દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

નિર્ભયા, આસિફા, પ્રિયંકા પછી હવે કોણ બનશે ભોગ? જો જો ક્યાંક તમારા ઘરની જ દીકરી ના બને વાસનાના ભૂખ્યા વરૂઓનો શિકાર…

ગઈકાલે આપણા દેશમાં એક ઘટના બની જેનાથી દેશ પાછો શર્મસાર બની ગયો. હૈદરાબાદમાં 22 વર્ષની ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે બળાત્કાર કરી તેને જીવતી સળગાવી દેવામાં આવી. વાત કરતા જ જાને આપણી હચમચી ઉઠીએ છીએ, આ સમાચાર સાંભળીને કરોડો ભારતીઓના હૃદય કંપી ઉઠ્યા હશે. લોકોમાં રોષ વ્યાપયેલો હશે, જેમ આજે મને ગુસ્સો આવી રહ્યો છે તેમ જ આ દેશના દરેક  નાગરિકના દિલમાં લાવા સળગતો હશે.

પરંતુ મારે વાત આ એક બળાત્કારની ઘટના વિશે નથી કરવી, આ ઘટના વિશે તો સૌ કોઈ જાણતો જ હશે કારણ કે સમાચારપત્રો,  ન્યુઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં પણ આજ સમાચાર અત્યારે ચર્ચાનો વિષય બની ગયા છે.

થોડા સમય પહેલા પણ આપણો દેશ ન્યાય માટે લડી રહ્યો હતો, ચારે બાજુ Justice for asifa, Justice for asifa સંભળાઈ રહ્યું હતું, જે આજે Justice for priyanka reddy આપણે સાંભળી રહ્યા છીએ. ફેસબુકથી લઈને તમામ સોશિયલ મીડિયા ઉપર બસ એજ જોવા મળ્યું, કેટલાક લોકોએ તો કેન્ડલ માર્ચ પણ કર્યું, જાણીને આનંદ થયો હતો. દરેક લોકો ત્યારે તેના માટે ન્યાયની માંગણી કરી રહ્યા હતા, આસિફા જ નહિ, સુરતમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો અને તેના ન્યાય માટે પણ લોકો લડી રહ્યા હતા. આજે પણ એજ પરિસ્થિતિ જોવા મળે છે. આજે પણ દેશ ન્યાય માંગી રહ્યો છે.

Image Source

કોઈ વ્યક્તિની હિંમત કેમ કરી ચાલતી હશે આવા દુષ્કૃત્ય કરવા માટે? શું વાસનાની ભૂખ એટલી તીવ્ર હોય છે કે સામે રહેલી ૮ વર્ષની છોકરી કે પછી કોઈપણ સ્ત્રી એમને એમના હવસનું સાધન દેખાતી હશે? આટલી હિંમત જો એ લોકો બીજું કોઈ સાહસનું કામ કરવામાં કે દેશ સેવા માટે લગાવે તો આજે આપણો ભારત દેશ ઘણો આગળ નીકળી શક્યો હોત. પણ એ વાત નો અફસોસ છે અને રહેશે.

Image Source

કોઈ ઉપર બળજબરી કરવામાં, કોઈને પોતાનું ગુલામ બનાવવામાં, આંદોલનો કરવામાં, ભારત બંધ કરાવવામાં, કોઈની રોજી રોટી બળજબરી કરી છીનવી લેવામાં, સરકારી સંપતિને નુકશાન પહોચાડવામાં, પદ્માવતી જેવી ફિલ્મોનો વિરોધ કરવામાં, સ્ત્રી ઉપર અત્યાચાર કરવામાં ભારતનો પુરુષ પોતાની જાતને મર્દ માને છે. પણ જ્યાં ખરી મર્દાનગી બતાવવાની આવે ત્યારે એ પીઠ બતાવીને ભાગતા પણ મેં જોયોં છે.

Image Source

આસિફા હોય કે આરતી…શયદા હોય કે પ્રિયંકા… આવું દુષ્કૃત્ય કરનારા ક્યારેય જાતિ નથી જોતા… અને હવે તો આ હેવાનો ઉંમર પણ નથી જોતા… તેમની દીકરીની જ નહીં દીકરીની દીકરી હોય એ ઉંમરની છોકરી સાથે પણ પોતાની વાસના સંતોષવામાં આ લોકોને આનંદ આવતો હોય છે, પરંતુ આ બધું થવા પાછળનું કારણ શું?

Image Source

છેલ્લા ઘણાં સમયથી હું જોઈ રહ્યો છું કે કોઈ આવો રેપ કેસ સામે આવ્યો અને એના વિરોધ શરૂ, લોકો કેન્ડલ માર્ચ કરશે, નવી નવી પોસ્ટ બનાવશે, એના આરોપીઓ સામે ન્યાય માંગશે, જેલ ભેગા કરાવશે અને એજ આરોપીઓ જેલમાં જઈ ને મોટી રકમો આપી છૂટી પણ જશે… આવું જ કંઈક મેં નિર્ભયા હત્યા કાંડમાં પણ સાંભળ્યું હતું, અને બીજા ઘણાં કિસ્સાઓ અવાર નવાર ટીવી અને સમાચારોમાં જોવા મળે છે. પણ ક્યારે આ બધું રોકાશે ?

એ પ્રશ્ન આજે પણ મનને પજવે છે, મારી જેમ કદાચ ઘણાં એવા હશે જેને આજ પ્રશ્ન ચિંતાનો વિષય બનતો હશે. ખરું ને?? કેટલીય એવી મા હશે જેની રાતોની ઊંઘ પણ હરામ થઈ ગઈ હશે.. બળાત્કાર એક માની દીકરી ઉપર થાય છે અને કરોડો મા પોતાના દીકરીના આવનાર ભવિષ્ય માટે પીડાય છે, વળી હું ખોટું ના કહેતો હોઉં તો દીકરીને જન્મ ના આપવા પાછળનું કારણ પણ આજ હોઈ શકે… ઘણાં મા બાપ એવું જ વિચારીને ગર્ભમાં રહેલી દીકરીની હત્યા કરતા હશે કે આવનાર સમયમાં મારી દીકરીને કોઈ વાસનાના ભૂખ્યા નરાધમો ચૂંથી ના ખાય !!

Image Source

આપણે દોષ સરકારને અને આપણી કાનૂન વ્યવસ્થાને આપીએ છીએ. હું પણ માનું છું કે ઘણાં અંશે એ પણ જવાબદાર છે, પણ શું આપણી કોઈ ફરજ નથી? શું આપણે પણ ત્યારે જ જાગવાનું જ્યારે આવા કાંડ સામે આવે? થોડા દિવસ બધાની સાથે ચાલી રહેલા અભિયાનમાં જોડાઈ જવાનું અને પછી પોતાના કામ ધંધે પાછા.. બરાબર ને ?? અને આપણે છેલ્લે દોષ તો એક સ્ત્રીને જ આપીએ. ઘણી જગ્યાએ ચર્ચાઓ થતાં મેં જોઈ છે, કોઈ છોકરી ટૂંકા વસ્ત્રો પહેરીને નીકળે એટલે તરત કોમેન્ટ આવે કે “આવા કપડાં પહેરે એટલે રેપ થાય જ ને?” પણ શું એના માટે એ ટૂંકા કપડાં જવાબદાર છે કે આપણી વિચારધારા? હવે 5-8 વર્ષની છોકરીને પણ શું સાડી પહેરીને ફેરવવાની?

Image Source

તમે જમાનાની સાથે આગળ વધવા માંગો છો.!! ગામડું છોડી શહેરમાં તમારે વસવું છે..!! સારી હોટેલમાં જમવું છે, હાઈ-ફાઈ લાઈફ સ્ટાઇલ જીવવી છે, પણ સ્ત્રીએ ટૂંકા કપડાં પહેરવા ના જોઈએ.. હજુ માનસિકતાતો તમારી ત્યાં ને ત્યાં જ ઉભેલી છે, પોતે ગોવા કે ફોરેન જઈ ફરતી ફોરેનર ને તાકી તાકીને જોશે, પણ કોઈ ભારતીય સ્ત્રી જો આનાથી પણ વધારે મોટા કપડાં પહેર્યા હશે તો ચર્ચાઓ શરૂ કરી દેશે અને પૂછીએ તો કહે કે “ભારતની સ્ત્રી ભારતીય વસ્ત્રોમાં જ સારી લાગે” તો ભાઈ તું શું કામ પાશ્ચાત્ય રંગે રંગાવા નીકળ્યો છે, ભારતીય સંસ્કૃતિમાં તો એક પુરુષ પણ લેંઘો ઝભ્ભો કે ધોતિયું પહેરે છે તો શું એ તમે પહેરીને ફરશો? ત્યારે તો એમ કહી દેવામાં આવે છે કે “મને ના ફાવે.” તો એક સ્ત્રીને સાડીમાં કામ કરવું કેમ કરી ફાવી શકે?

જરા એટલો વિચાર તો કરજો. સ્ત્રીને મોર્ડન થવાનો કોઈ અધિકાર નથી? તે વાસના માત્રનું સાધન છે? ઘરમાં રહી ને ઘરના કામ કરાવવા જ એક સ્ત્રીની જરૂર છે? જો પુરુષ જેવા કામ કોઈ સ્ત્રી કરવા જાય તો વિરોધ કરવામાં આવે. આ માનસિકતાને બદલવી પડશે. રેપ થવાનું કારણ ટૂંકા વસ્ત્રો નહીં આપણી ટૂંકી માનસિકતા છે. પહેલા એ બદલવી પડશે. પહેલાના જીવનમાં અને હાલના જીવનમાં ઘણો મોટો તફાવત છે. અત્યારે આધુનિક યુગ છે, જેમાં માત્ર આધુનિક કપડાં પહેરી, આધુનિક ગેજેટ હાથમાં લઈ અને હાઈ ફાઈ લાઈફ સ્ટાઇલ જીવવાથી આધુનિકતા નથી આવી જતી, વિચારોને પણ અપગ્રેડ કરો તો તમે આધુનિકતા તરફ વળશો. વિદેશોમો કેમ આવા કિસ્સાઓ સામે નથી આવી રહ્યાં? કારણ કે ત્યાં આટલી પાબંધીઓ નથી, ત્યાંની સ્ત્રી ટૂંકા વસ્ત્રો પહેરે છે તો ત્યાંનો પુરુષ પણ એના ટૂંકા વસ્ત્રો માટે કોઈ કોમેન્ટ નથી કરતો. ત્યાંના પુરુષની પણ માનસિકતા આપણાં જેવી નથી તેના કારણે ત્યાં આવા કિસ્સા નથી બનતા.

Image Source

પહેલા પોતાની જાતને બદલવી પડશે, પછી બીજાને બદલવાના વિચારો કરવા. રેપ જેવા દુષ્કર્મો રોકવા માટે પહેલા આપણે જ સજાગ થવું પડશે. પણ પ્રશ્ન થાય કેવી રીતે ? તો હું તેનો જવાબ પણ આપીશ.

Image Source

દુનિયામાં 50% લોકો સારા વિચારો ધરાવતા હશે અને 50% ખરાબ વિચારો ધરાવનારા.. પણ જે 50% સારા વિચારો ધરાવે છે એને ખબર જ હોય છે કે ખરાબ વિચારો ધરાવનારા 50% લોકો કોણ છે? તમારી આજુબાજુ જ નજર દોડાવો. ઘણા એવા ચહેરા જોવા મળશે જેની નજરમાં સ્ત્રી એક વાસનાનું સાધન છે, આવા લોકોને બહાર લાવો, એના વિશે ફરિયાદ કરો, એના ઉપર પૂરતી દેખરેખ રાખો અને ખોટું કામ કરતાં જણાય તો તરત એને રોકો, એવા લોકો જ્યારે વાતો કરતાં હોય ત્યારે તેમના વિડિઓ બનાવો, સોશિયલ મીડિયા ઉપર ફરતાં કરો, જેનાથી એ વિડિઓ જોશે એને પણ ખરાબ બોલતાં પહેલા વિચાર આવશે કે કદાચ મારો તો વિડિઓ નહિ બની જાય ને ! સરકાર પણ આવા લોકોને જાહેરમાં સજા કરે, એના વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં ફરતાં કરે, તો ઘણાં લોકો આવું કરતા પહેલા જ અટકી જશે.

Image Source

કોઈ સ્ત્રી કે કોઈ છોકરી તમને એકલી માલુમ પડે તો એને મદદ કરો. પણ પાછો એક પ્રશ્ન દરેકના મનમાં આવીને અહીંયા ઊભો રહેશે કે “એ એકલી રહેલી મહિલાને મદદ કરવા જઈશ અને એ મને જ ખોટો સમજી લેશે તો? વિશ્વાસ વગર એ મહિલા કેમ કરી ટ્રસ્ટ કરી શકે? બરબરને? તો પ્રશ્નનું પણ સમાધાન છે. કોણે કહ્યું કે એ સ્ત્રીને મદદ એને પૂછીને જ થઈ શકે? જો તમે ખરેખર એ મહિલાને મદદ કરવા માંગતા હોય તો એ જ્યાં એકલી ઉભી રહી છે ત્યાંથી થોડા દૂર ઉભા રહી અને એની ઉપર નજર રાખી શકો, જો કઈ અજુકતું લાગે તો તરત ત્યાં દોડી જાઓ. એ મહિલાને જ્યાં સુધી કોઈ વિહિકલ ના મળે ત્યાં સુધી ઊભા રહો, આમ પણ આપણે મોડા સુધી તો પાનના ગલ્લે ગપ્પા મારતાં જ હોઈએ છીએ, જો એ મહિલા કોઈ ટેક્ષી કે રીક્ષામાં ઘરે જઈ રહી છે તો તમે પણ એ ટેક્ષી કે રીક્ષાની પાછળ જઈ એ ઘરે ના પહોંચે ત્યાં સુધી પાછળ રહી અને એની મદદ કરી શકો છો. જો મદદ કરવાની ઈચ્છા દિલથી આવી હોય તો ઘણાં રસ્તા મળી રહે છે, પણ આપણને તો એને પૂછીને મદદ કરવામાં રસ હોય છે, કેમ કરી એની મદદ કરી એનો વિશ્વાસની સાથે મોબાઈલ નંબર પણ મેળવી લેવો. ખરી વાત ને? એકલી રહેલી સ્ત્રી મોકો નહિ જવાબદારી છે. દોસ્તો આ માનસિકતા બદલશો તો જ આવા રેપ કેસ થતાં અટકાવી શકશો.

જો 50% સારા લોકો આ કામ દિલથી કરવા લાગી જાય તો જે 50% ખરાબ લોકો છે તેની માનસિકતા આપો આપ બદલાઈ જશે તેમાં કોઈ શંકા નથી, પણ એ પહેલાં ખુદને જાગૃત કરવાની જરૂર છે, સરકારને કે કાનૂન વ્યવસ્થાને દોષો આપવાથી કઈ નહિ વળે, ના આંદોલનો કે કેન્ડલ માર્ચ કરવાથી, બધું જ થોડા દિવસ પૂરતું હોય છે જેમ નિર્ભયા, આસિફા ઇતિહાસના પાનામાં ખોવાઈ ગઈ તેમ પ્રિયંકા અને એવી તો કેટલીય દીકરીઓ ખોવાઈ જશે, પણ ક્યારેય આનો અંત નહીં આવે થોડા દિવસ બધું શાંત રહેશે અને વળી પાછો કોઈ હેવાન આવી હેવાનીયત કરીને કોઈની જિંદગી વેર વિખેર કરી નાખશે.

Image Source

તમને જો મારી વાત યોગ્ય લાગી હોય તો બીજા સુધી શૅર કરો. પ્રિયંકા, આસિફા, નિર્ભયાની જેમ જ આપણા ઘરની કે આપણા આસપાસની કોઈ દીકરી આવા હેવાનોનો ભોગ ના બને તેના માટેનું આ એક અભિયાન છે. શું ખબર કાલે આવો જ કોઈ વાસનાનો ભૂખ્યો હેવાન આપણી બાજુમાંથી જ નીકળે?

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team