જાણવા જેવું દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક લેખકની કલમે

“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…” – કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે આ કહેવતને સિદ્ધ કરતી આ વાત જરૂર વાંચજો !!!

“ભૂલે નહિ ભગવાન કદી, તારા કરેલા કર્મ.
નીતિના રસ્તે ચાલવું, એજ સાચો છે ધર્મ…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

ગામના ખૂબ સમૃદ્ધ નગરશેઠ એમના હજૂરીયા એટલે કે જી હુજુર જી હુજુર કરનારા કેટલાક તકસાધુઓને કહી રહ્યા હતા કે…
“લોકો કહે છે કે કર્મોના ફળ અવશ્ય ભોગવવા પડે છે. હું કહું છું એ જગતમાં કર્મો જેવું અને એના ફળ ભોગવવા જેવું કશું હોતું નથી. મારી નજરમાં તો બુદ્ધિમાન માણસ એજ કહેવાય કે જે પોતાની સામે આવેલી પૈસા અને સંપત્તિ ભેગી કરવાની એક પણ તક ન જવા દે. મોકો મળે એટલે રૂપિયા બનાવી જ લેવા જોઈએ. બઉ ડરી ડરી ને ચાલવાની કોઈ જરૂર નથી. એમ ભગવાન થોડો નવરો બેઠો છે કે તમને સજા કરવા આવે…!!!”
અને આવી આવીતો કર્મોના ગણિત ની વાતો પોતાના ધારદાર વક્તવ્યથી ખોટી સાબિત કરવા એ નગરશેઠ પોતાના હજૂરીયાઓ સામે રોજે રોજ ડાયરા ભરીને બેસતા. નગરશેઠના પૈસે જલસા કરતા એમના ગુલામો જેવા લોકોની ટોળી પણ નગરશેઠની આવી વાતો પર “સાચી વાત, સાચી વાત” કહી મહોર લગાવતા અને નગરશેઠને પાનો ચડાવતા. આમ તો આમ કરવા પાછળ એ ટોળકીનો પણ એટલો જ સ્વાર્થ હતો. નગરશેઠની વાતો માં સંમતિ દર્શાવતા નગરશેઠની રહેમનજર સદા એમની પર રહેતી અને અવસર પ્રસંગે એમનું પણ ગાડું હાલ્યે જતું.

ભગવાનના કર્મોનું ગણિત ખોટું પાડતા અને ખરાબ તેમજ અનીતિ અને અધર્મના રસ્તે સંપત્તિના ઢગલે ઢગલા ભેગા કરનાર એ નગરશેઠ ને એ વખતે ક્યાં ખબર હતી કે…

ભગવાન જ્યારે કર્મોનો હિસાબ લેવાનું શરૂ કરે છે ત્યારે માણસને એકજ ઝાટકે રાજા માંથી રંક અને મહેલ માંથી સડક પર લાવીને મૂકી દે છે.
પણ, ઘરમાં આવતી સંપત્તિની ચમક સામે નગરશેઠની નજરે કુદરતની કર્મોના ફળ ની એ તમામ રોશની કદાચ ઝાંખી પડી ગઈ હતી.
બે યુવાન દીકરાના પિતા, દિકરાઓના ઘેર પણ એક દીકરો આલીશાન મકાન અને લાખોમાં બેન્ક બેલેન્સ ધરાવતા એ નગરશેઠને એ વાતની ખબર હતી કે એને જે સમૃદ્ધિનો મહેલ ખડો કર્યો છે એના પાયામાં ન જાણે કેટલાય મજબુર અને લાચાર લોકોની હાય છુપાયેલી છે. ઘરમાં સંપત્તિના ઢગ ઠલવાતા હતા ત્યારે તો એ નગરશેઠને એમજ હતું કે…

“આટ આટલા વર્ષોથી પોતે જે સંપત્તિ ભેગી કરી રહ્યો છે તો ક્યાં ભગવાને કોઈ દંડ આપી દીધો. અને એટલેજ એ વારંવાર ભગવાનથી ડર્યા વિના પોતાના પાપના રસ્તે આગળ વધતો રહ્યો અને સુખી થતો રહ્યો.

પણ, કહેવાય છે ને કે “ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી” તો કુદરતના એ ન્યાય મુજબ હવે કદાચ એ નગરશેઠના પાપ કર્મોનો ઘડો ભરાઈ ચુક્યો હતો. કદાચ હવે ઈશ્વરની શાશ્વત અને સનાતન રડાર માં એ નગરશેઠના અનિતિભર્યા રસ્તે ભેગી કરેલ સંપત્તિ આવી ચૂકી હતી.
એ નગરશેઠના જીવનમાં ઘટેલી એક એક ઘટના એના કર્મોનો હિસાબ હતો.

વર્ષોથી ખૂબ સંપ અને આનંદથી રહેતો એના પરિવારમાં છેલ્લા ત્રણેક મહિનાથી ખટરાગ પેદા થઈ ચૂક્યો હતો. સગી બેનની જેમ સંપથી રહેતી એના દિકરાઓની વહુઓ વચ્ચે ઈર્ષા અને નિંદારૂપી સાપ ફેણ કાઢવા લાગ્યો હતો. કામકાજની બાબતમાં હવે એના બંને દીકરાઓ અને એમની વહુઓ વચ્ચે ઝગડા શરૂ થઈ ચૂક્યા હતા. એ નગરશેઠના કર્મોના હિસાબનો આ પ્રથમ અધ્યાય હતો પણ હજી સુધી કદાચ નગરશેઠના ધ્યાનમાં આ બાબત આવી ન હતી. ઝગડા વધવાના કારણે અંતે બંને ભાઈઓને સંપત્તિ વહેંચી દઈ બંનેને અલગ કરી દેવાનું નગરશેઠે વિચાર્યું અને એ મુજબ સંપત્તિના ત્રણ ભાગ થયા. શેઠને હતું કે બે માંથી કોઈ એક દીકરો તો એને પોતાના ભેગું રાખશે પણ બે માંથી એકેય દીકરો પિતાને પોતાની સાથે રાખવા તૈયાર ન થયો અને સાહિઠ પાંસઠ વર્ષની પાકટ વયે વિપુલ સંપત્તિ હોવા છતાં એ શેઠ ને દિકરાઓથી અલગ રહેવું પડયું.

કદાચ કુદરત તરફથી મળેલ આ પ્રથમ ચોટથી એ નગરશેઠના કર્મોનો હિસાબ પૂર્ણ થતો ન હતો. દીકરાઓ અલગ થયા પણ અનિતીના રૃપિયાએ એના દીકરાઓને પણ ચેન લેવા દીધું નહિ. નાના દીકરાના નાનકડા પરિવારમાં હવે પતિ પત્ની વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયા. દીકરાની વહુ એના પતિના કહ્યા માં ન રહી અને મર્યાદા ઓળંગતી રહી. પત્નીના આવા વર્તનથી એનો પતિ ખૂબ ત્રાસી ગયો હતો. એની પત્ની એની કોઈ વાત માનવા તૈયાર નહોતી. પતિ કાંઈક વાત કહે તો તરત પોતાના પિયર ચાલી જવાની ધમકી એ આપતી રહી. અંતે શેઠના નાના દીકરાની એવી સ્થિતિ થઈ કે એ ન કોઈને કહી શકતો કે ન શહી શકતો. રોજ રોજના આ ત્રાસથી ખૂબ કંટાળી શેઠના નાના દીકરાએ ગળે ફાંસો ખાઈ મોત ને વ્હાલું કર્યું. નાના દીકરાની યુવાન વહુઆરુ વિધવા બની. નગરશેઠના જીવનમાં કુદરતની આ બીજી થપાટ હતી. યુવાન વહુઆરુ ને વિધવા સ્વરૂપે જ્યારે જ્યારે એ શેઠ જોતા ત્યારે ધીમે ધીમે હવે એમને પોતાના અનિતીના વ્યાપારનું સ્મરણ થવા લાગ્યું હતું. દીકરાના મૃત્યુને હજી છ એક મહિના વીત્યા હશે ત્યાં એ શેઠના પત્ની બ્રેઇન ટ્યુમર નામની જીવલેણ બીમારીમાં સપડાયા અને દોઢ એક મહિનામાં તો રિબાઈ રિબાઈને મોતને ભેટ્યા. દીકરાઓના અલગ થઈ જવાથી શેઠના જીવનમાં જે ખાલીપો આવ્યો હતો એ પત્નીના ચાલ્યા જવાથી જાણે શૂન્યવકાસ માં ફેરવાઈ ગયો હતો. શેઠ પાસે અઢળક સંપત્તિ હતી પણ શું કરવાની એમને સુખ ચેન ન હતું. કુદરતની એક પછી એક મળતી આ ઠોકરો ની અસર શેઠના શરીર પર પણ થવા લાગી અને હૃદયની બીમારી સાથે ગજા બહારની ડાયાબિટીસની બીમારી પણ શેઠને વળગી. શેઠના ઘરે બત્રીશે ભાતના પકવાન બનાવી શકાય એટલી કાચી સામગ્રીના કદાચ ભંડાર ભર્યા હતા પણ એ રાંધીને પ્રેમથી ખવડાવનાર કોઈ ન હતું. અને પૈસાથી કદાચ ખાવાની વ્યવસ્થા કરે તો પણ એમનું આરોગ્ય એ ખાવાની ઇજાજત આપતું ન હતું.
આમને આમ ચિંતા, એકાંત અને નાનાદિકરા તેમજ પત્નીના વિયોગમાં જીવનનો ભાર વેંઢારે જતા શેઠના જીવનમાં એક ત્રીજી ઘટના બને છે જે સૌથી વધુ ચોટ આપનાર બને છે.

સંપત્તિના નશામાં એમના મોટા દિકરાનો સત્તર અઢાર વર્ષનો યુવાન પૌત્ર ખોટી સોબતે ચડી ગયો હતો. જુગાર રમવો અને દારૂ પીવા જેવી બદી એના જીવનમાં પ્રવેશી ચુકી હતી. એ યુવાન પૌત્ર પણ એના પિતા કે પરિવારના કહ્યામાં ન હતો. સમય સાથે એના આ અપલક્ષણ વધતા ગયા હતા અને એક રાત્રે દારૂના નશામાં બાઇક ચલાવતા એનો ભયંકર એક્સિડન્ટ થયો. પળ વારમાં એનું પ્રાણ પંખેરું ઉડી ગયું.

શેઠના જીવનમાં બનેલી આ એક પછી એક ઘટનાઓ અને છેલ્લે યુવાન પૌત્રના મોતની ઘટનાઓના દુઃખદ અનુભવથી હવે એ શેઠને ખબર પડી ગઈ હતી કે આ બધી ઘટનાઓ બીજું કાંઈ નથી પણ એના પાપચાર અને ગરીબોની હાય લઈ ભેગા કરેલા પૈસા પોતાનો પ્રભાવ બતાવી રહ્યા છે. એમને એ પણ લાગતું હતું કે કુદરત એમના કર્મોનો હિસાબ લઈ રહી છે.
પોતાના આલીશાન મકાનમાં એકલાજ પથારીમાં પડ્યા પડ્યા એ તમામ ઘટનાઓ શેઠને આજે કર્મોનું ફળ ભોગવ્યા પછી યાદ આવી રહી હતી કે કયા કયા રસ્તે પોતે સંપત્તિ અને પાપનો પૈસો ભેગો કર્યો હતો.

એમને યાદ આવ્યું કે એ જ્યારે ગામના મંદિરના મુખ્ય ટ્રષ્ટિ હતા ત્યારે ધાર્મિક કામ માટે શ્રદ્ધાથી લોકોએ આપેલ દાનની રકમમાંથી પોતે કેટલી કટકી કરી અને પોતાનું ખિસ્સું ભર્યું હતું. સંપત્તિ વધતા એના પ્રભાવે છેક ઊંચા અધિકારીઓ સુધી પોતાની ઓળખાણ વધારી પોતે કેટકેટલી જમીનો અને ગામની સંપત્તિ પોતાના નામે કરી અને એમાંથી મોટા રૂપિયા બનાવ્યા હતા. મજબૂરી અને લાચારીના માર્યા ગરીબો જ્યારે એમની પાસેથી પૈસા લઈ જતા ત્યારે વ્યાજનું પણ વ્યાજ ચડાવી અને બદલામાં એ ગરીબોની જમીન જાગીરી એમને કઈ રીતે પોતાના હસ્તક કરી લીધી હતી અને ન જાણે કેટલાય પરિવારોના સહારા રૂપ જમીનો પડાવી લઈ કેટલાય પરિવારો ને વધુને વધુ ગરીબીના ખપ્પરમાં હોમ્યા હતા. કેટલાય પરિવારોને વેર વિખેર કરી નાખ્યા હતા. પણ એ સમયે ઘરમાં સંપત્તિના ઢગ ઢલવાતા હતા એટલે એ રૂપિયાની ચમક સામે શેઠને કુદરતના ડર જેવું કાંઈ હતું નહીં પણ આજે કુદરત પોતાના કર્મોનો હિસાબ લઈ રહી છે એ સ્પષ્ટ જણાઈ આવતા પોતાની અનીતિ અને પાપાચાર એ શેઠને જાણે નજર સમક્ષ દેખાતો હતો.
શેઠે પોતાની પત્ની ખોઈ, પોતાનો યુવાન પુત્ર ખોયો, પોતાનો પૌત્ર ખોયો, પોતાનો પરિવાર વેરવિખેર થતો જોયો , પોતાનું સ્વાસ્થ્ય ખોયું આ બધી ઘટનાઓ કાંઈ જીવનમાં બનતી સામાન્ય ઘટનાઓ ન હતી. પણ કુદરત તરફથી શેઠને મળતો એના કર્મોનો હિસાબ હતો.
આજે ચારે તરફ દુઃખમાં ઘેરાયેલ શેઠ ગામના દરેક લોકોને પોકારી પોકારીને કહે છે કે…
“પાપ અને અનીતિના માર્ગે ભેગો કરેલો પૈસો પરિવારને સુખ ચેન લેવા દેતો નથી. પોતાના કરેલા પાપ કર્મોની આગની જ્વાળા પરિવારના અન્ય સભ્યોને પણ દઝાડતી જાય છે…”

અને અંતે એક વાત તો એ અવશ્ય કરે છે કે…
“હું મારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છું…”

POINT:-
કર્મોનું ફળ આપવાની બાબતમાં કુદરતનું ગણિત ખૂબ પાક્કું અને સ્પષ્ટ છે. પાપી સાતમા પાતાળે પણ છુપાઈ જાય તેમ છતાં કર્મ એને શોધીજ લે છે અને ભગવાન એને દંડ આપ્યા વિના છોડતો જ નથી. સારા કર્મોનું સારું અને ખરાબ કર્મોનું ખરાબ ફળ મળે એ કુદરતની ખૂબ સરળ અને સ્પષ્ટ નીતિ છે…

Author: – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks