ખબર

રાજકોટ અગ્નિકાંડમાં બીજી એક હકીકત આવી સામે, નજરે જોનારે કહ્યું: “ફાયર એલાર્મ વાગતા મેં નર્સને કહ્યું હતું., પરંતુ નર્સે…”

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગે લાખો લોકોના દિલમાં પણ આગ લગાવી દીધી છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ઘણી જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવતા રહે છે અને જેમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે તંત્ર અને જે તે જવાબદાર વ્યક્તિઓ સામે પણ ઘણા સવાલો ઊભા થાય છે.

રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ પણ આ વાતનો જ સંકેત આપે છે. આગના ગોઝારા દૃશ્યો ઠેર ઠેર વાયરલ થઇ રહ્યા છે. આગ લાગવાની ઘટનાને જે લોકોએ નજરે જોઈ છે તે આ ઘટનાને ભૂલી શકતા નથી.

આ ઘટનાના આવા જ એક સાક્ષી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના નેનો સાયન્સ ભવનના પ્રોફેસર દિલીપભાઈ કુબેરકરે આ આપવીતીને જણાવી હતી. તેમને જે કરુણ દ્રશ્યો જોયા અને જે અનુભવ્યું તેના વિશે પણ તેમને વાત કરી હતી.

તેમને જણાવ્યું કે: “હું ત્રીજા માળે 309 નંબરના રૂમમાં હતો. રાત્રે 11.30 વાગ્યે મારો બીજો રેમડિસિવર ઈન્જેક્શનનો ડોઝ પૂરો થયો હતો. ત્યારે ફાયર એલાર્મ વાગતાં જ મારી બાજુમાં બેઠેલી નર્સને કહ્યું કંઈ થયું છે. ત્યારે નર્સે મને કહ્યું, કોઈ રમત કરતું હોય, આથી મેં કહ્યું રમત નથી બહેન, આ તો ફાયર એલાર્મ વાગે છે. ઉપર ધુમાડો પકડે એટલે આવું સાયરન વાગે. પછી એ નર્સ દોડીને નીચે ગયાં અને થોડીવાર પછી પાછાં આવ્યાં અને કહ્યું કે પહેલા માળે આગ લાગી છે. પછી મેં કહ્યું કે ચાલો, બધા અગાશી પર ચડી જાઓ. ત્યાં સુધીમાં તો ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આખો અગ્નિકાંડ મેં મારી નજર સામે જોયો અને હોસ્પિટલ સ્ટાફ અને લોકોની ચિચિયારી મારા કાનમાં અથડાઈ તો હું થોડીવાર માટે સ્તબ્ધ બની ગયો હતો.”

આ ઘટના પાછળનું કારણ જણાવતા દિલીપભાઈએ કહ્યું હતું કે “આગમાં વેન્ટિલેટર લીકેજ થયું હોવાના કારણે આગ લાગી હોય શકે છે, વેન્ટિલેટરમાં આઈસોલેશન ટ્રાન્સફોર્મર હોય છે. આ ટ્રાન્સફોર્મરને દર 15 દિવસે તમારે રેસ્ટ આપવો પડે. ટ્રાન્સફોર્મરને રેસ્ટ આપ્યો નહીં એટલે બળી જાય છે અને લીકેજ ચાલુ થઈ જાય છે. બાદમાં સ્પાર્ક થાય એટલે આજુબાજુના વાયર બળવા લાગે છે. કેટલા ટકાવારીમાં ઈફિશિયન્સી હોય એ બધું રુટિન ચેકઅપ થતું હોય છે અને સર્વિસ પણ સમયસર કરવી પડે છે.”

આ ઘટના બાદ દિલિપભાઈ પોતાના ઘરે જ રહીને બાકીની સારવાર લઇ રહ્યા છે. તેમના પત્ની પણ કોરોના સંક્રમિત છે. આ ઘટના બાદ તેમને ગોકુલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ તે પોતાના ઘરે પરત ફરી અને બાકીની સારવાર અને ડોઝ ઘરેથી જ લેવા માંગે છે.

સંકલન અને સોર્સ : દિવ્યભાસ્કર