ધૈર્યરાજસિંહને બચાવવા માટે મદદ કરવા આગળ આવ્યા લોકો, જાણો અત્યાર સુધી કેટલા રૂપિયા થયા ભેગા, સરકારે કેટલી કરી મદદ

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજને નવા જીવન માટે 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. માતા-પિતા આ ખર્ચ ઉપાડી શક્તા નથી. ત્યારે તેમણે લોકો પાસેથી રૂપિયાની મદદ માંગી છે.

સોશિયલ મીડિયા દ્વારા મદદ માટે શરૂ કરવામાં આવેલી આ પહેલ હવે દેશભરમાં ગુંજી ઉઠી છે અને ઘણા લોકો ધૈર્યરાજને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. અત્યારસુધી ધૈર્યરાજસિંહ માટે ઘણી જ મોટી રકમ પણ એકત્ર થઇ ચુકી છે.

ધૈર્યરાજનેને જે બીમારી છે તેને SMA-1(Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે.

જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારસુધી ધૈર્યરાજ માટે 10 કરોડ રૂપિયા એકત્ર થઇ ચુક્યા છે. સામાન્ય નાગરિકો પણ ધૈર્યરાજ માટે ફાળો એકત્ર કરી અને દાન એકત્ર કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા પણ ધૈર્યરાજ માટે મદદ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા ધૈર્યરાજ માટે 10 લાખ રૂપિયાની આર્થિક સહાય મંજુર કરવામાં આવી છે.  તો કિન્નર સમુદાય દ્વારા પણ નાણાં એકત્ર કરી અને 65 હજાર રૂપિયા જેવી રકમ ધૈર્યરાજસિંહની સારવાર માટે આપવામાં આવી હતી.

Niraj Patel