લગ્ન બાદ માતા બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે, માતા બનવાની ઘટના દરેક સ્ત્રીના જીવનમાં અનેરી ખુશી લાવે છે. માતા ના બની શકતી હોય તેમના માથા ઉપર પણ મોટો ભાર રહેતો હોય છે, પરંતુ ઘણા લોકોને એ વાતની ખબર નથી હોતી કે એક મહિલાને ગર્ભવતી બનાવામાં કેટલો સમય લાગે છે, પુરુષોને પણ આ બાબતનું જ્ઞાન નથી હોતું, ત્યારે અમે તમને આજે આ માહિતી આપીશું કે એક મહિલાને ગર્ભવતી થવામાં કેટલો સમય લાગે છે.

સંભોગ પછી ગર્ભધારણ કરવામાં કેટલો સમય લાગી શકે છે?
મોટાભાગના દંપતીઓ લગ્નના એક વર્ષમાં જ માતા પિતા બની જતા હોય છે તો ઘણા બે વર્ષે પણ બને છે, ઘણા દંપતીઓ વચ્ચે સંબંધો યોગ્ય હોવા છતાં પણ મહિલા ગર્ભવતી નથી બની શકતી. તેના માટેના કેટલાક માપદંડ પણ છે જેની અંદર તમારી ઉંમર અને શુક્રાણુઓનું સ્વાસ્થ્ય પણ ઉમેરાયેલું છે. કેટલાક દંપતીઓમાં ઉચ્ચ માસિક પ્રજનન ક્ષમતા હોય છે જેના કારણે તેમની ગર્ભવતી બનવાની સંભાવના પણ વધારે હોય છે.
આ બાબતે સ્પષ્ટ રીતે ના કહી શકાય કે એક મહિલાને ગર્ભવતી થવામાં કેટલો સમય લાગી શકે છે પરંતુ એક રિસર્ચ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જો 10માંથી 9 મહિલાઓ સતત પ્રયાસ કરે તો તે ગર્ભવતી બની શકે છે. પરંતુ તેની અંદર લાગતો સમય બધા માટે અલગ અલગ હોઈ શકે છે.

એક રિસર્ચ પ્રમાણે જોઈએ તો કોઈપણ પ્રકારની ડોકટરી મદદ લીધા વિના સ્વસ્થ અને યોગ્ય ઉંમરની 100 મહિલાઓમાંથી 20 ટકા મહિલાઓ પ્રયત્નના પહેલા મહીને જ ગર્ભવતી બની જાય છે, જયારે 70 ટકા મહિલાઓ છ મહિનામાં ગર્ભ ધારણ કરે છે, 85 ટકા મહિલાઓ એક વર્ષ જેટલો સમય લે છે, 90 ટકા મહિલાઓ દોઢ વર્ષ એટલે કે 18 મહિના જેટલો સમય લગાવે છે, અને 95 ટકા મહિલાઓ પ્રયત્ન કરવાથી 2 વર્ષમાં ગર્ભ ધારણ કરી શકે છે.
જો કે આ આંકડાઓ વિભિન્ન પરિસ્થિતિઓ પ્રમાણે બદલાઈ પણ શકે છે. કેટલીક મહિલાઓની ગર્ભધારણ કરવાની ક્ષમતા બીજી મહિલાઓ કરતા વધારે પણ હોઈ શકે છે. જેના કારણે તે જલ્દી ગર્ભ ધરાણ કરી શકે છે. અને કેટલીક મહિલાઓની ગર્ભધારણ કરવાની ક્ષમતા ઓછી હોવાના કારણે તે ગર્ભધારણ કરવામાં વધુ સમય લગાવી શકે છે.

જે મહિલાઓને ગર્ભધારણ કરવામાં બે વર્ષ જેટલો સમય લાગી રહ્યો છે તે સામાન્ય છે, માટે એવું ના વિચારવું કે તમને યૌન સંબંધી કોઈ તકલીફ હોઈ શકે છે. પરંતુ બે વર્ષ કરતા જો વધારે સમય લાગે છે તો તમારે યોગ્ય ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ઘણી મહિલાઓ ગર્ભધારણ કરવાના પ્રયત્નના પહેલા વર્ષે જ ગર્ભ ધારણ કરી લે છે એવી મહિલાઓને ક્યારેક બીજા ગર્ભધારણ કરવામાં વધારે સમય પણ લાગી શકે છે. તો ઘણી મહિલાઓ બીજા જ વર્ષે પણ ગર્ભવતી બની શકે છે.
યોગ્ય સમયે ગર્ભધારણ કરવા માટે કેટલીક ખાસ બાબતોનું પણ ધ્યાન રાખવું જરૂરી બને છે.

ઓવુલેશન:
અંડાશયોમાંથી પરિપક્વ ઈંડા બહાર નીકળવાની પ્રક્રિયાને ઓવુલેશન કહેવામાં આવે છે. ગર્ભધારણ કરવા માટે તમારે અંડાશયોને દર મહિને લગભગ નિયમિત સમય ઉપર ઓવુલેશન કરવું જોઈએ. જો તમારું ઓવુલેશન નિયમિત નથી તો તમારા ગર્ભવતી બનાવામાં મુશ્કેલી આવી શકે છે. આ ઉપરાંત ઓવુલેશન વિના તમારું પ્રાકૃતિક રીતે ગર્ભધારણ કરવું પણ મુશ્કેલ છે.
સમાગમનો સમય:
ગર્ભવતી બનવા માટે યોગ્ય સમયે સમાગમ કરવું પણ ખુબ જ જરૂરી હોય છે. ઓવુલેશનના ત્રણ ચાર દિવસ પહેલાથી લઈને એક દિવસ પછી પણ નિયમિત સમાગમ કરવું જરૂરી છે. જો તમને ઓવુલેશનનો દિવસ ખબર ના હોય તો તમારા માસિક ચક્ર વચ્ચેના દસ દિવસો દરમિયાન સતત બીજા દિવસે સમાગમ કરવું જોઈએ. તેવામાં ઈંડાથી તમારા પતિના શુક્રાણુઓના મળવાની સંભાવના વધી જાય છે.
તમારી ઉંમર:
ગર્ભધારણ કરવા માટે યોગ્ય ઉંમર પણ જરૂરી છે, જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ ગર્ભધારણ કરવાની ક્ષમતા પણ ઘટતી જાય છે. જેના કારણે યોગ્ય ઉંમરમાં જ બાળક પેદા કરી લેવું યોગ્ય છે.
શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તા:
કોઈપણ મહિલાને ગર્ભધારણ કરવા માટે જીવનસાથીના શુક્રાણુઓનું સ્વસ્થ હોવું ખુબ જ જરૂરી છે. તમારા સાથીના શુક્રાણુઓ જેટલા યોગ્ય હશે તેના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા વધારે હશે તેટલી જ તમારા ગર્ભધારણ કરવાની સંભાવના પણ વધારે બની જશે.

ફેલોપિયન ટ્યુબની સ્થિતિ:
કોઈપણ મહિલાના ગર્ભવતી થવા પાછળ ફેલોપિયન ટ્યુબનું મહત્વનું યોગદાન રહેલું છે, ઈંડા અને શુક્રાણુઓનું મિલાન અહીંયા જ થાય છે અને અહિયાંથી જ નિષેચિત ઈંડા ગર્ભાશય સુધી પહોંચે છે. માટે જ ગર્ભધારણ કરવા માટે ફેલોપિયન ટયુબનું સાફ અને ખુલ્લું હોવું જરૂરી બને છે. જો આ ટ્યુબનો આકાર સામાન્યથી નાનો છે અને તેની અંદર કોઈ રુકાવટ છે તો તમને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવી શકે છે.
ગર્ભનિરોધકનો ઉપયોગ:
ગર્ભનિરોધકનો ઉપયોગ ગર્ભધારણથી બચવા માટે કરવામાં આવે છે, પરંતુ ક્યારેક લાંબા સમય સુધી તેનો ઉપયોગ બંધ કર્યા બાદ તે શરીરમાં પોતાની અસર થોડા સમય સુધી રાખી શકે છે. જેના કારણે પણ ગર્ભવતી બનવામાં મહિલાઓને મુશ્કેલી આવી શકે છે.