દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે જીવનમાં આગળ વધે, મોટી સફળતા મેળવે, પરંતુ ક્યાંકને ક્યાંક જીવનમાં એવી કોઈ વસ્તુ અડચણ રૂપ આવી ચઢે છે જેના કારણે આપણે ધારી સફળતા નથી મેળવી શકતા, કેટલાક સામાજિક બંધનો નડે છે તો ઘણીવાર કોઈ વ્યક્તિઓ આપણી સફળતાની રાહમાં અડચણરૂપ બને છે. ત્યારે આપણે હતાશ અને નિરાશ થઇ જતા હોઈએ છીએ. આજે હું તમને એક એવી જ વાર્તા સંભળાવવાનો છું જેને વાંચી તમારા જીવનમાં પણ એક નવા ઉત્સાહનો સંચાર થશે.

એક રાજા હતો, દેશ વિદેશમાં તેની કીર્તિના ડંકા વાગે, એક દિવસ રાજાના જન્મ દિવસના પ્રસંગે આસપાસના નગરવાસીઓ રાજાને ભેટ સોગાદ આપવા માટે આવ્યા, રાજાને ઘણી બધી ભેટો મળી પરંતુ રાજાને આકર્ષી શકે તેવી કોઈ ભેટ મળી નહિ. એક વ્યક્તિએ બે બાઝના પક્ષીઓના બચ્ચા ભેટમાં આપ્યા. જે રાજાને ખુબ જ પસંદ આવ્યા, રાજાને મળેલી ભેટના બદલામાં રાજાએ બચ્ચા આપનાર એ વ્યક્તિને ઘણી જ સોનામહોરો પણ આપી, એ વ્યક્તિ ખુશી ખુશી રાજાના દરબારમાંથી ચાલ્યો ગયો.

રાજા હવે એ બચ્ચાની દેખરેખ ખુબ જ સારી રીતે રાખવા માંગતા હતા, તેમને એ બચ્ચાની દેખરેખ માટે એક સૈનિક પણ ફાળવી આપ્યો. એ સૈનિક આખો દિવસ એ બચ્ચાની સાર સંભાળ રાખતો. રાજા પણ દિવસમાં ઘણીવાર એ બચ્ચાઓ સાથે સમય પસાર કરતા, ધીમે ધીમે બચ્ચાઓ મોટા થવા લાગ્યા અને એક દિવસ બચ્ચામાંથી સંપૂર્ણ બાઝ બની ગયા હતા.

બચ્ચામાંથી બાઝ બની ગયા બાદ રાજા હવે એમને આકાશમાં ઉડતા જોવા માંગતા હતા, રાજાના આદેશથી સૈનિકે બંને બાઝને એક મેદાનની અંદર ઉડવા માટે છુટ્ટા મૂક્યા, જેમાંથી એક બાઝ આકાશમાં ઊંચે સુધી ઉડવા લાગ્યો પરંતુ બીજો બાઝ મેદાનમાં જ રહેલા એક વૃક્ષની ડાળ ઉપર જઈને બેસી ગયો. રાજાને આ જોઈ નવાઈ લાગી, બીજા દિવસે પણ એમ જ થયું અને હવે તો રોજ રોજ બંને બાઝને ઉડવા માટે મૂકતા ત્યારે એક બાઝ એ વૃક્ષની ડાળી ઉપર જ બેસી જતો.

રાજાને હવે ચિંતા થવા લાગી, એક સભા ભરી રાજાએ બીજો બાઝ કેમ નથી ઉડતો તેનું કારણ તપાસવા માટેના આદેશ આપ્યા, ઘણા લોકોએ, મંત્રીઓએ કારણ શોધવા માટે દિવસ રાત એક કરી નાખ્યા પરંતુ કોઈ જ કારણ મળ્યું નહીં, દૂર દૂરથી પક્ષીઓના જાણકારને બોલાવી કારણની તપાસ કરાવી, છતાં પણ નિરાશા જ હાથ લાગી, રાજાએ ઈનામની પણ જાહેરાત કરી કે “જે આ બાઝને આકાશમાં ઉડતું કરે એને મોં માંગ્યું ઇનામ આપવામાં આવશે.” છતાં પણ કોઈ ઉપાય મળ્યો નહિ.

રાજા સાવ નિરાશ થઇ ગયા. તે રોજ પ્રયત્નો કરતા કે બીજો બાઝ પણ આકાશમાં ઊંચે સુધી ઉડે છતાં પણ એ ઉડતો નહોતો. એક દિવસ રાજા બંને બાઝને ઉડવા માટે મૂક્યા ત્યારે બંને બાઝ આકાશમાં ઊંચે સુધી ઉડ્યા, આ જોઈ રાજાને ખુબ જ ખુશી થઇ, રાજા આનંદમાં આવી ગયા, આ કામ કોને કર્યું તે જાણવા માટે હવે તે ઉત્સુક હતા.

રાજાએ તેમના પ્રધાનને આદેશ આપ્યો કે બાઝને આકાશમાં ઉડાવનારને શોધવામાં આવે. પ્રધાને જયારે તપાસ કરી ત્યારે એક કઠિયારો મળી આવ્યો. જેને રાજા સામે હાજર કરવામાં આવ્યો.

રાજાએ તે ખેડૂતને પૂછ્યું કે “તે આ કેવી રીતે કર્યું?”
ત્યારે ખેડૂતે કહ્યું: “મેં કઈ ખાસ નથી કર્યું, છેલ્લા થોડા દિવસથી હું જોઈ રહ્યો હતો કે આપ બંને બાઝને રોજ ઉડાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ એક બાઝ રોજ એક ઝાડની ડાળી ઉપર આવીને જ બેસી જતો હતો જેથી મેં એ ડાળીને જ કાપી નાખી, જેથી ડાળી ના હોવાના કારણે બાઝને બેસવાની જગ્યા ના મળતા તે પણ બીજા બાઝ સાથે આકાશે ઉડવા લાગ્યા.”
રાજાને ખેડૂતની વાત ખુબ જ ગમી, રાજાએ ખેડૂતને ઘણું જ મોટું ધન પણ ભેટ સ્વરૂપે આપી વિદાય કર્યો.

આપણા જીવનમાં પણ ઘણીવાર આવી જ ડાળીઓ અવરોધ રૂપ બનતી હોય છે, જે કદાચ ઘણીવાર આપણે પણ નથી જાણી શકતા, આવી ડાળીઓને શોધો અને જીવનમાં આવતા એવા અવરોધોને દૂર કરો. જીવનમાં તમને પણ ઇચ્છતી સફળતા મળશે.
Author: નીરવ પટેલ :શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.