર પણ એકદમ ચોંકી ઉઠ્યો અને પૂછવા લાગ્યો.. “કેમ ? કઈ થયું છે ?” જવાબમાં રોહિણીના પપ્પા બોલ્યા, “તુષારકુમાર, તમે ભલે અમારી સામે સારા બનીને રહો, પણ એક દીકરીનું દુઃખ તેના માતા-પિતાથી છુપાયેલું નથી રહેતું. અમને જાણ થઇ ગઈ છે કે તમે અને તમારી મમ્મી, તમારા પપ્પાના ગુજરી ગયા બાદ રોહિણીને કેવી રીતે હેરાન કરો છો.”

રોહિણીના પપ્પાનો જવાબ સાંભળીને તો ક્ષણવાર માટે તુષારને પણ શું બોલવું તે કઈ સમાજમાં જ ના આવ્યું, જેમ તે શબ્દો સાચવતો બોલ્યો, “ના ના પપ્પા, તમારી કોઈ ભૂલ થાય છે, એવું કઈ જ નથી.” આ વખતે રોહિણી પણ ચૂપ ના રહી શકી અને તરત બોલી ઉઠી.”શું કામ હવે ખોટું બોલો છો. એટલા વર્ષોથી હું સહન કરતી આવી, મને એમ હતું કે તમે બદલાઈ જશો, પરંતુ દિવસે દિવસે મમ્મી અને તમે બંને મારા ઉપર માનસિક અને શારીરિક અત્યાચાર કરતા રહ્યા, હવે મારાથી સહન થઇ શકે એમ નથી, અને એટલે જ મેં બધી જ હકીકત પપ્પાને જણાવી દીધી છે.”

તુષારના શરીરમાં જાણે એક કરંટનો ઝાટકો લાગ્યો હોય તેમ રોહિણીને બોલતા સાંભળી અને કમકમાટી આવી ગઈ. બોલવા માટે પણ તેની પાસે શબ્દો નહોતા, અને ગુસ્સો કરવા માટે તેની પાસે યોગ્ય જગ્યા નહોતી, તે છતાં પણ થોડો ગળગળો થઈને ખાવે લાગ્યો, “પપ્પા, ઘર હોય તો બે વાસણ ખખડે પણ ખરા, હવે એવું નહિ થાય એની બાંહેધરી આપું છું.”

તુષારને વચ્ચે જ રોકતા રોહિણીના પપ્પાએ કહ્યું, “બસ બહુ થયું હવે, મારે કોઈ બાહેંધરી જોવતી નથી. મેં આ માટે રોહિણી ઉપર જ છેલ્લો નિર્ણય છોડ્યો છે, અને તેને મને એમ જ કહ્યું કે હું પાછી જવા નથી માંગતી, તે છતાં પણ હું રોહિણીને પૂછું છું, કે બોલ શું છે તારો અંતિમ નિર્ણય?”

રોહિણીએ પણ મન મક્કમ કરતા જણાવી દીધું, “મને હવે તમારી વાતો ઉપર વિશ્વાસ નથી, જે વ્યક્તિ આ બે વર્ષમાં ના બદલાયું તે હવે એક દિવસમાં ના બદલાઈ શકે.!” તુષારને પણ લાગ્યું કે હવે રોહિણીએ તેનું મન બનાવી લીધું છે, એટલે આગળ કઈ બોલી શક્યો નહીં. રોહિણીના પપ્પાએ જ આગળ વાત કરતા કહ્યું, “ડિવોર્સ માટે તમે કેવી રીતે તૈયાર થાઓ છો તે તમારી મમ્મી સાથે વાત કરીને જણાવજો, જો કોર્ટમાં કેસ કરીને કરવા હોય તો એ રીતે અને પાંચ વ્યક્તિઓની સાક્ષીમાં કરી લેવા હોય તો એ રીતે. અમારી પાસે ભગવાનનું આપેલું ઘણું બધું છે એટલે અમારે તમારી પાસેથી કોઈ પૈસા જોવતા નથી.”

તુષાર કઈ બોલ્યો નહીં, અને ત્યાંથી ઉભો થઇ અને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો. થોડા જ સમયમાં તેનો જવાબ પણ આવી ગયો, પાંચ લોકો અને વકીલ પાસે કાગળિયા તૈયાર કરાવી છૂટાછેડા કરવાનું નક્કી કરી લીધું. છૂટાછેડા બાદ રોહિણી અને મૈત્રી તેના પપ્પાના ઘરે જ જીવન વિતાવવા લાગ્યા, પોટલું મગજ શાંત રાખવા માટે રોહિણીએ નોકરી પણ શરૂ કરી. થોડા વર્ષોમાં જ તેનું જીવન સારી રીતે ચાલવા લાગ્યું. જીવનના વર્ષો વીતતા ગયા, ના તેને ક્યારેય તુષારની જરૂર લાગી, ના વિશ્વાસની ના બીજા કોઈ પુરુષની. એકલા હાથે તે જીવનનો જંગ લડતી ગઈ.

હવે તો મૈત્રી પણ મોટી થઇ ગઈ, તેને પણ સારું ભણાવીને રોહિણીએ ડોક્ટર બનાવી. મૈત્રીને પણ તેની માતા પ્રત્યે ગર્વ હતો. હવે બંને જણા શાંતિથી પોતાનું જીવન વિતાવવા લાગ્યા. આપણા સમાજમાં પણ આવી ઘણી જ ઘટનાઓ બનતી હોય છે, પરંતુ દરેક વાર્તાઓનો અનંત આટલો જ સુખદ નથી આવતો. ઘણી કહાનીઓ ખુબ જ પીડા દાયક હોય છે. આપણા સમાજમાં આજે પણ ઘણી સ્ત્રીઓ આવા માનસિક અને સારીરિક અત્યાચારોને સહન કરતી આવી છે. જે ક્યારેય ના પોતાના પિયરમાં કઈ બોલી શકે છે, ના પતિ સામે આવા ઉઠાવી શકે છે. આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

જો આ વાર્તાના આગળના ભાગ આપ વાંચવાનું ચુકી ગયા હોય તો ભાગ-1ભાગ-2ભાગ-3  અને ભાગ-4 ઉપર ક્લિક કરો.