ખબર

ભાવનગરની કોવિડ સેન્ટરની અંદર અચાનક આગ ભભૂકી ઉઠતા મચી ગઈ અફરાતફરી

હાલ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં વ્યાપી ગયો છે ત્યારે આ દરમિયાન ઘણા લોકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે, અને અવાર નવાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ પણ બનતી હોય છે ત્યારે હવે ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાઈ ચુક્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના કાળુભા રોડ પર આવેલી હોટલ જનરેશન એક્સમાં આગ લગાવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે હોટલ જનરેશન એક્સના રૂમ નંબર 304માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હોટલના રૂમમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તાત્કાલિક ત્યાંથી અન્ય હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા.

વધુ માહિતી પ્રમાણે મંગળવારે રાત્રે 12.24 કલાકે રૂમ નંબર 304માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાની સાથે જ હોટેલ જનરેશન એક્સ ફાયર સ્મોક ડિટેક્ટિવ અલાર્મ શરૂ હોવાથી નીચે સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને સંપર્ક કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે 18 દર્દીઓનો બચાવ થયો હતો.

અચિંત આગ લાગવાની ઘટનાના કારણે કોવિડ સેન્ટરમાં રહેલા દર્દીઓમાં ભાગદોડ અને ભયનો માહોલ છવાઇ ગયો હતો. જોકે આ આગની ઘટનાની જાણ કરાતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને બુઝાવી હતી.

આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા 65 કોરોનાના દર્દીઓને 108ની 8 ગાડી, ફાયરની 2 ગાડીમાં ખાનગી, સર તખ્તસિંહજી હોસ્પિટલ અને લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ફાયર બ્રિગેડના અધિકારી હિરપરાએ જણાવ્યું હતું.