અજબગજબ દિલધડક સ્ટોરી નારી વિશે નીરવ પટેલ લેખકની કલમે

એક કાળી છોકરીની કહાની જેને કોઈ દિવસ ફિલ્મમાં નથી દેખાડતા, એક પ્રેરણાદાયી હૃદયસ્પર્શી વાત

ઘણા લોકોને આપણે જોઈએ છે જે રંગથી કાળા હોય છે પરંતુ તેમના કામ અને મહેનતથી પોતાનું આગવું નામ કરતા હોય છે. જે સમાજ એમનો રંગ જોઈને ધુત્કારતો હોય છે એજ સમાજ એમને માનભેર સિંહાસન ઉપર પણ બેસાડતો હોય છે. પરંતુ શું એ માન-સન્માન મેળવવું, એ પ્રતિષ્ઠા સુધી પહોંચવું એટલું સહેલું છે? કેટ કેટલું સહન કરવું પડે છે આ મુકામ મેળવવા માટે એ તો ફક્ત જેને સહન કર્યું હોય એજ જાણી શકે છે.

Image Source

આજે એવી જ એક વાર્તા તમને સંભળાવવા જઈ રહ્યા છીએ જેને વાંચી તમને પણ કાળા રંગના વ્યક્તિઓ પ્રત્યે સન્માન થશે.

Image Source

કરસનભાઇ ઘરે દીકરીનો જન્મ થયો. તેના જન્મ પહેલા સૌના ચહેરા ઉપર ખુશી હતી, સૌને તો એમ હતું કે દીકરો આવશે. જો કે કરસનભાઇના પરિવારમાં કોઈ દીકરી વિરોધી તો હતું જ નહિ પરંતુ દીકરાની આશા કોને ના હોય? જે પણ બાળક જન્મે તેને સ્વીકારી લેવાનું જ કરસનભાઈ અને તેમની પત્ની મંજૂલાએ નક્કી કર્યું હતું. મંજૂલા અને કરસન બંને દેખાવડા એટલે સૌ એમ પણ વાતો કરતા કે આવનાર બાળક પણ રૂપરૂપનો અંબાર જ અવતરશે! પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે કાળી દેખાતી દીકરીનો જન્મ થયો. નર્સે જયારે કરસનભાઇના હાથમાં દીકરી સોંપી ત્યારે જ તેઓ તો બોલી ઉઠ્યા: “આ મારું બાળક નથી, તમે કોઈ બીજાનું બાળક ઉઠાવીને લઇ આવ્યા છો.” હોસ્પિટલના સ્ટાફે સમજાવતા તેમને પણ સ્વીકારવું પડ્યું. કાળી દીકરી અવતરતા હોસ્પિટલમાં આવેલા સૌના ચહેરા ઉપર જાણે કોઈકે મેશ ચોપડી દીધી હોય એમ કાળામેશ થઇ ગયા હતા.

અડોશ પડોસ અને ગામ સમાજમાં પણ હવે તો વાતો થવા લાગી હતી કે “મંજૂલાએ કોલસાને જનમ આપ્યો.” કેટલાક લોકો તો આ દીકરીને જોઈને હસી પણ રહ્યા હતા. કરસનને આ વાત ગમતી નહોતી પરંતુ તે પણ શું કરી શકવાનો? ઈશ્વરે જે આપ્યું છે એને સ્વીકારી લેવામાં જ હવે તો ભલાઈ હતી.

Image Source

દીકરીના નામ પાડવાના પ્રંસગમાં પણ બધા હસી મઝાક કરવા લાગ્યા. કોઈ કહેતું “કાલિકા” પાડો તો કોઈ કહેતું “કાબરી” રાખો. મંજુલા ત્યારે કહેતી પણ ખરી કે: “મારી દીકરી કાળી નથી, ઘઉંવર્ણી છે.” પણ માને કોણ? લોકોને કાળા અને ઘઉંવર્ણા રંગમાં તફાવત સમજ આવતો હતો. છેલ્લે તેનું નામ “નિમીષા” નક્કી થયું. પરંતુ લોકો માટે તેનું નામ “કાબરી” નક્કી થઇ ગયું હતું.

નાનેથી મોટી થતા સુધી મંજૂલાએ નિમિષાને કેટલાય લેપ લગાવ્યા, કેટલીય ક્રીમો લગાવી, પાવડરના ડબલા ખાલી કરી નાખ્યા પરંતુ તેના રંગમાં ચપટી ભેર પણ ફેર ના પડ્યો. શાળામાં ભણવા મૂકી ત્યારે પણ લોકો તેના રંગને જોઈને મશ્કરીઓ કરતા. કોઈ બહેનપણી બનવા પણ તૈયાર નહોતી. કોઈ મા તેની દીકરીને પણ નિમીષા સાથે રમવા દેવા નહોતા મોકલતા અને તે પણ તેના રંગના કારણે. નિમીષા માટે કાળો રંગ અભિશાપ બની ગયો હતો. તેને લોકો પનોતી માનવ લાગ્યા હતા.

Image Source

નિમીષાનો રંગ ખીલવવાના મંજુલાના ઉપચારો તો હજુ ચાલુ જ હતા. તેને તડકામાં ફરવા ના જવા દેવી, હળદર દૂધ દહીં ભેગું કરીને તેના લેપ લાગવી આખો દિવસ ઘરમાં ફરતા રહેવું, ન્હાવા બેસે ત્યારે તેને ચામડી ઘસાય જાય અને નિમીષા બૂમ બરાડા પાડી રડતી ના રહે ત્યાં સુધી તેને ઘસ્યા કરવી પરંતુ આ બધાથી કોઈ ફરક પડ્યો નહિ ઉલટાનું તેના ચહેરા ઉપર ઝીણી ફોડલીઓ, ચામડીને ઘસવાથી લાલ થઇ જવી જેવી સમસ્યાઓ થતી રહી. કુદરતે આપેલો રંગ એમ થોડી બદલાવવાનો હતો?

નિમિષાને શાંતિ ત્યારે મળી જયારે તેની માએ બીજી ફૂલ જેવી દીકરીને જન્મ આપ્યો, નિમિષાને મહેણાં તો ત્યારે સાંભળવા પડ્યા હતા. પરંતુ તેની દેખરેખ રાખવામાં હવે ઘરના લોકો વ્યસ્ત હતા, નિમીષા ઉપર હવે તે લોકો ઓછું ધ્યાન રાખવા લાગ્યા હતા. ઘરમાં અરખામણી જેવો વહેવાર તો તેની સાથે જન્મતાની સાથે જ શરૂ થઇ ગયો હતો, પરંતુ જે કંઈપણ થોડું ધ્યાન હતું એ તેની બહેનના જન્મ બાદ ઓછું થઇ ગયું.

Image Source

હવે તો નિમીષા 6 વર્ષની થઇ ગઈ હતી. તે પોતાના કેટલાક કામો પોતાની જાતે પણ કરી શકતી હતી. તેની બહેન રૂપલ પાસે તેને ઓછું જવા દેવામાં આવતી, કેટલાક લોકોએ ઘરમાં એવી ચઢામણી કરી હતી કે “નિમીષાનો પડછાયો જો રૂપલ ઉપર પડશે તો એ પણ કાળી થઇ જશે.” તેથી નિમીષા એકલી જ ઘરમાં ગુમસુમ બેસી રહેતી, 6 વર્ષની ઉંમરે પણ ઘરના કેટલાક કામો શીખી લીધા હતા.

ઉંમરની સાથે નિમીષાની સમજ પણ વધતી ગઈ, વળી ભણવામાં પણ તે ખુબ જ હોશિયાર. દરેક વર્ગમાં પહેલો નંબર લાવવા છતાં પણ તેને જોઈએ એવું સન્માન તો ના શાળામાં મળતું, ના ઘરમાં. રૂપલ પણ ધીમે ધીમે મોટી થતી ગઈ અને ઘરમાં સૌની લાડલી બનતી ગઈ. પણ એ ભણવામાં સાવ ઠોઠ. તેની તો બહેનપણીઓ પણ વધારે એટલે આખો દિવસ ફર્યા જ કરે.

Image Source

બારામાં ધોરણમાં નિમીષા જિલ્લામાં પહેલા નંબરે આવી તે છતાં પણ પરિવારમાં અને તેની શાળામાં પણ તેનું સન્માન કરવામાં આવ્યું નહિ. પહેલા તો શાળામાં સૌથી પહેલા નંબરે આવનારનો ફોટો શાળામાં ટીંગાળવામાં આવતો પરંતુ નિમીષાના કાળા ચહેરાને જોઈને જિલ્લામાં પહેલી આવવા છતાં તેનો ફોટો નહિ માત્ર નામ જ લખાયું. નિમીષા કઈ બોલી નહિ પરંતુ તેને મનોમન નક્કી કરી લીધું હતું કે “કંઈક તો એવું કરવું છે જેના કારણે આ બધા જ લોકો સામે ચાલીને મને બોલાવે.”

બારમા ધોરણ પછી તેને શહેરમાં ભણવા જવું હતું. તેના પપ્પાને તેને વાત કરી, તેમને પણ વિરોધ કર્યો નહિ અને ઘરમાં તો બધા એમ જ ઇચ્છતા હતા કે તે બહાર રહે એજ સારું. માટે નિમીષા હોસ્ટેલમાં રહેવા ચાલી ગઈ. હોસ્ટેલમાં પણ જે પરિસ્થિતિ ગામમાં હતી તે જ શહેરમાં પણ જોવા મળી. ત્યાં પણ તેને સાથે કોઈ મિત્રતા કરવા તૈયાર થયું નહિ. કોલેજમાં પણ તેની કોઈ ખાસ મિત્રો તો બની જ નહિ.

Image Source

કોલેજમાં પણ નિમીષા ધ્યાન દઈને ભણવા લાગી, ઘર તો તેને યાદ પણ નહોતું આવતું, ના ઘરવાળાને નિમીષા. જયારે નિમિષાને પૈસાની જરૂર પડે ત્યારે તેના પપ્પા પાસે ફોન કરી અને માંગી લેતી. તેના પપ્પા પણ ખર્ચની રકમ સમયસર મોકલી આપતા. તે શું ભણે છે? ક્યાં રહે છે? તે કંઈજ જણાવાની ઈચ્છા તેમને હતી નહિ. ના નિમિષાએ તેમને ક્યારેય જણાવ્યું. ઘરની ચિંતા ના હોવાના કારણે તે ભણવા પાછળ પણ પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકતી. કોલેજના ત્રણેય વર્ષમાં તે ગોલ્ડ મેડાલીસ્ટ બની. આગળ તેને પોતાનું સપનું નક્કી કરી લીધું આઈએએસ બનવાનું અને લાગી ગઈ એની તૈયારીઓમાં.

Image Source

આ તરફ તેની બહેન રૂપલ પણ મોટી થતી હતી, તેનું ભણવામાં ધ્યાન તો પહેલેથી જ હતું નહિ. તેના લગ્નની પણ વાતો ચાલતી હતી ત્યારે મોટીબહેન નિમીષા હજુ કુંવારી છે તો નાની બહેનના લગ્ન કેમ કરી થઇ શકે? એજ પ્રશ્ન આવીને ઉભો રહેતો. છેલ્લે પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે “નિમિષાને જેટલા પૈસાની જરૂર પડે એ મોકલી આપવાના પરંતુ જ્યાં સુધી રૂપલ સાસરે ના ચાલી જાય ત્યાં સુધી પાછી ઘરે ના આવે.” નિમીષા માટે તો આ સારો જ નિર્ણય હતો તે પણ નહોતી ઇચ્છતી કે તેના આઈએએસ બનવાના સપનામાં કોઈ વચ્ચે આવે.

Image Source

વર્ષો વીતી ગયા. રૂપલ તેના સાસરે ચાલી ગઈ. પણ નિમીષા હજુ સુધી ઘરે આવી નહિ. 26મી જાન્યુઆરી ના દિવસે ગામની અંદર રાજ્યકક્ષાનો કાર્યક્રમ થવાનો હતો જેમાં મોટામોટા અધિકારીઓ આવવાના હતા. ગામને એક મહિના પહેલા જ દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું હતું. કરસનભાઈ ગામના સરપંચ બની ગયા માટે તેમના માથે આ કાર્યક્રમની મોટી જવાબદારી હતી.

26મી જાન્યુઆરીએ સવારથી આખું ગામ લગ્નમાં જવાનું હોય એમ તૈયાર થઈને મેદાનમાં પહોંચી ગયું. આસપાસના ગામના લોકો પણ આ કાર્યક્રમને જોવા માટે આવ્યા હતા. રૂપલ અને તેના સાસરી વાળા પણ ખાસ આ કાર્યક્રમ માટે આવ્યા હતા. પોલીસનો કાફલો તો ચાર દિવસથી ગામનો મહેમાન બન્યો હતો. કરસનભાઈનો પરિવાર પહેલી હરોળમાં ગોઠવાઈ ગયો કરસનભાઈ પણ મુખ્ય મહેમાનો માટે રાખેલી ખુરશીમાં મહેમાનો આવી અને બેસે તેની રાહ જોઈને બેઠા હતા.

Image Source

લાલબત્તી વાળી સાયરન વાગતી ગાડીઓ ગામની નજીક આવી રહી હતી. સૌની નજર દૂરથી આવતા એ આવાજ તરફ જ મંડાઈ. ગાડીના કાફલા સાથે પોલીસ બંદોબસ્તનો મોટો કાફલો સાથે જ હતો. મેદાનમાં આવીને ગાડીઓ ઉભી રહી. કાળા રંગના કપડાં પહેરેલા કમાન્ડો ઉતરી એક સફેદ રંગની ગાડીની ગોળ ફરતે વીંટળાઈ ગયા. ગ્રામજનો પણ એ ગાડીમાંથી કોણ ઉતરે છે તે જોવા માટે નજર લંબાવી રહ્યા હતા. એક કમાન્ડોએ દરવાજો ખોલ્યો. સફેદ સાડી અને ઈમ્પોર્ટેડ ચશ્મા પહેરેલી એક સ્ત્રી ગાડીમાંથી ઉતરી. તેની ફરતે કમાન્ડોનો કાફલો હોવાના કારણે તેનો ચહેરો તો સ્પષ્ટ દેખાઈ રહયો નહોતો પરંતુ જેવું તેને સ્ટેજ તરફ ચાલવાનું શરૂ કર્યું ત્યાં ઉપસ્થિતિ સૌ લોકોની આંખો પહોળી થઇ ગઈ. ગાડીમાંથી ઉતરેલ એ વ્યક્તિનું સન્માન કરવા માટે દોડીને આવતા કરસનભાઈના પગ પણ ત્યાં જ થંભી ગયા. લોકોના મોઢામાંથી શાંત આવાજ આવ્યો….”કાબરી !!!”

ત્યાં ઉપસ્થિત સૌના ચહેરા ઉપર જાણે તાળા લાગી ગયા હોય તેમ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. જે છોકરીને એક સમયે કોઈ જોવા માટે પણ તૈયાર નહોતું એ છોકરીને જોવા માટે આજે ટોળે ટોળા ઉમટ્યા હતા. જે બાપે દીકરી શું કરે છે તે જાણવાની પણ ક્યારેય ઈચ્છા ના રાખી એને સન્માનવા માટે હાથમાં ફૂલ લઈને ઉભો હતો.

Image Source

કરસનભાઈ સાથે તેના પરિવારની આંખો પણ શરમથી નીચી ઝૂકી ગઈ અને નિમીષા સ્વમાનભેર તેમની સામે ચાલી રહી હતી. કરસનભાઈની નજીક જઈને નિમિષાએ તેમના હાથમાં રહેલા ફૂલ સાથે તેમનો હાથ પકડ્યો. કરસનભાઈ તેની આંખમાં આંખ પણ મિલાવી શકતા નહોતા. પરંતુ નિમિષા તેમનો હાથ પકડી સ્ટેજ સુધી લઇ આવી.

Image Source

નિમિષાએ ઝંડો ફરકાવી પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું:
“હું કાબરી નથી, નિમીષા છું. આઈએએસ નિમીષા કરસનભાઈ” મેદાનમાં રહેલો આખો સભા મંડપ આંખમાં આંસુઓ સાથે તાળીઓના ગળગળાટથી ગુંજી ઉઠ્યો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.