ગુજરાતમાંથી ઘણીવાર ચોંકાવનારા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં વલસાડના ધરમપુરની જાણીતી સ્વામિનારાયણ હોસ્ટેલ વિવાદમાં આવી છે. હોસ્ટેલની એક વિદ્યાર્થિનીનો આરોપ છે કે વોર્ડને તેને બાથરૂમમાં પૂરી દીધી હતી અને તેની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી. જો કે, ઘટનાની જાણ થતાં આદિવાસી આગેવાનો દ્વારા વિદ્યાર્થિનીની મુલાકાત લેવામાં આવી હતી અને હોસ્ટેલની મહિલા વોર્ડન સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશન સમક્ષ રજૂઆત કરાઇ હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, વલસાડના ધરમપુરના છેવાડે આવેલ સ્વામિનારાયણ સંકુલમાં આવેલ ITIમાં અભ્યાસ કરી હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીને બાથરૂમમાં પૂરી દેવામાં આવી હતી. તેની તબિયત બગડતા તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી. ત્યારે પીડિતાના પરિવાર અને આદિવાસી અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે, વિદ્યાર્થિનીને વોર્ડને બાથરૂમમાં પૂરી દીધી હતી અને અડધા કલાક સુધી દરવાજો પણ નહોતો ખુલ્યો.
જેને કારણે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ અને સાથી વિદ્યાર્થિનીઓએ બાથરૂમમાંથી રડવાનો અવાજ સાંભળતા બાથરૂમ ખોલી વિદ્યાર્થિનીને બહાર નીકાળી હતી. લાંબા સમય સુધી બાથરૂમમાં પુરાઈ રહેવાને કારણે વિદ્યાર્થિની તબિયત બગડી હતી પણ તેમ છતાં હોસ્ટેલ સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીની દરકાર ન લેવાઇ. પીડિતાની સાથી વિદ્યાર્થિનીઓ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટના બાદ વિદ્યાર્થિનીના પરિવારજનો અને આદિવાસી આગેવાનોએ વિદ્યાર્થીનીની હાલત માટે હોસ્ટેલના મહિલા વોર્ડન પર ગંભીર આક્ષેપો કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ સાથે ધરમપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. વિદ્યાર્થીનીનું કહેવુ છે કે સાંજની સભા દરમિયાન તે ના પહોંચી, તેને પેટમાં દુખતુ હોવાથી તે બાથરૂમમાં ગઇ હતી અને વોર્ડન પણ બાથરૂમમાં હતી. જો કે, તેમને ખબર હોવા છત્તાં કે અહીં એક વિદ્યાર્થીની છે તો પણ તે બહાર નીકળી ગઇ અને સ્ટોપર મારી દીધી. આ ઉપરાંત વિદ્યાર્થીનીએ એવું પણ કહ્યુ કે વોર્ડન કહી રહી હતી કે જે પણ છોકરી હોય સ્ટોપર મારી જ દેવાની, ટાઇમ ટુ ટાઇમનું પાલન ના કરે એટલે સ્ટોપર મારી દેવાની.
View this post on Instagram